Get The App

અમદાવાદમાં આખો દિવસ મેઘાડંબર છવાયો, જોધપુરમાં અઢી ઈંચ વરસાદથી સોસાયટીઓમાં પાણી ફરી વળ્યાં

શહેરમાં મેઘાડંબર છવાઈ ગયો

Updated: Jul 30th, 2024


Google NewsGoogle News
અમદાવાદમાં આખો દિવસ મેઘાડંબર છવાયો, જોધપુરમાં અઢી ઈંચ વરસાદથી સોસાયટીઓમાં પાણી ફરી વળ્યાં 1 - image

Rain in Ahmedabad: અમદાવાદમાં સોમવારની સવારથી જ મેઘાડંબાર છવાયેલો હતો.સવારના 6થી રાત્રિના 9 કલાક સુધીમાં જોધપુર વિસ્તારમાં અઢી ઈંચ વરસાદ ખાબકતા જોધપુર વિસ્તારમાં આવેલી અનેક સોસાયટીઓમાં વરસાદના પાણી ફરી વળ્યા હતા. આ વર્ષે ચોમાસામાં સતત બીજી વખત જોધપુર વિસ્તારની સોસાયટીઓમાં વ્હાઈટ ટોપીંગ રોડના કારણે વરસાદી પાણી ફરી વળ્યા હતા.બપોરના સમયે આ વિસ્તારમાં આવેલી કેચપીટો ખોલવામા આવ્યા બાદ વરસાદી પાણી ઓસર્યા હતા. 

જોધપુરમાં ફરી એક વખત વ્હાઈટ ટોપિંગ રોડના કારણે સોસાયટીઓમાં પાણી ભરાયાં

મ્યુનિસિપલ વહીવટી તંત્ર અને ભાજપના સત્તાધીશોએ જોધપુરમાં વરસાદી પાણી ભરાવવાને લઈ બચાવના પ્રયાસ કરાયા હતા. શહેરમાં દિવસ દરમિયાન સતત પડેલા વરસાદને લઈ અનેક વિસ્તારમાં જળભરાવના દ્રશ્યો જોવા મળ્યા હતા.રાત્રિના 9 કલાક સુધીમાં શહેરમાં સરેરાશ 31 મિલીમીટર વરસાદ થતા મોસમનો 13.75 ઈંચ વરસાદ થયો છે.

સોમવાર સવારથી જ શહેરના તમામ વિસ્તારમાં સાર્વત્રિક વરસાદ વરસવાની શરુઆત થઈ હતી.આકાશ કાળા ડીંબાંગ વાદળોથી ઘેરાયેલુ હતુ.સવારના 6થી 8 કલાકના સમયમાં જ જોધપુર અને બોડકદેવ વિસ્તારમાં દોઢ ઈંચ જેટલો વરસાદ વરસી પડયો હતો.શહેરના ચકુડીયા ઉપરાંત ઓઢવ, રામોલ ઉપરાંત પાલડી,ઉસ્માનપુરા,વાસણા સહિતના વિસ્તારમાં એકધારી ગતિથી સતત વરસી રહેલા વરસાદને પગલે વેજલપુર વિસ્તાર સહિત અનેક વિસ્તારમાં વરસાદી પાણી ફરી વળતા લોકોની હાલાકીમાં વધારો થયો હતો.

પાલડી ખાતે આવેલા જલારામ અંડરપાસમાં પણ વરસાદી પાણી ભરાયા હતા.તેજધારા બંગલો આસપાસના વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાના પગલે મ્યુનિસિપલ તંત્ર દોડતુ થયુ હતુ.સૈનિક પેટ્રોલપમ્પ સામેની ગલીમા પણ વરસાદી પાણી ફરી વળ્યા હતા. થલતેજ વિસ્તાર ઉપરાંત મણિનગર અને નરોડા વિસ્તારમાં પણ વરસાદના કારણે નિચાણવાળા અનેક વિસ્તારમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા.સોમવારે સતત વરસી રહેલા વરસાદને પગલે વિઝીબિલીટીમાં ઘટાડો થવાથી વાહન ચાલકોને ભારે અવરોધોનો સામનો કરવો પડયો હતો. વાસણા બેરેજના  બે ગેટ ખોલી બેરેજનુ લેવલ ૧2૯ ફૂટ કરવા તંત્રને સુચના આપવામાં આવી હતી.શહેરમાં સરેરાશ સવા ઈંચ જેટલા વરસાદમાં વરસાદી પાણી ભરાવા છતાં મ્યુનિ.તંત્ર કે સત્તાધીશો પાસે કોઈ જવાબ નહતો.

રાત્રિના 9 કલાક સુધી કયાં-કેટલો વરસાદ?

વિસ્તાર વરસાદ(મિ.મી.)

ચકુડીયા        33

ઓઢવ          21

વિરાટનગર     17

નિકોલ          17

રામોલ         35

કઠવાડા        20

પાલડી         20

ઉસ્માનપુરા     27

ચાંદખેડા        23

વાસણા         36

રાણીપ         26

બોડકદેવ       44

સાયન્સ સીટી   25

ગોતા           22

ચાંદલોડીયા    19

સરખેજ         41

જોધપુર        60

બોપલ          31

દાણાપીઠ       26

દુધેશ્વર         36

મેમ્કો           25

નરોડા          35

કોતરપુર       18

મણિનગર      54

વટવા          23

સરેરાશ        31



Google NewsGoogle News