ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ એકમોમાં 'ભ્રષ્ટાચાર': ભ્રષ્ટ અધિકારીઓ સાથે ભાજપના હોદ્દેદારોની 'સાઠગાંઠ'
Gujarat Politics: ગુજરાતમાં હાલ સરકાર ચોમેરથી ઘેરાઈ હોય તેવી સ્થિતિનું નિર્માણ થયુ છે, કારણ કે, અગ્નિકાંડ, હરણી બોટકાંડ, તક્ષશિલા અગ્નિકાંડ, મોરબી ઝુલતાપુલ કાંડ જેવી મોટી દુર્ઘટનામાં સરકાર પીડિત પરિવારોને ન્યાય આપવામાં ઉણી ઉતરી હોય તેવુ સ્પષ્ટ થયુ છે. હાઈકોર્ટની ફટકાર છતાંય સરકાર અસંવેદનશીલ બની રહી છે.
વહીવટીતંત્ર પર ભ્રષ્ટાચારના અજગરે ભરડો લીધો છે. આ કારણોસર આમ જનતામાં સરકાર પ્રત્યે ભારોભાર નારાજગી છે. આ ઉપરાંત ખુદ ભાજપના જ ધારાસભ્ય 'અધિકારીરાજ'ને લીધે સરકારથી નાખુશ છે. આ પરિસ્થિતી જોતાં આગામી સમયમાં યોજાનારી પંચાયત-નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે સામે પવન ચાલવું પડે તેવી સ્થિતિ સર્જાય તો નવાઈ નહીં.
પીડિત પરિવારો ન્યાય મળ્યો નથી
રાજ્યમાં અત્યારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની બેદરકારી સરકાર માટે પડકારરૂપ છે. કારણ કે, સુરતમાં તક્ષશિલા અિગ્નિકાંડમાં 22 વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા હતા. મોરબીમાં ઝુલતો પુલ તૂટી પડતાં 135 લોકોએ જીવ ગુમાવ્યા હતાં. વડોદરામાં હરણી તળાટમાં બોટ ઉંધી વળી જતાં 12 બાળકો અને 2 શિક્ષકોના મૃત્યુ થયા હતાં. આ ત્રણેય ઘટનામાં પીડિત પરિવારો ન્યાય માટે આમથી તેમ ભટકી રહ્યા છે. બધીય દુર્ઘટનામાં સીટના રિપોર્ટમાં મોટા માથાઓ અને ભ્રષ્ટ અધિકારીઓ સામે કોઈ પગલાં લેવાયા નથી. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડમાંય 25થી વધુ લોકે અગ્નિ જવાળામાં ભૂંજાઈ ગયા. નાની માછલીઓને જેલ હવાલે છે પણ હજુ મગરમચ્છો પકડાયાં નથી.
પીડિતોને ન્યાય આપવાના બદલે સરકારની અધિકારીઓને છાવરવાની વૃત્તિ
ગુજરાત હાઈકોર્ટે કઠોર શબ્દોમાં સરકારની ટીકા કરી ફટકાર લગાવી હતી. તેમ છતા ખુદ સરકાર આ દુર્ઘટનામાં ભ્રષ્ટ અધિકારીઓ અને ભાજપના પદાધિકારીઓને છાવરવા ધમપછાડા કરી રહી છે. ત્રણ ત્રણ કમિટીના રિપોર્ટ પછી પણ પીડિતોને ન્યાય અપાવવાને બદલે ભ્રષ્ટ અધિકારીને બચાવવાની વૃતિને લીધે સરકારની આબરુ ધૂળધાણી થઈ છે.
