કાળઝાળ ગરમી નિમિત્ત બની , શારદાબહેન હોસ્પિટલમાં બે નવજાતના સારવાર દરમિયાન મોત
રખિયાલના દસ ,સી.ટી.એમ.ના પંદર દિવસના બાળક ડીહાઈડ્રેશનનો ભોગ બન્યા હતા
અમદાવાદ,શનિવાર,25 મે,2024
અમદાવાદમાં કેટલાક દિવસથી પડી રહેલી કાળઝાળ ગરમી બે નવજાતના
મોતનું નિમિત્ત બની છે. મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શારદાબહેન હોસ્પિટલમાં રખિયાલના એક દસ દિવસના તથા સી.ટી.એમ.ના પંદર
દિવસના એમ બે બાળકને ડીહાઈડ્રેશન થતા સારવાર અપાઈ રહી હતી.સારવાર દરમિયાન બંનેના
મોત થયા છે.
શારદાબહેન હોસ્પિટલ ખાતે રખિયાલ વિસ્તારના દસ દિવસના
બાળકને અતિતાપના કારણે ડીહાઈડ્રેશન થતા
સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો.સારવાર દરમિયાન અઢાર કલાકની અંદર તેનુ મૃત્યુ
થયુ હતુ.મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈન્ચાર્જ મેડીકલ ઓફિસર ઓફ હેલ્થ ડોકટર ભાવિન સોલંકીએ કહયુ, આ હોસ્પિટલમાં
સી.ટી.એમ.વિસ્તારના પંદર દિવસના બાળકને અતિતાપના કારણે ડીહાઈડ્રેશન થતા સારવાર
માટે દાખલ કરવામા આવ્યો હતો.આ બાળકનુ સારવારના પંદર કલાકમાં મોત થયુ હતુ.બે
નવજાતના મોતને મ્યુનિ.ના આરોગ્ય અધિકારીએ સસ્પેકટેડ હીટ રીલેટેડ ઈલનેસ ડેથ હોવાનુ
કહયુ છે.