અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઓક્સિજન પાર્ક જ 'ઓક્સિજન' હેઠળ, 10ની હાલત બદતર
ઓકિસજન પાર્ક આસપાસના વિસ્તારમાં હવા શુધ્ધ થઈ હોવા અંગે કોઈ સર્વે નથી કરાયો
AMC Oxygen Park : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બજેટ સમયે સત્તાધારી પક્ષે શહેરીજનોના હેપ્પીનેસ ઈન્ડેકસમાં વધારો થાય એ પ્રકારનું બજેટ હોવાની જાહેરાત કરી હતી. બીજી તરફ શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા ઓકિસજન પાર્ક બદતર હાલતમાં છે. શહેરીજનોને શુદ્ધ હવા મળે એ માટે બનાવવામાં આવેલા ઓકિસજન પાર્કમાં છાણ પડ્યું તો લોકોની હેપ્પીનેસમાં કેવી રીતે વધારો થાય એમ વિપક્ષે મ્યુનિસિપલ કોર્પોરેશનની બોર્ડ બેઠકમાં રજૂઆત કરી હતી.
ઓકિસજન પાર્કમાં છાણ પડ્યું હોય તો લોકોની હેપ્પીનેસ કેવી રીતે વધે?
વાયુ પ્રદૂષણમાં થઈ રહેલા સતત વધારાની વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં 19 ઓકિસજન પાર્ક ગાર્ડન વિભાગ દ્વારા વિકસાવાયા છે. આવા એક પાર્કની પાછળ રૂપિયા છ લાખથી વધુનો ખર્ચ થતો હોય છે. શહેરના લોકો સતત પ્રદૂષિત વાતાવરણમાંથી મુકિત મેળવવા આ ઓકિસજન પાર્કની મુલાકાત લેતા હોય છે, પરંતુ ત્યાં પણ બદતર હાલત જોવા મળે છે.
શહેરના તળાવને ઈન્ટર લિંક કરવાની કાર્યવાહી પણ કાગળ ઉપર
મ્યુનિસિપલ બોર્ડ બેઠકમાં વિપક્ષ નેતાએ ઓક્સિજન પાર્કની ખરાબ હાલત અંગે રજૂઆત કરતા કહ્યું હતું કે, ‘નવા વાડજમાં બનાવેલા ઓક્સિજન પાર્કમાં તો છાણના ઢગલાં હોય છે. સાયન્સ સિટીનો ઓક્સિજન પાર્ક મેદાનમાં ફેરવાઈ ગયો છે. આવા પાર્ક તૈયાર કરાવવા પાછળ લાખો રુપિયાનો ખર્ચ કર્યા પછી પણ પ્રદૂષિત હવા જ મળવાની હોય તો એનો તેનો અર્થ શું? શહેરના તળાવને ઈન્ટર લિંક કરવાની કાર્યવાહી પણ કાગળ પર જ કરાઈ રહી છે.’
ઓક્સિજન પાર્કની આસપાસના વિસ્તારમાં હવાશુદ્ધિનો કોઈ સર્વે નહીં
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાર્ડન વિભાગ તરફથી વિવિધ વિસ્તારમાં ઓક્સિજન પાર્ક બનાવવા લાખો રુપિયાનો ખર્ચ કરાયો છે. ઓક્સિજન પાર્ક જે વિસ્તારમાં બનાવાયા હોય એની આસપાસના વિસ્તારમાં હવા કેટલી શુદ્ધ થઈ કે કાર્બન એમિશનમાં કેટલો ઘટાડો થયો એ અંગે ગાર્ડન વિભાગ તરફથી કોઈ સર્વે કરાયો નથી.
10 ઓક્સિજન પાર્કની બદતર હાલત
1 .નવા વાડજ
2. સુદર્શન એલિગન્સ સામે
3. સાયન્સ સિટી, ટી.પી. 212-1
4. ગુલમહોર વિલા, સાયન્સ સિટી
5. ટેલિફોન એક્સચેન્જ, નારણપુરા
6. પાંચા તળાવ, ઓક્સિજન પાર્ક
7. ભાડજ ઓકિસજન પાર્ક
8. યાદુડી, છારોડી ઓક્સિજન પાર્ક
9. ચાંદલોડિયા ઓક્સિજન પાર્ક
10. સરખેજ ઓક્સિજન પાર્ક