આ પણ વાંચો: 'ભત્રીજા' ના આવતા જ 'કાકા' ખુરશી મૂકી ઊભા થયા! મહારાષ્ટ્રના રાજકારણનું આ દ્રશ્ય ચર્ચામાં
ખુદ પીડિતોએ ભ્રષ્ટ અધિકારી, ભાજપના પદાધિકારી સામે આક્ષેપ કર્યાં છે. પરંતુ અસંવેદનશીલ સરકારના પેટનું પાણી હાલતુ નથી. સરકાર જાણે પીડિતોની વેદના સમજતી નથી. અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા જેવા મોટા શહેરોમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ભ્રષ્ટાચારનું દૂષણ એક પડકારરૂપ છે. ભ્રષ્ટ અધિકારીઓ સાથે સાંઠગાંઠ કરી ભાજપના પદાધિકારીઓ મોટી કમાણી કરી રહ્યાં છે. સામાન્ય જનતા ભ્રષ્ટ તંત્રનો ભોગ બની રહી છે. સરકારી કચેરીમાં પૈસા વિના કામ થતુ નથી. તેવું આમજનતા અહેસાસ કરી રહી છે. આ સ્થિતિને પગલે જ અગ્નિકાંડ મુદ્દે કોંગ્રેસે આપેલાં રાજકોટ બંધના એલાનને વ્યાપક સફળતા મળી હતી.
ભાજપના નેતાઓમાં જ ગણગણાટ છે કે, સરકારની અનિર્ણાયકતા અને ભાજપ સંગઠનની નબળાઈને લીધે જે પરિસ્થિતી સર્જાઈ છે. તેમાં સુધારો નહીં થાય તો, પાલિકા-પંચાયતની ચૂંટણીમાં નારાજ જનતા ભાજપને જાકારો આપે તો નવાઈ નહીં. અગ્નિકાંડ જેવી દુર્ઘટનામાં સરકારે દાખલારૂપ કામગીરી કરવાની જરૂર હતી. તેના બદલે સરકાર હાલ ભ્રષ્ટ અધિકારીઓને બચાવવા મથામણ કરી રહી છે.
ગુજરાતની આ રાજકીય સ્થિતિને પગલે ભાજપ હાઈકમાન્ડ પણ ખફા છે. લોકસભાની ચૂંટણીમાં ભાજપ હેટ્રિકનું સત્યનું પૂર્ણ કરી શકી નહી. એટલું જ નહીં, બનાસકાંઠા બેઠક જીત્યા બાદ વિપક્ષ તરીકે કોંગ્રેસ ફુલ ફોર્મમાં છે. એટલે જ મંત્રીમંડળમાં મોટા ફેરફાર કરવો પડે તેમ છે. આ સ્થિતિને પગલે જ ભાજપે અત્યારથી પંચાયત-પાલિકાની ચૂંટણીઓની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આમ ચોમેરથી ઘેરાયેલી ભાજપ સરકાર માટે પાલિકા-પંચાયતની ચૂંટણી જીતવી ઘણી અધરી બની રહેશે.
'અધિકારીરાજ'થી ભાજપના ધારાસભ્યો સરકારની નાખુશ
સચિવાલયથી માંડી મ્યુનિસિપલ કોર્પોરેશન, કલેક્ટર કચેરી, સરકારી કચેરીઓમાં વ્યાપક ભ્રષ્ટાચારથી આમ જનતા તંગ આવી ગઈ છે. પ્રજા તો ઠીક, ભાજપના ધારાસભ્યો પણ અધિકારીરાજથી નાખુશ છે. અત્યાર સુધી ભાજપના 17 ધારાસભ્યો આ મામલે મુખ્યમંત્રીને પત્ર લખી ચૂક્યા છે. મોટભાગના ધારાસભ્યોની એક જ ફરિયાદ છે, સરકારી કચેરીઓમાં પૈસા વિના કામ થતુ નથી. સરકારી અધિકારીઓ જ ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે. ભ્રષ્ટ બાબુઓ વહીવટીતંત્ર પર હાવી છે. આ પરિસ્થિતી વચ્ચે ફરી એકવાર સરકાર અને સંગઠન વચ્ચે તાલમેલ નથી. આ કારણોસર જ પરિસ્થિતી બેકાબુ બની છે. ગુજરાતમાં ભાજપે 161 બેઠકો સાથે સંપૂર્ણ બહુમતી હોવા છતાંય લોકોમાં સરકાર પ્રત્યે ભારોભાર રોષ પ્રવર્તી રહ્યો છે.