રાજ્ય સરકાર ભરતીની વાતો કરે અને ગુજરાત યુનિવર્સિટીએ સીધી જ રોક લગાવી દીધી
પોતાના મળતીયાઓની ગોઠવણ નહીં થતાં ભરતી રોકાઈ હોવાની અટકળો
કેટલાક સિન્ડિકેટ સભ્યોએ ભરતીને લઈ સરકારને રજૂઆત કરી હતીઃ સુત્રો
અમદાવાદ, 25 જાન્યુઆરી 2023 બુધવાર
ગુજરાત યુનિવર્સિટીમાં ભરતી પ્રક્રિયા પર રોક લગાવી દેવામાં આવી છે. એક તરફ સરકાર ભરતીની વાતો કરે છે અને બીજી તરફ ભરતી પર રોક લગાવી દેતાં અનેક તર્ક વિતર્કો શરૂ થઈ ગયાં છે. કેટલાક સિન્ડિકેટ સભ્યોએ ભરતીને લઈ સરકારને રજૂઆત કરી હોવાની માહિતી મળી રહી છે. આ ભરતીમાં પોતાના મળતીયાઓની ગોઠવણ નહીં થતાં રોક લાગી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. યુનિવર્સિટી દ્વારા એક નોટીફિકેશન બહાર પાડીને ભરતી પર રોક લગાવી દીધી હોવાની જાણકારી આપી છે.
ભરતી પર હાલ પુરતી રોક લગાવી દેવામાં આવી
ગુજરાત યુનિવર્સિટી દ્વારા ડાયરેક્ટર- કોલેજ, ડેવલોપમેન્ટ કાઉન્સિલ, પ્રિન્સિપલ સાઈન્ટિફિક ઓફિસર, ચિફ એકાઉન્ટ ઓફિસર,ડાયરેક્ટર ફિઝિકલ એજ્યુકેશન.ડેપ્યુટી રજિસ્ટ્રાર, પ્રેસ મેનેજર, લાયબ્રેરિયન, સિનિયર સાયન્ટિફિક ઓફિસર, સિસ્ટમ એનાલિસ્ટ, સિસ્ટમ એન્જિનિયર, આસિસ્ટન્ટ, રજિસ્ટ્રાર, પ્રોગ્રામર, યુનિવર્સિટી એન્જિનિયર અને મહિલા મેડિકલ ઓફિસરની ભરતી કરવાની હતી. પરંતુ એક નોટીફિકેશન બહાર પાડીને આ ભરતી પર હાલ પુરતી રોક લગાવી દેવામાં આવી છે.
ખાનગી કંપનીને કામ સોંપવાનો વિરોધ
ગુજરાત યુનિવર્સિટીમાં માર્કશીટ વેરિફિકેશન, ડીગ્રી વેરિફિકેશન, પ્રિવિઝનલ સર્ટિફિકેટ સહિતની પ્રક્રિયા માટે ખાનગી કંપનીને કામ સોંપવામાં આવ્યું છે. જે મામલે ઉગ્ર વિરોધ થયો હતો. જેમાં ફેસલ્સ સુવિધા શરૂ કરવામાં આવી હતી. આ ફેસલ્સ સુવિધામાં સામાન્ય ભાવ કરતા ભાવમાં 1000 ટકા સુધીનો વધારો હતો. આ સુવિધા માટે ખાનગી કંપનીને કામ સોંપવામાં આવ્યું હતું. આ અંગે વિદ્યાર્થી સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને યુનિવર્સિટીને નિર્ણય બદલવા અલ્ટીમેટમ પણ આપવામાં આવ્યું હતુ.વિરોધ થતા ગુજરાત યુનિવર્સિટી દ્વારા 4 સિન્ડિકેટ અને 7 અલગ અલગ વિભાગના વડાને સાથે રાખીને એક કમિટી બનાવવામાં આવી છે.