ઈસ્કોન બ્રિજ દુર્ઘટના મામલો, તથ્ય પટેલને હાઇકોર્ટમાંથી રાહત નહીં, જામીન અરજી ફગાવાઈ
તથ્યની ઉંમરને ધ્યાને લઈને જામીન આપવા અરજી કરવામાં આવી હતી
Gujarat high Court rejected tathya patel bail plea : અમદાવાદ ઈસ્કોન બ્રીજ અકસ્માત કેસમાં આરોપી તથ્ય પટેલને ગુજરાત હાઈકોર્ટમાંથી ઝટકો મળ્યો છે જેમાં હાઈકોર્ટે તેની જામીન અરજી ફગાવી દીધી છે.
ગોઝારી ઘટનાએ ગુજરાતને હચમચાવી નાખ્યું હતું
અમદાવાદ શહેરના એસ.જી હાઈવે પર આવેલા ઈસ્કોન બ્રીજ પર પુરપાટ ઝડપે કાર ચલાવીને 10 જેટલા લોકોને મોતને ઘાટ ઉતારનાર આરોપી તથ્ય પટેલેની જામીન અરજીને ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી છે. તથ્યની ઉંમરને ધ્યાને લઈને જામીન આપવા અરજી કરવામાં આવી હતી. જો કે સરકારી વકીલે જામીન ન આપવા દલીલો કરી હતી અને હાઈકોર્ટે તથ્ય પટેલના જામીન નામંજૂર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે ચાર મહિના પહેલા 19મી જુલાઈએ શહેરના સરખેજ ગાંધીનગર હાઈવે પર રાત્રે એક ડમ્પર પાછળ થાર ગાડી ઘૂસી ગઈ હતી. આ અકસ્માતને જોવા માટે ઉભા રહેલા લોકોને બેફામ ગતિએ ચલાવી રહેલા જગુઆર કારના ચાલકે અડફેટે લીધા હતાં. જેમાં 10 લોકોના મોત થયાં છે જ્યારે 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયાં હતા. આ ગોઝારી ઘટનાએ માત્ર અમદાવાદ નહીં પરંતુ આખા ગુજરાતને હચમચાવી નાખ્યું હતું.