ગુજરાતનું ભૂગર્ભજળ માનવ સ્વાસ્થ્ય માટે જોખમી, પીવાલાયક પણ રહ્યું નથી

બોરવેલથી ભૂગર્ભજળ ઉલેચાઇ રહ્યું છે ત્યારે બધું રામભરોસે

ગુજરાતમાં દર વર્ષે ભૂગર્ભજળ એક મીટર નીચે ઉતરી રહ્યું છે, આ પરિસ્થિતિ રહી તો ભૂગર્ભજળ પણ ખૂટી પડશે

Updated: Dec 29th, 2023


Google NewsGoogle News
ગુજરાતનું ભૂગર્ભજળ માનવ સ્વાસ્થ્ય માટે જોખમી, પીવાલાયક પણ રહ્યું નથી 1 - image

અમદાવાદ,તા.29 ડિસેમ્બર 2023,શુક્રવાર

ગુજરાતમાં ભૂગર્ભજળમાં ફલોરાઇડ,આર્સેનિક, સીસુ, આર્યન, નાઇટ્રેટ સહિતના જોખમી તત્વોની માત્રા જોવા મળી છે જેના પગલે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે રાજ્ય સરકારને નોટિસ ફટકારી જવાબ માંગ્યો છે. આ તરફ, ગુજરાતમાં આડેધડ રીતે બોરવેલથી ભૂગર્ભજળ ઉલેચાઇ રહ્યુ છે ત્યારે કોઇ જોનાર નથી. આ ઉપરાંત ફલોરાઇડ,આર્સેનિક સહિત અન્ય માનવ સ્વાસ્થયને ગંભીર નુકશાન કરે  એવા તત્વો મૌજુદ હોવાથી ભૂગર્ભજળ જોખમી બન્યુ છે તેમ છતાંય ગ્રામ્ય વિસ્તારોમાં ભૂગર્ભજળ પીવાના પાણી તરીકે ઉપયોગ થઇ રહ્યો છે. ભાજપ સરકાર ભલે દાવો કરે છેકે, ઘર ઘર સુધી પીવાનું પાણી પહોચ્યુ છે. પણ હકીકત એછેકે, છેવાડાના ગામના લોકો ભૂગર્ભજળનો ઉપયોગ કરવા મજબૂર છે.  

રાજ્યમાં વિવિધ જિલ્લામાં ભૂગર્ભજળમાં ફ્લોરાઇડ, સીસુ નાઇટ્રેટ, આર્સેનિક, આર્યન જેવા જોખમી તત્વોની વધુ માત્રા

ગુજરાતમાં ભૂગર્ભજળ માનવ સ્વાસ્થ્યને જોખમી તત્વોથી પ્રદુષિત થયા છે. એટલુ જ નહીં, ચિંતાની વાત તો એછેકે, જમીનમાં ઉંડેને ઉંડે જઇ રહ્યા છે. ખુદ કેન્દ્ર સરકારે લોકસભામાં આ વાતનો એકરાર કર્યો છેકે, ગુજરાતમાં કચ્છ, સાબરકાંઠા અને પંચમહાલમાં ભૂગર્ભજળ નીચે જઇ રહ્યુ છે. દર વર્ષે ભૂગર્ભજળ એક મીટર નીચે ઉતરી રહ્યા છે. આ વિસ્તારોમાં પાણી મેળવવા માટે ખૂબ જ ઉંડાણ સુધી બોર કરવો પડે તેવી સ્થિતી નિર્માણ થઇ છે. એટલુ જ નહીં, ભૂગર્ભજળ પ્રદુષિત બન્યા છે. રિપોર્ટમાં એવો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છેકે, ગુજરાતમાં 27 જીલ્લામાં ફલોરાઇડ, 32 જીલ્લામાં નાઇટ્રેટ, 12 જીલ્લામાં આર્સેનિક, એક જીલ્લામાં સીસુ અને પાંચ જીલ્લામાં યુરેનિયમની વધુ માત્રા જોવા મળી છે. 

