આઠ એજન્સીઓ વચ્ચે ચિઠ્ઠી ઉછાળાઈ, બે એજન્સીઓને જુનીયર કલાર્ક-કેસ રાઈટર પુરા પાડવા કામ આપી દેવાયું
એક વર્ષની કામગીરી કરાવવા રુપિયા ૬.૧૫ કરોડનો ખર્ચ કરાશે
અમદાવાદ,ગુરુવાર,20 ફેબ્રુ,2025
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આઉટ સોર્સિંગથી ૧૦૦
જુનીયર કલાર્ક અને ૧૦૦ કેસ રાઈટરની જગ્યા ભરવા આઠ એજન્સીઓ વચ્ચે ચિઠ્ઠી ઉછાળવામાં
આવી હતી. આ પૈકી બે એજન્સીઓને જુનીયર કલાર્ક અને કેસ રાઈટર પુરા પાડવા કામ આપી
દેવાયુ છે. એક વર્ષની કામગીરી કરાવવા રુપિયા ૬.૧૫ કરોડનો ખર્ચ કરાશે.
મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ સંચાલિત શહેરના વિવિધ
વોર્ડમાં આવેલા અર્બન હેલ્થ સેન્ટર માટે રાજય બજેટની ગ્રાન્ટમાંથી મંજુર થયેલી ૧૦૦
જુનીયર કલાર્ક અને ૧૦૦ કેસ રાઈટરની જગ્યા આઉટ સોર્સીંગથી ભરવા ઓનલાઈન કોમર્શિયલ
બીડ મંગાવવામાં આવતા આઠ એજન્સીઓએ બીડ ભર્યુ હતુ.નવાઈની વાત એ હતી કે, તમામ આઠ એજન્સીઓ
લોએસ્ટ વન તરીકે આવતા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર(હેલ્થ)ની અધ્યક્ષતામાં બનાવાયેલી
કમિટીમાં ચિઠ્ઠી ઉછાળીને રેન્ડમલી પસંદગી કરાતા ત્રણ એજન્સીઓમાંથી અલ્ટ્રા મોર્ડન
એજન્સીએ ૧૦૦ જુનીયર કલાર્ક પુરા પાડવા તથા એ.બી.એન્ટરપ્રાઈઝે ૧૦૦ કેસ રાઈટર પુરા
પાડવા સંમતિ દર્શાવી હતી.આ પ્રકારની કામગીરી માટેનું અગાઉ વર્ષ-૨૦૨૧-૨૨માં ટેન્ડર
કરાયુ હતુ.એ સમયે રુપિયા ૭.૪૪ કરોડની મર્યાદામાં કામગીરી કરાવવા ૧૦૦ જુનીયર કલાર્ક
અને ૧૦૦ કેસ રાઈટર આઉટ સોર્સીંગથી લેવામાં આવ્યા હતા.જેમની મુદત જાન્યુઆરી અંતમાં
પુરી થાય છે.