સરકારના મતે ગેરકાયદેસર પણ અમદાવાદમાં 5000 જેટલાં ટ્યુશન સેન્ટર ધમધમી રહ્યાંનો ઘટસ્ફોટ
Ahmedabad: હાલમાં જ દિલ્હી ખાતે થયેલા કોચિંગની દુર્ઘટનાને અનુલક્ષીને અમદાવાદની પરિસ્થિતિ જોતાં હાલ અમદાવાદમાં 5000થી વધુ ક્લાસીસ ખીચોખીચ કોઈપણ પ્રકારની પરવાનગી કે સુરક્ષાના ધોરણો વિના જ કોમ્પ્લેક્સ અને ભોંયરાઓમાં ચાલી રહ્યા છે. નોંધણી વગર, સેલરમાં ટ્યૂશન કલાસીસ ચાલે છે.
દિલ્હી અને સુરતની દુર્ઘટના પછી મોટા ભાગના વાલીઓ અને શિક્ષણ વિભાગ હજુ પણ કોઈપણ પ્રકારની આ ઘટનામાંથી બોધપાઠ શીખ્યા વિના ચાલતા સંખ્યાબંધ કોચિંગ ક્લાસિસમાં કોમ્પ્લેક્સને સેલરમાં કોઈપણ પ્રકારની સંખ્યાના નિયમોને અવગણીને ભરચક રીતે બેફામ ગેરકાયદેસર ટ્યૂશન ચાલી રહ્યા છે.
દસ વર્ષે એકાદવાર ટ્યૂશનો પર તવાઈ આવે છે
અત્યાર સુધીના આંકડા અને અનુભવ પ્રમાણે લગભગ શિક્ષણ વિભાગ દ્વારા દર દસ વર્ષે એકાદવાર ટ્યૂશનો પર તવાઈ આવે છે. ભાજપના તત્કાલિન શિક્ષણમંત્રી નલિન ભટ્ટ અને આનંદીબેન પટેલના કાર્યકાળ દરમ્યાન બે મોટી ટ્યૂશન વિરોધી કાર્યવાહી થઈ હતી.
આ પણ વાંચો: ફાઈવ સ્ટાર હોટલના ફૂડમાં વંદો , વસ્ત્રાપુરની હયાત હોટલના સંભારમાંથી વંદો નીકળતા કિચન સીલ
પ્રાઈવેટ શાળાઓમાં શિક્ષકોનો પગાર પણ ઓછો
જે અનુસાર આજે પણ શિક્ષકો ટ્યૂશન નથી કરતાં એવી શાળાને લેખિત બાંહેધરી આપે છે, પરંતુ પાછળા બારણે બેરોકટોક ટ્યૂશન કરે છે. બીજી તરફ પ્રાઈવેટ શાળાઓમાં શિક્ષકોનો પગાર પણ એટલો ઓછો છે કે તેને જીવન નિર્વાહ ચલાવવા માટે ટ્યૂશનનો આધાર લેવો પડે છે.
શાળાની તોતિંગ ફી ભરીને ટ્યૂશનમાં મોકલતા વાલીને પ્રાથમિકમાં વિષયદીઠ એક હજાર રુપિયા પ્રતિ માસ ચૂકવવા પડે છે. જ્યારે હાઈસ્કૂલમાં આ ભાવ પ્રતિ વિષય રૂ. 1500 પ્રતિ માસ છે.
ટ્યૂશનના શિક્ષકો સાથે વાલીઓ પણ એટલા જ જવાબદાર
શિક્ષણ વિભાગના એક આલા અધિકારીએ જણાવે છે અમારા પર સરકાર જ્યારે દબાણ કરે ત્યારે માસ લેવલે અભિયાન ચલાવવામાં આવે છે પરંતુ ટ્યૂશનિયા શિક્ષકો સાથે વાલીઓ પણ એટલા જ જવાબદાર છે જે આ સિસ્ટમને આડકતરી રીતે ચાલુ રાખવામાં સહાયરૂપ થાય છે.
ટ્યૂશનમાં બાળકની સુરક્ષાના નિયમોમાં ચલાવી લેવામાં આવે છે
એક વર્ગમાં એક વિદ્યાર્થીને બેસવા માટે નિયમ પ્રમાણે આઠ ચોરસ ફૂટ જગ્યા જોઈએ. જેથી તેને પૂરતો ઓક્સિજન મળી શકે. આ માંગણી લોકો શાળા પાસેથી કરે છે પરંતુ જ્યારે તેમનું બાળક ટ્યૂશનમાં ભણવા જાય છે ત્યાં આવા કોઈ સુરક્ષાના કે મોકળાશના નિયમો નથી હોતા છતાં તેને જાણી જોઈને ચલાવી લેવામાં આવે છે.
આ ક્ષેત્રમાં સૌથી વધુ એન્જિનિયરો ટ્યૂશન કરાવી રહ્યા છે
ક્લાસીસ ચલાવતા એક શિક્ષકના જણાવ્યા અનુસાર અમદાવાદમાં ત્રણેક હજાર ટ્યુશન ક્લાસિસ એવા છે કે જ્યાં શિક્ષકો કોમ્પ્લેક્સમાં ભણાવે છે. એક સમય એવો હતો કે માત્ર બેકારીનો સામનો કરતો બી.એડ.ના શિક્ષક જ આર્થિક તકલીફને કારણે ટ્યૂશન કરવા જતા. પરંતુ આજે આ ક્ષેત્રમાં સૌથી વધુ એન્જિનિયરો ટ્યૂશન કરાવી રહ્યા છે.
ટ્યૂશન ગેરકાયદેસર હોવાથી તેને માન્યતા પ્રાપ્ત કશું સર્ટિફિકેશન મળતું નથી. જેના કારણે બધું જ લોલમલોલ ચાલે છે. અમદાવાદમાં સૌથી વધુ ટ્યૂશન કલાસીસ નારણપુરા, મણીનગર, બાપુનગર, રાણીપ, પાલડી, સેટેલાઈટ, વાડજ વિસ્તારમાં છે.