Get The App

નવી જંત્રી મુજબના દર ત્રણ વર્ષ સુધી લાગૂ નહીં કરાય

મિલકતવેરા, એન્વાયરમેન્ટ ચાર્જ પેટે ૩૦૦ કરોડનો કરવેરા બોજ યથાવત

મ્યુનિ.કમિશનરના ૮૪૦૦ કરોડના ડ્રાફટ બજેટમાં ૧૦૮૨ કરોડના વધારા સાથે ૯૪૮૨ કરોડનું સ્ટેન્ડિંગ કમિટીનું બજેટ,રહેણાંક મિલકત માટે રુપિયા ૨૦ અને કોમર્શિયલ મિલકત માટે રુપિયા ૩૪ના દરથી વેરા વસૂલાત કરવા ઠરાવ,દર વર્ષે બે ટકા લેટીંગ રેટમાં વધારો કરવા ,એન્વાયરમેન્ટ ચાર્જનો આંશિક અમલ કરવા ઠરાવ

Updated: Feb 10th, 2023


Google NewsGoogle News
નવી જંત્રી મુજબના દર ત્રણ વર્ષ સુધી લાગૂ નહીં કરાય 1 - image


અમદાવાદ,શુક્રવાર,10 ફેબ્રુ,2023

અમદાવાદના મ્યુનિસિપલ કમિશનરે રજૂ કરેલા વર્ષ-૨૦૨૩-૨૪ માટેના રુપિયા ૮૪૦૦ કરોડના ડ્રાફટ બજેટમાં સ્ટેન્ડિંગ કમિટીની મળેલી બજેટ રેકિવિઝેટ બેઠકમાં રુપિયા ૧૦૮૨ કરોડના વધારા સાથે કુલ રુપિયા ૯૪૮૨ કરોડનુ બજેટ  સુધારા સાથે રજૂ કરવામાં આવ્યુ છે.મ્યુનિસિપલ કમિશનરે મિલકતવેરાના દરમાં વધારો કરવા ઉપરાંત સ્વચ્છતાસેસના વર્તમાન દરોમાં બમણાં કરવાની સાથે નવો એન્વાયરમેન્ટ ઈમ્પ્રુવમેન્ટ ચાર્જનો વેરાબોજ એમ કુલ મળીને ૫૦૦ કરોડથી વધુ રકમનો વેરાબોજ શહેરીજનો ઉપર લાદવાની દરખાસ્ત કરી હતી સ્ટેન્ડિંગ કમિટીએ મિલકતવેરા માટે કમિશનરે સુચવેલા રહેણાંક માટેના  ચોરસમીટર રુપિયા ૨૩ના બદલે ૨૦ અને કોમર્શિયલ મિલકત માટે રુપિયા ૩૭ના બદલે ૩૪ રાખવાનો નિર્ણય કર્યો છે.સ્વચ્છતાસેસના વર્તમાન દર યથાવત રાખ્યા છે.એન્વાયરમેન્ટ ઈમ્પ્રુવમેન્ટ ચાર્જને આંશિક રીતે લાગૂ કરવાનો નિર્ણય કર્યો છે.શહેરીજનો પાસેથી એન્વાયરમેન્ટ ઈમ્પ્રુવમેન્ટ ચાર્જ વસૂલવા જી.પી.એમ.સી.એકટ મુજબ કોઈ જોગવાઈ છે કે કેમ એ બાબતથી અજાણ હોવાછતાં સત્તાધીશોએ કમિશનરે સુચવેલા નવા એન્વાયરમેન્ટ ચાર્જનો આંશિક અમલ કરવાનો નિર્ણય લીધો છે.કમિશનરના ડ્રાફટ બજેટમાં સુચિત કરવેરાની દરખાસ્તો બાદ શહેરીજનોને રુપિયા ૨૬૬ કરોડની રાહત આપી હોવાના શાસકપક્ષના દાવા બાદ પણ શહેરીજનો ઉપર રુપિયા ૩૦૦ કરોડનો બોજ યથાવત રહેશે.રાજય સરકારે જાહેર કરેલી નવી જંત્રી મુજબ આગામી ત્રણ વર્ષ સુધી મિલકતવેરો વસૂલવામાં નહીં આવે.કમિશનરે દર વર્ષે લેટીંગ રેટમાં પાંચ ટકાનો વધારો કરવાનુ સુચવ્યુ હતુ.જે સામે સ્ટેન્ડિંગ કમિટીએ દર વર્ષે બે ટકા લેટીંગ રેટમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે.

