ખનીજ માફિયાઓ પર સરકારના ચાર હાથ, કરોડો રૂપિયા દંડ વસૂલ્યો નહીં
Mining Mafia: ગુજરાતમાં ખનિજ માફિયાઓ બેફામ બન્યાં છે. ખાણ ખનિજ વિભાગના ભ્રષ્ટ અધિકારીઓના પાપે ચારેકોર ખનિજ ચોરી થઈ રહી છે. નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી, પરિણામે ખનિજ માફિયાઓને મોકળુ મેદાન મળી રહ્યું છે. ખુદ સરકારે જ વિગતો જાહેર કરી છે કે, છેલ્લાં ત્રણ વર્ષમાં 2,13 કરોડ રૂપિયા ટન ખનિજ પકડાયુ હતું. પરંતુ સવાલ એછે કે, જો ખનિજનો આટલો વિશાળ જથ્થો પકડાયો હોય તો પછી પાછલા બારણે કેટલી ખનિજ ચોરી થતી હશે તેની કલ્પના કરવી રહી. મહત્ત્વની વાત એ છે કે, ત્રણ વર્ષથી વધુ સમય વિત્યો છે ત્યારે હજુ ખનિજ ચોરો પાસેથી કરોડો રૂપિયા દંડ વસૂલાયો નથી. આ જોતાં રાજ્ય સરકારની ઢીલી નીતિ ખુલ્લી પડી છે.
ખનિજ માફિયાઓને જાણે સરકારનો ડર રહ્યો નથી
ગુજરાતમાં સાદી રેતી, માર્બલ, વ્હાઇટ ક્લે, ચાઈના ક્લે, ફાયર ક્લે, લાલમાટી, ડોલોમાઇટ, કંકર, બિલ્ડીંગ સ્ટોન, બ્લેકટ્રેપ, કાર્બોશેલ સહિત અન્ય ખનિજની ધૂમ ચોરી થઈ રહી છે. ખાણ ખનિજ વિભાગ ભલે ગમે તેટલી ડીંગો હાંકે પણ ખનિજ માફિયાઓને જાણે સરકારનો ડર રહ્યો નથી. રાજ્ય સરકારે જ કબૂલ્યું છે કે, વર્ષ 2021-22થી માંડીને વર્ષ 2022થી 23 સુધીમાં વિવિધ પ્રકારનું કુલ 2,13,08,733 મેટ્રિક ટન ઝડપાયુ હતું જેની કિમત 6,8061 લાખ રૂપિયા થવા જાય છે.
ખનિજ ચોરી કરતાં ખનિજ માફિયાઓને દંડ કરાયો હતો પણ દંડ વસૂલવામાં ખાણ ખનિજ વિભાગની ઉદાસિનતા સામે પણ હવે સવાલો ઊઠ્યાં છે. ત્રણથી વધુ સમય વિત્યો હજુ પણ ખનિજ માફિયાઓ દંડ ચૂકવતાં નથી. દ્વારકામાં 24,662 લાખ રૂપિયા, ગીર સોમનાથમાં 12,313 લાખ રૂપિયા. કચ્છ-પૂર્વમાં 17,745 લાખ રૂપિયા, કચ્છ-પશ્ચિમમાં 28,061 લાખ રૂપિયા, પોરબંદરમાં 35,124 લાખ રૂપિયા, સુરતમાં 11,520 લાખ રૂપિયા અને સુરેન્દ્રનગરમાં 11,817 લાખ રૂપિયાના દંડ પેટે રકમ વસૂલવાની બાકી છે.
338 ખનિજ માફિયાઓ એવા છે જે એક વર્ષથી વધુ સમય પછી દંડ ચૂકવતાં નથી. 2 વર્ષથી વધુ સમય થયા પછી ય દંડ વસૂલાયો નથી તેવા ખનિજ માફિયાઓની સંખ્યા 248 છે. 1179 ખનિજ માફિયાઓ એવા છે જે એક વર્ષ પછી દંડ ભરતાં નથી. ટૂંકમાં 1,91,473 લાખ રપિયા દંડ વસૂલવામાં સરકારે ઢીલી નીતિ દાખવી છે જે શંકાને પ્રેરે છે. જો સરકાર આ દિશામાં કડક કાર્યવાહી કરે તો સરકારી તિજોરીને ફાયદો થઈ શકે તેમ છે, પરંતુ ભ્રષ્ટ અધિકારીઓ હપ્તા ઉઘરાવવામાં વ્યસ્ત છે તો ખનિજ માફિયાઓ બેફામ બની ખનીજ ચોરીમાં મસ્ત છે. ટૂંકમાં આ બધુ ભ્રષ્ટ અધિકારી અને ખનિજ માફિયાઓના મેળાપિપણામાં ચાલી રહ્યું છે.
11,210 ખનિજચોરોની ઓળખ કરાઈ
ગુજરાતની કુદરતી સંપદ્દાનુ નિકંદન કાઢવામાં આવી રહ્યુ છે. સાબરકાંઠાથી માંડીને કચ્છ સુધી ખનિજ માફિયાઓ બેફામ બની ખનિજચોરી રહયાં છે. સરકારે આખાય ગુજરાતમાંથી 11,210 ખનિજચોરોની ઓળખ કરીને સંતોષ માણ્યો છે, પરંતુ નક્કર કાર્યવાહી કરી નથી. જો ખનિજ માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તો, ખનિજચોરી પર કાબૂ મેળવી શકાય તેમ છે. ઉનાળુ સત્રમાં વિધાનસભામાં ખનિજ માફિયાઓનો મુદ્દો ઊઠ્યો હતો.