પેરામેડિકલમાં વિદ્યાર્થીઓની નિરસતા બાદ આયુર્વેદ-હોમિયોપેથીમાં પ્રવેશ રદની છૂટ અપાઈ
Representative image |
Paramedical Students: કેન્દ્ર સરકારના આયુષ મંત્રાલય અને હોમિયોપેથી દ્વારા ઓલ ઇન્ડિયા ક્વોટા અને સ્ટેટ ક્વોટાના ચાર રાઉન્ડ બાદ યુજી-પીજીમાં નીટ કટઓફમાં 16 પર્સેન્ટાઇલ ઘટાડી દેવામાં આવ્યા છે. ત્યારે આયુર્વેદ-હોમિયોપેથીમાં પાંચમો વધારાનો રાઉન્ડ પહેલીવાર થઈ રહ્યો છે. આ સાથે કેન્દ્ર સરકારે પહેલીવાર આયુર્વેદ-હોમિયોપેથીમાં પ્રવેશ રદ કરાવવાની છૂટ આપી છે. જેથી વિદ્યાર્થીઓને મોટી રાહત થશે. પરંતુ બીજી બાજુ મેડિકલ-ડેન્ટલમાં ચાર રાઉન્ડ બાદ પાંચમો રાઉન્ડ છતાં પ્રવેશ રદની છૂટ અપાઈ નથી. ઉલટાનું કેન્દ્ર સરકાર દ્વારા નવા નિયમ મુજબ હવે વધારાના સ્ટ્રે વેકેન્સી-પાંચમાં રાઉન્ડમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓ માટે 3 લાખ રૂપિયા ડિપોઝિટ લેવાનું નક્કી કર્યું છે.
મેડિકલ-ડેન્ટલમાં 64 બેઠકો ખાલી
આયુર્વેદ-હોમિયોપેથીમાં ચાર રાઉન્ડ બાદ 143 અને મેડિકલ-ડેન્ટલમાં 64 બેઠકો ખાલી પડી છે. પ્રથમવાર એવું બન્યું છે કે ચારેય રાઉન્ડ બાદ આટલી બધી બેઠકો ખાલી પડી છે અને કુલ 928 વિદ્યાર્થીઓએ 10 હજાર રૂપિયાની સિક્યુરિટી ડિપોઝિટ જતી કરીને પ્રવેશ કન્ફર્મ કરાવ્યો નથી. નીટમાં કટઓફ પર્સેન્ટાઇલ બાદ ઓલ ઇન્ડિયા ક્વોટા અને સ્ટેટ ક્વોટામાં વધારાનો પાંચમો રાઉન્ડ થઈ રહ્યો છે. જ્યારે મેડિકલ-ડેન્ટલમાં પણ કેન્દ્ર સરકારની કમિટીએ જાહેર કરેલા નવા કાર્યક્રમ મુજબ સ્ટેટ-ઓલ ઇન્ડિયા ક્વોટામાં વધારાનો પાંચમો રાઉન્ડ-સ્ટ્રે વેકેન્સી રાઉન્ડ થઈ રહ્યો છે. પરંતુ કેન્દ્ર સરકારે વધારાના રાઉન્ડમાં પ્રવેશ માટે સિક્યુરિટી ડિપોઝિટ વધારી દીધી છે જે મુજબ ઓલ ઇન્ડિયા ક્વોટામાં જે બે લાખ ડિપોઝિટ હતી તેમાં 3 લાખનો વધારો કરીને 5 લાખ રૂપિયા ડિપોઝિટ કરાઈ છે અને સ્ટેટ ક્વોટામાં અત્યાર સુધી 10 હજાર રૂપિયા ડિપોઝિટ હતી જે વધારીને 3.10 લાખ કરાઈ છે.
પીજી આયુર્વેદ-હોમિયોપેથી નવા 72 વિદ્યાર્થી મેરિટમાં
કેન્દ્રિય આયુષ-હોમિયોપેથી વિભાગે યુજી સાથે પીજી પ્રવેશ માટે પણ પ્રવેશ પરીક્ષાના કટઓફ પર્સેન્ટાઇલમાં 15 પર્સેન્ટાઇલ ઘટાડો કર્યો હતો. જેથી નવા લાયક થયેલા વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન કરાવાયું હતું અને આ રજિસ્ટર્ડ વિદ્યાર્થીઓનું મેરિટ જાહેર કરાયું છે. જેમાં પીજી આયુર્વેદમાં 21 અને પીજી હોમિયોપેથીમાં 51 વિદ્યાર્થીનો સમાવેશ થયો છે.