હોસ્પિટલ ફરી વિવાદમાં આવી, SVP હોસ્પિટલના દર્દીને અપાયેલા સુપમાં જીવાત,વિડિયો વાઈરલ
હોટલ એપોલો સિંદૂરીને મ્યુનિ.તંત્ર તરફથી નોટિસ ફટકારવામાં આવી
અમદાવાદ,સોમવાર,5 ફેબ્રુ,2024
અમદાવાદ મ્યુનિ.સંચાલિત એસ.વી.પી.હોસ્પિટલ ખાતે દર્દીને
આપવામા આવેલા વેજીટેબલ સુપમાં જીવાત નીકળતા સોશિયલ મિડીયા ઉપર વિડિયો વાઈરલ કરવામા
આવ્યો હતો.વાઈરલ કરવામા આવેલા વિડિયો બાદ હરકતમા આવેલા મ્યુનિ.તંત્રે હોસ્પિટલમાં
ફુડનો કોન્ટ્રાકટ ધરાવતી હોટલ એપોલો સિંદૂરીને નોટિસ ફટકારી ખુલાસો માંગ્યો છે.
એસ.વી.પી.હોસ્પિટલમા સારવાર માટે દાખલ કરવામા આવેલા દર્દી
માટે મંગાવવામા આવેલા વેજીટેબલ સુપમાં જીવાત નીકળતા બીજો સુપ મંગાવવામા આવ્યો
હતો.બીજી વખત મંગાવવામા આવેલ સુપ પણ પાણી જેવો નીકળતા આ ઘટનાના વિડિયો બનાવી
દર્દીના પરિવારજનો દ્વારા સોશિયલ મિડીયા
ઉપર વિડિયો વાઈરલ કરવામા આવ્યા હતા.દર્દીના
પરિવારજનોએ આ અંગે કેન્ટિનમાં ફરિયાદ કરતા ઉડાઉ જવાબ આપવામા આવ્યા હોવાનો
પરિવારજનો તરફથી આક્ષેપ કરવામા આવ્યો હતો.ઉપરાંત દર્દી સાથે એક નહીં પરંતુ બે લોકો
માટે પાસની જરુર હોવાની વાત કરી હતી.૪ ફેબુ્રઆરીએ વાઈરલ કરવામા આવેલા વિડિયોને લઈ
એસ.વી.પી.હોસ્પિટલ તરફથી દર્દીના એડમીશન સમયે પેશન્ટ સાથે રહેવા માટે એટેન્ડન્ટ
માટે એક તથા મુલાકાતી માટે એક એમ કુલ બે પાસ આપવામા આવતા હોવાનુ કહેવામા આવ્યુ
છે.વીઝીટીંગ સમય સાંજે ૪થી ૬ કલાક સિવાયના
સમયમાં દર્દીની મુલાકાત લેવાનો આગ્રહ હતો.હોસ્પિટલની પોલીસી મુજબ સાંજે ૪થી ૬ કલાક
દરમિયાન જ જવા દેવામાં આવે છે.દર્દીને બીજી વખત આપવામા આવેલો વેજીટેબલ કલીયર સુપ
હતો.બાફેલા શાકભાજીનુ પાણી ગાળીને આપવામા આવ્યુ હતુ.તેથી દર્દીને પાણીવાળો સુપ
આપવામા આવ્યો હોવાનુ લાગ્યુ હતુ.દર્દીને પહેલા આપવામા આવેલા સુપમા જીવાત હતી કે
કેમ એ અંગે તપાસનો રીપોર્ટ આવ્યા બાદ શિક્ષાત્મક કાર્યવાહી કરાશે.