Get The App

અમદાવાદમાં લાલ દરવાજાના નવનિર્મિત બસ સ્ટેન્ડને હેરિટેજ લુક અપાયો, મુખ્યમંત્રીએ કર્યું લોકાર્પણ

લાલ દરવાજામાં રૂપિયા 8.80 કરોડના ખર્ચે AMTSના હેરિટેજ લાલ દરવાજા ટર્મિનસનું નવનિર્માણ કરવામાં આવ્યું

અમદાવાદ શહેરમાં એ.એમ.ટી.એસ.ની 200 ઈલેક્ટ્રિક, 905 સી.એન.જી અને 130 ડિઝલ એમ કુલ 1235 બસ કાર્યરત

Updated: Jun 5th, 2023


Google NewsGoogle News
અમદાવાદમાં લાલ દરવાજાના નવનિર્મિત બસ સ્ટેન્ડને હેરિટેજ લુક અપાયો, મુખ્યમંત્રીએ કર્યું લોકાર્પણ 1 - image



અમદાવાદઃ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવિનીકરણ પામેલા લાલ દરવાજા બસ સ્ટેન્ડનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે લોકાર્પણ કર્યું હતું. દરરોજ દોઢ લાખ જેટલા પ્રવાસીઓની અવર-જવર ધરાવતા આ બસ ટર્મિનસનું નવનિર્માણ હેરિટેજ સિટી અમદાવાદને શોભે એવી હેરિટેજ થીમ પર કરવામાં આવ્યું છે.આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યુ હતુ કે, ‘લાલ બસ અમદાવાદની ઓળખ છે. 

1235 બસ નાગરિકોની સેવામાં કાર્યરત
દેશની આઝાદીના 75 વર્ષ અને AMTSની સ્થાપનાના 75 વર્ષ બંને સુભગ સમન્વય પ્રસંગે મુખ્યમંત્રીએ આનંદ વ્યક્ત કરી સૌને અભિનંદન પાઠવ્યા હતા. રાજ્યમાં પરિવહન ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તનો વિશે મુખ્યમંત્રીએ કહ્યુ હતુ કે, ‘એક સમય હતો કે જ્યારે તૂટેલી ફુટેલી અને કંગાળ હાલત રાજ્યની બસ સર્વિસની ઓળખ હતી. પરંતુ 2001માં વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં વિકાસની રાજનીતિનો સૂર્યોદય થયો અને સમયને અનુરૂપ બદલાવો આવ્યા છે.હાલમાં અમદાવાદ શહેરમાં એ.એમ.ટી.એસ.ની 200 ઈલેક્ટ્રિક, 905 સી.એન.જી અને 130 ડિઝલ એમ કુલ 1235 બસ અમદાવાદના લાખો નાગરિકોની સેવામાં કાર્યરત છે. 

અમદાવાદમાં લાલ દરવાજાના નવનિર્મિત બસ સ્ટેન્ડને હેરિટેજ લુક અપાયો, મુખ્યમંત્રીએ કર્યું લોકાર્પણ 2 - image

બસના સમયની જાણકારી આપવા એલ.ઇ.ડી સ્ક્રીન
તેમણે વધુમાં કહ્યું હતું કે, અમદાવાદના લાલ દરવાજામાં રૂપિયા 8.80 કરોડના ખર્ચે AMTSના હેરિટેજ લાલ દરવાજા ટર્મિનસનું નવનિર્માણ કરવામાં આવ્યું છે. સમગ્ર પરિસર 11583 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું છે. આ ટર્મિનસમાં હેરિટેજ બિલ્ડીંગ 2588 ચોરસ મીટર વિસ્તારમાં તૈયાર કરાઈ છે. જેમાં ઓફિસ સ્ટાફની બિલ્ડીંગ, પ્રવાસીઓ માટે પાણીની વ્યવસ્થા, કેશ કલેક્શન માટે કેબિન, મીટીંગ હોલ, પ્રવાસીઓ માટે વેઇટિંગ એરિયા, પ્રવાસીઓની સુવિધા માટે પબ્લિક ઇન્ફોર્મેશન સિસ્ટમ, કેમેરા, કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ તથા પ્રવાસીઓને લાલ દરવાજાથી શરૂ થતી અને પસાર થતી બસના સમયની જાણકારી આપવા એલ.ઇ.ડી સ્ક્રીન મૂકવામાં આવી છે.

ઓટોમેટિક પ્લાસ્ટિક બોટલ ક્રશિંગ મશીનનું લોકાર્પણ
મુખ્યમંત્રીએ કહ્યુ હતુ કે, આ વર્ષના ઐતિહાસિક બજેટમાં રાજ્ય સરકારે પર્યાવરણપ્રિય વાહનવ્યવહાર માટે 50 ઈલેક્ટ્રિક બસો માટે 24 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. અહીં આજે સી.એસ.આર. હેઠળ ઓટોમેટિક પ્લાસ્ટિક બોટલ ક્રશિંગ મશીનનું લોકાર્પણ પણ થયું છે, તે પ્લાસ્ટિકથી થતાં પ્રદૂષણને નાથવામાં સરકાર સાથે સમાજની ભાગીદારી દર્શાવે છે.’આ મશીન કાંકરિયા અને અટલ બ્રિજમાં પણ મૂકવામાં આવશે. તેનાથી પ્લાસ્ટિક બોટલનું રિસાયકલિંગ થશે અને સ્વચ્છતા પણ રહેશે. આ ઉપરાંત હેરિટેજ લૂક સાથે બનાવાયેલા ટર્મિનસ પર 1947થી આજદિન સુધીના અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસના ઇતિહાસને પ્રદર્શિત કરવામાં આવ્યો છે. 



Google NewsGoogle News