આ જોખમી તત્વો માનવ શરીર માટે જોખમી છે. પ્રદુષિત ભૂગર્ભજળનો ઉપયોગ કરવામાં આવે તો, હાડકા,સાંધા અને ચામડીના રોગ ઉપરાંત કેન્સર જેવી ગંભીર બિમારીને નોતરુ મળી શકે છે. જોકે,  ગામડાના અજાણ લોકો પીવાના પાણીની અછતને ભૂગર્ભજળનો ભરપૂર ઉપયોગ કરે છે. વાસ્તવમાં આ ભૂગર્ભજળ વપરાશલાયક પણ નથી. મહત્વની વાત એછેકે, જોખમી તત્વોથી પ્રદુષિત ભૂગર્ભજળનો ખેતીમાં ય ઉપયોગ થઇ રહ્યો છે. આ કારણોસર માનવ સ્વાસ્થ્ય માટે જોખમભરી સ્થિતી સર્જાઇ છે. ભૂગર્ભજળના વધતા ઉપયોગ પાછળ  રાજ્યમાં વરસાદની અનિશ્ચિતતા, વધતી જનસંખ્યા, ઔદ્યોગિકરણ અને શહેરીકરણ મુખ્ય જવાબદાર પરિબળ છે. 

જોકે, ભૂગર્ભજળમાં ફલોરાઇડ, આર્સેનિક જેવા જોખમી તત્વો મળી આવતાં સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર કમિશને નિયમીત રીતે ભૂગર્ભજળનું મોનિટરીંગ કરવામાં આવે છે, કૂવાના પાણીની પણ દેખરેખ કરવામાં આવે છે તેવુ જણાવીને લૂલો બચાવ કર્યો છે. આ બાજુ, ભૂગર્ભજળને બચાવવા કેન્દ્ર સરકારે અટલ ભૂજલ યોજના પાછળ રૂા.6 હજાર કરોડ ખર્ચવા તૈયારી છે તેમ છતાંય હજુય કોઇ અસરકારક પરિણામ જોવા મળ્યા નથી. આ સ્થિતીને જોતાં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે ગુજરાત સરકારને નોટિસ ફટકારી ખુલાસો પૂછ્યો છે.

ગુજરાતમાં હાલ 1૩.09 બિલિયન કયૂબિક મીટર ભૂગર્ભજળનો વપરાશ

રાજ્યમાં બોરવેલ બનાવવાને લઇને સરકારે કોઇ નીતિ જ ઘડી નથી પરિણામે આડેધડ બોરવેલ બનાવીને ભૂગર્ભજળ ઉલેચાઇ રહ્યા છે. અગાઉ કેન્દ્રીય વોટર કમિશને બોરવેલ બનાવવા માટે ફરજિયાત મંજૂરી લેવા નિર્ણય કર્યો હતો. પણ હાલ આ નિયમોનુ કોઇ પાલન કરતુ હોય તેમ જણાતુ નથી. લોકસભામાં રજૂ કરાયેલાં રિપોર્ટ અનુસાર, ગુજરાતમાં વર્ષ 2022 સુધીમાં1૩.09 બિલિયન કયૂબિક મિટર ભૂગર્ભજળનો વપરાશ થઇ રહ્યો છે. જોકે, વર્ષ 2017ની સરખામણીમાં વર્ષ 2022માં ભૂગર્ભજળના વપરાશમાં સરેરાશ ઘટાડો નોંધાયો છે. 

ગુજરાતમાં સૌથી વધુ ભૂગર્ભજળ કયા જિલ્લામાંથી ઉેલેચાય છે

બનાસકાંઠા : દાંતીવાડા, ધાનેરા, દિયોદર, કાંકરેજ, લાખણી, થારાડી

ગાંધીનગર  :  દહેગામ, ગાંધીનગર

જૂનાગઢ : ભેંસણી, જૂનાગઢ શહેર, માણાવદર

કચ્છ : ભૂજ, ભચાઉ, માંડવી

પાટણ : ચાણસ્મા, પાટણ

સાબરકાંઠા : પ્રાંતિજ

વડોદરા : પાદરા

ગુજરાતના કયા કયા જિલ્લામાં ભૂગર્ભજળમાં કયા તત્ત્વો મળી આવ્યા ?

જોખમી તત્વો અસરગ્રસ્ત જીલ્લા

ફલોરાઇડ                27 

નાઇટ્રેટ                32

આર્સેનિક                12

આર્યન                14

યુરેનિયમ                5

સીસુ                        1


Google NewsGoogle News