ગુજરાતના ખેડૂતોની આવક મેઘાલય, હરિયાણા, કાશ્મીર જેવા રાજ્યોના ખેડૂતો કરતાં પણ ઓછી

બમણી આવકના નામે સરકારે કોણીએ ગોળ ચોંટાડ્યો, ગુજરાતમાં ખેડૂતોની માસિક આવક 'ઠેરની ઠેર'

Updated: Aug 7th, 2024


Google NewsGoogle News
ગુજરાતના ખેડૂતોની આવક મેઘાલય, હરિયાણા, કાશ્મીર જેવા રાજ્યોના ખેડૂતો કરતાં પણ ઓછી 1 - image


Gujarat farmer Income News | આગામી દિવસોમાં આવક બમણી થશે તેવા વાયદા-વચન આપી સરકારે ખેડૂતોને કોણીએ ગોળ ચોટાડ્યો છે. હજુ સુધી ખેડૂતોની સ્થિતીમાં ઝાઝો સુધારો થયો નથી. વાઇબ્રન્ટ ગુજરાતમાં પણ ખેડૂતોની દશા ઠેરની ઠેર રહી છે. ખેડૂતોની માસિક આવક માત્રને માત્ર 12631 રહી છે. જોકે, મેઘાલય,હરિયાણા જેવા રાજ્યો કરતાં ય ગુજરાતના ખેડૂતોની માસિક આવક ઘણી ઓછી છે. 

ખેતીપ્રધાન ભારતમાં ખેડૂતોની દશા કફોડી બની છે. ખેડૂતોને લાભ મળે,ખેતપેદાશનું વધુ ઉત્પાદન થાય, તે હેતુસર અનેક કૃષિલક્ષી યોજનાઓ કાર્યરત છે. હજારો લાખો ખેડૂતોને કૃષિલક્ષી યોજનાનો લાભ મેળવી રહ્યા છે. કૃષિ પાછળ કરોડો રૂપિયા બજેટ ફાળવવામાં આવી રહ્યુ છે છતાંય ખેડૂતોની આર્થિક સ્થિતીમાં સુધાર આવી શક્યો નથી. 

ગુજરાતના ખેડૂતોની આવક મેઘાલય, હરિયાણા, કાશ્મીર જેવા રાજ્યોના ખેડૂતો કરતાં પણ ઓછી 2 - image

ખુદ કેન્દ્રીય કૃષિ મંત્રાલયે લોકસભામાં આ વાતનો સ્વીકાર કર્યો છે કે, ભારતમાં ખેડૂતોની માસિક આવક સરેરાશ રૂા.20-22 હજાર રહી છે. તેમાં પણ મેઘાલય પ્રથમ ક્રમે રહ્યુ છે. આ રાજ્યના ખેડૂતોની માસિક આવક રૂ. 29348 રહી છે. જયારે રૂ.26701 માસિક આવક સાથે પંજાબ બીજા નંબરે રહ્યુ છે. ત્રીજા ક્રમે હરિયાણા રહ્યુ છે જયાં ખેડૂતો મહિને રૂ.22841 મેળવી રહ્યા છે. જોકે, વિકસીત રાજ્ય ગુજરાતના ખેડૂતો આવક દ્રષ્ટિએ 11માં ક્રમે રહ્યા છે.

દિવસેને દિવસે મોઘવારી માજા મૂકી રહી છે ત્યારે હવે તો ખેતી કરવી ય મોંઘી બની રહી છે. ખેડૂતોનું કહેવું છે કે, ખેતીનું બિયારણ, ખાતર, જંતુનાશક દવા સહિત ખેતીલાયક ચીજવસ્તુઓ મોઘી બની છે. એ તો ઠીક, પણ હવે તો ખેતમજૂરી પણ મોઘી થઇ છે. અગાઉ ખેતમજૂરને રૂ.125 અપાતા. આજે ખેતમજૂરીનો ખર્ચ રૂ.350 સુધી પહોચ્યો છે. આમ છતાંય ખેતશ્રમિકો મળતાં નથી. 

અગાઉ બિયારણની થેલી રૂ.50-60માં મળતી હતી. આજે રૂ.100 ભાવ થયો છે. હાલ એક વીઘામાં વાવેતર કરવાનો ખર્ચ રૂા.25 હજાર સુધી પહોચ્યો છે. આમ, આજે ખેતી ખર્ચમાં 30 ટકાનો વધારો થયો છે. ખેડૂતોને ખેત ઉત્પાદનના પુરતા નાણાં મળતા નથી. આ કારણોસર ખેડૂતો દેવાદાર બન્યાં છે. આજે ગુજરાતમાં પ્રત્યેક ખેડૂત પરિવારના માથે રૂ.59 હજારનું દેવુ છે. જગતનો તાત અનેક મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે. ઘણાં ખેડૂતો નાછૂટકે ખેતીની જમીનો વેચવા મજબૂર બન્યાં છે. આ સંજોગોમાં ખેડૂતોની આવક મર્યાદિત બની છે જે પોષાય તેમ નથી. ટૂંકમાં, અન્ય રાજ્યો કરતાં ગુજરાતનો ખેડૂત આવકની દ્રષ્ટિએ પાછળ રહ્યો છે.

ગુજરાતના ખેડૂતોની આવક મેઘાલય, હરિયાણા, કાશ્મીર જેવા રાજ્યોના ખેડૂતો કરતાં પણ ઓછી 3 - image


Google NewsGoogle News