મધ્યાહનભોજનમાં પૂર્વ-પશ્ચિમનો ભેદ, પૂર્વના બાળકોને ત્રણ દિવસમાં બે, પશ્ચિમના બાળકોને છ દિવસમાં અપાતી ત્રણ વાનગી
વાર્ષિક ૨૯ કરોડનો સરકારી ગ્રાન્ટમાંથી થતો ખર્ચ, સ્ત્રી શકિત સંસ્થાને ૨૧ કરોડ, અક્ષયપાત્રને ૮ કરોડની ચૂકવણી
અમદાવાદ,સોમવાર,24
ફેબ્રુ,2025
અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલબોર્ડની શાળાઓમાં અભ્યાસ કરતા
બાળકોને મધ્યાહનભોજન અપાય છે.જેમાં પૂર્વ અને પશ્ચિમનો ભેદ રખાતો હોવાનો આક્ષેપ
બજેટ બેઠકમાં અમરાઈવાડીના કોર્પોરેટર જગદીશ રાઠોડે કર્યો હતો. પૂર્વમાં અભ્યાસ
કરતા ૧.૨૭ લાખ બાળકોને ત્રણ દિવસમાં બે જયારે પશ્ચિમમાં અભ્યાસ કરતા ૪૩ હજાર
બાળકોને છ દિવસમાં ત્રણ વાનગી અપાય છે. મધ્યાહનભોજન યોજના પાછળ વાર્ષિક રુપિયા
૨૯.૨૫ કરોડનો ખર્ચ કેન્દ્ર અને રાજય સરકારની ગ્રાન્ટમાંથી કરાય છે. સ્ત્રી શકિત
સંસ્થાને રુપિયા ૨૧ કરોડ જયારે અક્ષયપાત્ર નામની સંસ્થાને ૮.૨૫ કરોડ ચૂકવાય છે.
મ્યુનિ.સ્કૂલબોર્ડના બજેટ ઉપરની ચર્ચા સમયે અમરાઈવાડીના
કોર્પોરેટરે કહયુ,પૂર્વ
અમદાવાદમાં વર્ષ-૨૦૦૬થી સ્ત્રી શકિત નામની સંસ્થા દ્વારા ૩૨૯ શાળાઓમાં ૧.૨૭ લાખ
બાળકોને તૈયાર ભોજન આપવામાં આવે છે.વર્ષ-૨૦૦૭થી અક્ષયપાત્ર નામની સંસ્થા દ્વારા
પશ્ચિમ અમદાવાદમાં આવેલી ૧૨૧ શાળાઓમાં ૪૩ હજાર બાળકોને ભોજન આપવામાં આવે છે.સરકારી
ગ્રાન્ટમાંથી બાળકોને મધ્યાહન ભોજન આપવા પાછળ કરોડો રુપિયાનો ખર્ચ કરાતો હોવાછતાં
બાળકોના ભોજનમાં પણ પૂર્વ અને પશ્ચિમનો ભેદ રાખવામાં આવે છે.અલ્પાહારમાં પણ
પૂર્વના બાળકોને સિંગની સુખડી, સિંગ અને ચણાં આપવામાં
આવે છે.પશ્ચિમ વિસ્તારમાં ભણતા બાળકોને રોસ્ટેડ મસાલા,સિંગચણાં, સુખડી વગેરે
આપવામાં આવે છે.ભોજનમાં વેજપુલાવ,જીરા
પુલાવ, દાળ
ઢોકળી જેવી અલગ અલગ વાનગી આપવામાં આવે છે.શાહપુરના કોર્પોરેટર અકબર ભટ્ટીએ
મહેંદીકુવા પાસેની ગુજરાતી સ્કૂલની બહાર જ ગંદકી રહેતી હોવાની રજુઆત કરી હતી.
ગુજરાતી માધ્યમની શાળાઓમાં ૧૯૬ શિક્ષકોની ઘટ
મ્યુનિસિપલ સ્કૂલબોર્ડના બજેટ ઉપરની ચર્ચા દરમિયાન
કોંગ્રેસના કોર્પોરેટરે ગુજરાતી માધ્યમની શાળાઓમાં ૩૯૬ શિક્ષકોના મહેકમ સામે ૧૯૬ શિક્ષકની ઘટ હોવાની
રજૂઆત કરી હતી.અંગ્રેજી માધ્યમની ૫૪ શાળાઓમાં ૭૨ શિક્ષકો અભ્યાસ કરાવે છે.પરંતુ
તેમાં યોગ્ય શિક્ષકોની ભરતી કરવામાં આવી નહી હોવાથી ગુજરાતી માધ્યમમા અભ્યાસ
કરાવતા શિક્ષકોને અભ્યાસ કરાવવા મોકલાયા હોવાનો આક્ષેપ કર્યો હતો.