અમદાવાદ-ગાંધીનગર મેટ્રોના બાકી 14 સ્ટેશન જૂન 2025 સુધીમાં શરુ થશે
Ahmedabad-Gandhinagar Metro: ગુજરાત સરકારના મેટ્રો પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદથી ગાંધીનગર વચ્ચેની મેટ્રો સર્વિસને આજે વિધિવત રીતે શરુ કરવામાં આવી છે. પરંતુ હાલ ફેઝ-1માં મોટેરાથી સેકટર-1 સુધીની અને જીએનએલએયુથી ગિફ્ટ સિટી સુધીની સર્વિસ શરુ થઈ છે. જ્યારે મોટેરાથી જીએનએલયુ વચ્ચેના સાત સ્ટેશન હજુ શરુ કરાયા નથી.
આ સ્ટેશનો આગામી ફેબ્રુઆરી સુધીમાં તબક્કાવાર શરુ થઈ જશે. જ્યારે સેકટર-1થી મહાત્મા મંદિર સુધીના સાત સ્ટેશન જૂન -2025 સુધીમાં શરુ કરાશે. હાલ તો ગાંધીનગર સુધી મેટ્રો સર્વિસ શરુ થતાં જીએનએલયુ અને પીડીપીયુના વિદ્યાર્થીઓને મોટો ફાયદો થશે.
મોટેરાથી જીએનએલએયુ વચ્ચેના 7 સ્ટેશન ફેબ્રુઆરી સુધીમાં શરુ થશે
અમદાવાદ મેટ્રોના ફેઝ-2 અંતર્ગત મોટેરાથી મહાત્મા મંદિર સુધી મેટ્રો રેલ ચાલવાની છે અને જેમાં કુલ 22 સ્ટેશનો છે. આ 22 સ્ટેશનોમાંથી હાલ 8 સ્ટેશનો તૈયાર થઈ જતાં સોમવારે વડાપ્રધાન દ્વારા ગાંધીનગર સુધીની મેટ્રો રેલને લીલી ઝંડી આપીને પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.
મોટેરાથી ગાંધીનગર સેકટર-1 સુધીની મેટ્રોમાં હાલ જીએનએલયુ, પીડીપીયુ, ગિફ્ટ સિટી, રાયસણ, રાંધેસણ, ધોળાકુવા સર્કલ, ઇન્ફોસિટી અને સેકટર-1 સહિતના 8 સ્ટેશનો પર જ મેટ્રો ઊભી રહેશે અને બન્ને બાજુ દોડશે. જ્યારે મોટેરાથી જીએનએલયુ વચ્ચેના 8 સ્ટેશન તૈયાર ન થયા હોવાથી શરુ કરાયા નથી. આ 8 સ્ટેશનોમાં કોટેશ્વર રોડ, વિશ્વકર્મા કૉલેજ, તપોવન સર્કલ, નર્મદા કેનાલ કોબા સર્કલ, જૂના કોબા અને કોબા ગામ સ્ટેશન હજુ સંપૂર્ણ રીતે તૈયાર થવાના બાકી છે.
આ પણ વાંચો: ટૂંક સમયમાં અમદાવાદ-વડોદરા વચ્ચે પણ ‘રેપિડ રેલ’ શરુ કરાશે, 70 મિનિટ પહોંચી જવાશે
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેકટર એસ. એસ. રાઠોરે જણાવ્યું કે કેટલાક સ્ટેશનો માટે જમીન મોડી મળતાં કામ મોડું શરુ થયું હતું, પરંતુ ગાંધીનગર સુધીના ફેઝ-2 માટે ડિસેમ્બર 2022માં કામ શરુ કરાયું હતું અને ખૂબ જ ટૂંકા સમયમાં 8 સ્ટેશનો સંપૂર્ણ તૈયાર કરીને મેટ્રો શરુ કરી દેવાઈ છે.
જ્યારે જૂના કોબા અને કોબા ગામ ખાતે હજુ રહેણાંક વસાહતો-લોકાલિટી વધી ન હોવાથી અને મેટ્રો સ્ટેશનો બનવાના બાકી હોવાથી શરુ થયા નથી. પરંતુ હાલ બાકી રહેલા જીએનએલયુ સુધીના સાત સ્ટેશનો ફેબ્રુઆરી સુધીમાં તબક્કાવાર શરુ થઈ જશે.જેમાં આગામી ત્રણથી ચાર મહિનામાં કોટેશ્વર,નર્મદા કેનલા, તપોવન સર્કલ અને વિશ્વકર્મા કૉલેજ સ્ટેશન શરુ થઈ જશે.
હાલ બે યુનિવર્સીટીના વિદ્યાર્થીઓને લાભ મળશે
જ્યારે બાકીના ફેબ્રુઆરી સુધીમાં શરુ થઈ જશે. સેકટર-1થી મહાત્મા મંદિર સુધીના બાકી 7 સ્ટેશનો જેવા સેકટર-10એ, સચિવાલય, અક્ષરધામ, જૂના સચિવાલય, સેકટર-16, સેકટર-24 અને મહાત્મા મંદિર જૂન 2025 સુધીમાં શરુ કરવાનો ટાર્ગેટ છે. મહત્ત્વનું છે કે જ્યારે જીએનએલયુ અને પીડીપીયુ સ્ટેશન શરુ થઈ જતાં અમદાવાદથી આ બે યુનિવર્સિટીમાં જતાં વિદ્યાર્થીઓને ફાયદો થશે. જ્યારે વિશ્વાકર્મા કૉલેજ તેમજ એલડીઆરપી કૉલેજ-યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને હજુ થોડા મહિનાઓ રાહ જોવી પડશે.