નડિયાદના મંજીપુરામાં દેશી દારૂ પીતા 3નાં મોતથી ખળભળાટ, પોલીસ તંત્રમાં દોડધામ
Nadiad News | નડિયાદના મંજીપુરા વિસ્તારમાં, દેશી દારૂ પીધા પછી ત્રણ લોકોના શંકાસ્પદ મોત થયા છે. સ્થાનિક સૂત્રો મળતી માહિતી મુજબ નડિયાદની જય મહારાજ સોસાયટી પાસે દારૂ પીધાના કારણે ત્રણ જણાના મોત થવાનો મામલો સામે આવ્યો છે. નડિયાદના પોલીસ સૂત્રો ધ્વારા મળેલ માહિતી મુજબ, મૃત્યુ પામેલાઓને નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું છે. નડિયાદ શહેરમાં લઠ્ઠાકાંડ જેવી ઘટના બનતાં પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઇ હતી.
દેશી દારૂના અડ્ડા પર દારૂ પીધા બાદ ત્રણ વ્યકિતના મોત થયા હતા. આ અડ્ડા પરથી દસથી પંદર લોકોએ દેશી દારૂ પીધો હોવાનું અનુમાન છે. આ તમામ મૃતકોને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જોકે, મૃત્યુઆંક વધવાની સંભાવના છે. આ ઘટનાને પગલે સિવિલ હોસ્પિટલમાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.પ્રાથમિક તપાસમાં એક બુટલેગરની અટકાયત કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
3 લોકોના મોતની તપાસ માટે ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓ, સ્થાનિક LCB, SOG, DYSP, અને IBની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. નડિયાદ જવાહરનાગર સોસાયટીમાં જય મહારાજ સોસાયટી પાસે, મંજીપુરા રોડ ફાટક પાસે પોલીસની ગાડીઓ પહોંચી ગઈ હતી. એક બહેરો મૂંગો વ્યક્તિ પણ આમાં ભોગ બનવાની આશંકા છે અને એક પાણી પૂરી વેચનારનું પણ મોત થયું છે.
મૃતકાંક વધવાની શક્યતા
નડિયાદ શહેરના જવાહરનગરના ફાટક પાસે ચાલતા દેશી દારૂના અડ્ડા પર ગઈકાલે મોડી સાંજે દારૂ પીધા બાદ યોગેશકુમાર ગંગારામ કુસ્વાહા,રવિન્દ્ર જીણાભાઈ રાઠોડ અને કનુ ધનજી ચૌહાણની તબીયત લથડી હતી અને લથડીયા ખાવા લાગતા નજીકના સ્થળ પર પડી ગયા હતા અને પરિવારજનોને જાણ કરતા ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ ત્રણેયને 108 મારફતે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે યોગેશ કુસ્વાહા, રવિન્દ્ર રાઠોડ અને કનુ ચૌહાણને મૃત જાહેર કર્યા હતા.
15 થી વધુ લોકોએ દારૂ પીધો હોવાનો દાવો
આ દેશી દારૂના અડ્ડા પરથી દેશી 15 લોકોએ દારૂ પીધો હોવાનું અનુમાન છે. આગામી સમયમાં મૃત્યુઆંક વધે તેવુ મનાઇ રહ્યું છે. આ ત્રણ લોકોના મોત થતા નડિયાદ સિવિલ હોસ્પિટલમાં તબીબો દ્વારા કાયદેસરની કાર્યવાહી ચાલી સાથે છે. આ ઘટનાને પગલે ડીવાયએસપી, એસઓજી, એલસીબી સહિતની ટીમનો કાફલો દોડી આવ્યો હતો. નડિયાદ ટાઉન પીઆઇ એમ.બી. ભરવાડના વિસ્તારમાં લઠ્ઠાકાંડ થતા પોલીસે તપાસ હાથ ધરી હતી. શહેરના એક બુટલેગરની અટકાયત કરી હોવાનું પણ બહાર આવ્યું છે. સિવિલ હોસ્પિટલ સંકુલમાં મૃતકોના સગા અને અન્ય લોકો એકઠા થઇ ગયા હતા અને પોલીસ સમક્ષ રોષ વ્યકત કર્યો હતો. આ બુટલેગરને તાત્કાલિક પકડીને ધોરણસરની કાર્યવાહી કરવાની માગણી ઉઠી છે.
એફએસએલના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
આ મામલે જ્યારે મૃતકોના બ્લડ સેમ્પલ લઈને ગાંધીનગર તપાસ માટે એફએસએલમાં મોકલવામાં આવ્યા તો તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. રિપોર્ટમાં જાણકારી મળી કે મૃતકોના બ્લડમાં મિથાઈલ આલ્કોહોલ હતું જ નથી. ઉલ્લેખનીય છે કે મૃતકોના પરિજનો દાવો કરી રહ્યા છે કે દેશી દારૂ પીવાને કારણે આ લોકો ગણતરીની મિનિટોમાં જ મૃત્યુ પામી ગયા હતા.
દારૂ નહીં તો જીરા સોડાને કારણે મોત?
આ મામલે એફએસએલનો રિપોર્ટ આવ્યા બાદ સુપ્રીન્ટેડન્ટ ઓફ પોલીસે જણાવ્યું હતું કે એફએસએલના રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે મૃતકોના શરીરમાં કોઇ લઠ્ઠો નહોતો. તેમણે કહ્યું કે મૃતકોના શરીરમાં લોહી ગંઠાઈ ગયું હતું. તેમણે જીરા સોડા પીધી હતી અને તેના પછી તેમની તબિયત લથડી હોવાનો ખુલાસો થયો છે.