મ્યુનિસિપલ કમિશનરે રજૂ કરેલા વર્ષ-૨૦૨૩-૨૪ માટેના ડ્રાફટ બજેટ બાદ સુધારા સાથેનુ બજેટ સ્ટેન્ડિંગ કમિટીની મળેલી બેઠકમાં રજૂ કરવામાં આવ્યુ હતુ. કમિશનર દ્વારા મિલકતવેરાના દરમાં વધારો કરી આવક વધારવાની સુચિત દરખાસ્તની સામે મિલકતવેરાના દરમાં આંશિક વધારો કરવાના નિર્ણયથી શહેરના કરદાતાઓને રુપિયા ૧૪૬.૦૪ કરોડની રાહત મળશે.સ્વચ્છતાસેસના વર્તમાન દરોને બમણાં કરી રુપિયા ૮૭.૩૮ કરોડની વધુ આવક મેળવવાની કમિશનરની દરખાસ્તનો સ્વીકાર કરવામા આવ્યો નથી.એન્વાયરમેન્ટ ઈમ્પ્રુવમેન્ટ ચાર્જનો આંશિક અમલ કરવાથી રુપિયા ૨૩.૧૨ કરોડની શહેરીજનોને રાહત મળશે.ઉપરાંત ઈલેકટ્રિક વાહનવેરામાં રુપિયા ૮ કરોડ તેમજ ફીઝીયોથેરાપી સેન્ટર અને મ્યુનિ.હસ્તકના બિલ્ડિંગમાં ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલને રીબેટ આપવાથી રુપિયા બે કરોડ એમ કુલ મળીને ૨૬૬ કરોડની રાહત શહેરના લોકોને મળશે એમ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટે બેઠક બાદ કહયુ હતુ.

રાજય સરકાર દ્વારા જંત્રી માટેના નવા દર મુજબ આગામી ત્રણ વર્ષ સુધી શહેરના કરદાતાઓ પાસેથી મિલકતવેરો વસૂલ નહીં કરવા નિર્ણય લેવામાં આવતા શહેરીજનોને પ્રતિ વર્ષ રુપિયા ૩૦૦ કરોડના હિસાબથી ત્રણ વર્ષમાં રુપિયા ૯૦૦ કરોડની કર રાહત મળશે એવો દાવો પણ સત્તાધીશો દ્વારા કરવામાં આવ્યો છે.જયારે કમિશનરે ટેકસ માટેના લેટીંગ રેટમાં દર વર્ષે પાંચ ટકાનો વધારો કરવા સુચવેલી દરખાસ્ત સામે શાસકપક્ષે તેમાં ત્રણ ટકાનો ઘટાડો કરી બે ટકા કરવાનો નિર્ણય કર્યો છે.આમ બે ટકાના દરથી શહેરીજનોની ટેકસની રકમમાં દર વર્ષે આપોઆપ વધારો થઈ જશે.મ્યુનિસિપલ કમિશનર દ્વારા સુચવવામાં આવેલા નવા એન્વાયરમેન્ટ ચાર્જનો આંશિક અમલ કરવાનો સત્તાધારીપક્ષ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે.પરંતુ જી.પી.એમ.સી.એકટ ઉપર ચાલતા મ્યુનિસિપલ કોર્પોરેશનના તંત્રમાં એકટની કઈ જોગવાઈ મુજબ,મ્યુનિસિપલ કમિશનરને એન્વાયરમેન્ટ ઈમ્પ્રુવમેન્ટના નામે ચાર્જ વસૂલવાની સત્તા છે એ અંગે શાસકપક્ષના હોદ્દેદારોને પુછવામાં આવતા જવાબ આપી શકયા નહોતા.મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એડવાન્સ પ્રોપર્ટીટેકસ ભરતા કરદાતાઓને દસ ટકા સુધીનુ રીબેટ આપવામાં આવતુ હતુ.રીબેટમાં વધારો કરી બાર ટકા સુધી આપવા તેમજ જે કરદાતા સતત ત્રણ વર્ષ કે તેથી વધુના સમયથી ઓનલાઈન એડવાન્સ પ્રોપર્ટીટેકસ ભરતા હોય તેવા કરદાતાઓને પંદર ટકા સુધીનુ રીબેટ આપવામા આવે એવો ઠરાવ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા કરવામાં આવ્યો છે.જેનો અમલ આગામી એપ્રિલમાસથી કરવા ઠરાવાયુ છે.સ્વચ્છતાસેસ ઉપરાંત વોટર અને કોન્ઝર્વન્સીના દરો તથા વ્હીકલ ટેકસના દર યથાવત રાખવામા આવ્યા છે.ઈલેકટ્રિકવાહન માટે વ્હીકલ ટેકસમાં સો ટકા રાહત આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

શાસકપક્ષ દ્વારા રજૂ કરવામાં આવેલા વર્ષ-૨૦૨૩-૨૪ માટેના રુપિયા ૯૪૮૨ કરોડના અંદાજપત્રને વિપક્ષનેતા શહેજાદખાન પઠાણે દિશાવિહીન ગણાવ્યુ છે.શહેરીજનો ઉપર ૩૦૦ કરોડનો કરવેરા બોજ ઝીંકવાના બદલે વર્ષોથી પ્રોપર્ટીટેકસ પેટે કરદાતાઓ પાસેથી લહેણી નીકળતી મિલકતવેરાની રકમની કડક વસૂલાત કરવાની સાથે રાજય સરકાર પાસેથી ઓકટ્રોયની આવકના ગ્રોથ પેટે જે ગ્રાન્ટની રકમ લેવાની નીકળી રહી છે એ મેળવવામા આવે તો શહેરીજનો ઉપર કરવેરાનો બોજ ઝીંકવો ના પડે એમ તેમનુ કહેવુ છે.

 


Google NewsGoogle News