પાડાના વાંકે પખાલીને ડામ : લાંચ અધિકારીએ લીધી અને મ્યુનિ.એસ્ટેટ વિભાગે લોકોના પ્રવેશ પર બૅન મૂક્યો
Municipal Estate Department: અમદાવાદ મ્યુનિ.ના આસિસ્ટન્ટ ટાઉન પ્લાનિંગ ઓફિસર હર્ષદ ભોજક દ્વારા રુપિયા વીસ લાખની લાંચ લેવામાં આવી હતી. આ ઘટના બાદ મ્યુનિ.તંત્રે તઘલખી નિર્ણય લઈ મધ્યઝોન એસ્ટેટ કચેરીના દરવાજા સામાન્ય લોકો માટે બંધ કરી દીધા છે. બપોરે 3 થી 5 કલાક દરમિયાન કોઈપણ વ્યકિત સીધો કચેરીમાં જઈ શકશે નહીં.
આર.ટી.આઈ.એકટિવિસ્ટોના કારણે આ નિર્ણય લેવાયો
મધ્યઝોનના ઈન્ચાર્જ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રમ્ય ભટ્ટે કહયુ, આર.ટી.આઈ.એકટિવિસ્ટોના કારણે આ નિર્ણય કરાયો છે. કચેરી બહાર મ્યુનિ. કર્મચારી બેસાડાશે. જે આવનારા લોકોની ફરિયાદો કે રજુઆત સાંભળશે. મધ્યઝોન એસ્ટેટ વિભાગની કચેરીમાં લોકો માટે દરવાજા બંધ કરાયા હોવા છતાં કોઈ પ્રકારની સુચના કચેરી બહાર મુકાઈ નથી.
વીસ લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા હતા
રુપિયા વીસ લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયેલા હર્ષદ ભોજક અગાઉ મધ્યઝોનમાં ફરજ બજાવતા હતા. મધ્યઝોનમાં જમાલપુરમાં 10 માળ સુધીનું બાંધકામ થઈ જવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવતા મ્યુનિ.કમિશનરે ભોજકને શોકોઝ નોટિસ આપી હતી. સસ્પેન્ડ કરાયા એ સમયે તે પૂર્વઝોનમાં આસિસ્ટન્ટ ટાઉન પ્લાનિંગ ઓફિસર તરીકે ફરજ બજાવતા હતા.
આ પણ વાંચો: ગુજરાતના ખેડૂતોની આવક મેઘાલય, હરિયાણા, કાશ્મીર જેવા રાજ્યોના ખેડૂતો કરતાં પણ ઓછી
લોકોની હાલાકીમાં વધારો થવા પામ્યો છે
સોમવારે મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારસન દ્વારા મધ્યઝોનના ઈન્ચાર્જ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર ઉપરાંત ઈન્ચાર્જ ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર વગેરે સાથે એક બેઠક કરી હતી. આ બેઠક બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય કચેરીના કમ્પાઉન્ડમાં મધ્યઝોન માટે બનાવવામાં આવેલા બિલ્ડિંગના બીજા માળ ઉપર આવેલી એસ્ટેટ વિભાગની કચેરી કે જયાં લોકો કામકાજના દિવસ દરમિયાન બપોરે 3 થી 5 તેમની ફરિયાદ કે પ્રશ્નોની રજુઆત કરી શકતા હતા. તેના ઉપર પ્રતિબંધ મુકી દેવાનો નિર્ણય કરતા લોકોની હાલાકીમાં વધારો થવા પામ્યો છે.
ઈન્ચાર્જ ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર ચિંતન એન્જિનિયરને પુછતાં તેમણે કહ્યુ, લોકોના પ્રવેશને લઈ ઉપરથી નિર્ણય લેવામાં આવ્યો છે. કચેરીની બહાર લોકોને નિર્ણય અંગે જાણ થાય એ પ્રકારની સુચના કયા કારણથી લગાવાઈ નથી એ અંગે તેઓ યોગ્ય જવાબ આપી શકયા નહોતા.
CCTV કેમેરાનાં રેકર્ડને સેન્ટ્રલાઈઝ કરવાનું આર્થિક-ટેકનીકલી શકય નથી, રમ્ય ભટ્ટ
મધ્યઝોન એસ્ટેટ વિભાગની કચેરીમાં તંત્ર તરફથી લગાવવામાં આવેલા સી.સી.ટી.વી. ફૂટેજ માહિતી અધિકાર એકટ હેઠળ માંગવામાં આવ્યા હતા. આ સમયે 19 માર્ચ 2024ના રોજ રાજયના માહિતી આયોગ સમક્ષ તત્કાલીન ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર(ઈ-ગવર્નન્સ) રમ્ય ભટ્ટે આયોગને આપેલા લેખિત નિવેદનમાં મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી વિવિધ ઝોન કચેરીમાં સી.સી.ટી.વી.કેમેરા લગાવવાની શરુઆત કરવામાં આવી હોવાનું કયુ હતુ.
આ પણ વાંચો: આરટીઓના નિયમોનું ઉલ્લંઘન કરતા વાહન ચાલકો સામે ડ્રાઇવઃ સપ્તાહમાં 226 મેમા
આ સાથે જ આયોગની સુનાવણીમાં તેમણે સ્પષ્ટતા કરી હતી કે, દરેક ઝોનની કચેરીઓમાં લગાવવામાં આવેલા સી.સી.ટી.વી. કેમેરાનાં રેકર્ડને સેન્ટ્રલાઈઝ કરવાનું આર્થિક અને ટેકનીકલી શકય નથી. એક સુચારુ વ્યવસ્થા તંત્ર ગોઠવાય તેવી કાર્યવાહી કરાશે. કરોડો રુપિયાના ખર્ચે અલગ અલગ કચેરી અને સ્પોટ ઉપર સી.સી.ટી.વી.કેમેરા લગાવામાં આવ્યા બાદ પણ કેમેરાનાં રેકર્ડને સેન્ટ્રલાઈઝ કરવાનું શકય ના હોય તો ખર્ચ કયાં કારણથી કરાઈ રહયો છે.આ બાબત ચર્ચાનો વિષય બનવા પામી છે.