VS હોસ્પિટલના PF ના આઠ કરોડ ગયા કયાં? પોલીસ તપાસ શરુ કરાવો,ટ્રસ્ટીઓ

તત્કાલિન સુપ્રિટેન્ડન્ટનો કેસ જાણીજોઈને સાત વર્ષ લંબાવાયો

સત્તાધારી પક્ષે યોગ્ય સમયે તપાસ કરાવવાના બદલે તત્કાલિન સુપ્રિટેન્ડન્ટને સ્વૈચ્છિક નિવૃત્તિ અપાવી,મ્યુનિ.કમિશનરે ચાર્જશીટ મુકવામાં મોડુ કરી દીધુ

Updated: Apr 18th, 2024


Google NewsGoogle News
VS હોસ્પિટલના PF ના આઠ કરોડ ગયા કયાં? પોલીસ તપાસ શરુ કરાવો,ટ્રસ્ટીઓ 1 - image


અમદાવાદ,ગુરુવાર,18 એપ્રિલ,2024

અમદાવાદ મ્યુનિ.હસ્તકની વી.એસ.હોસ્પિટલના ટ્રસ્ટીઓ દ્વારા નિવૃત્ત સુપ્રિટેન્ડન્ટ ડોકટર સંદીપ મલ્હાને મ્યુનિ.કમિશનરને તેમની સામે કાર્યવાહી મોકૂફ રાખવા કરેલી રજૂઆત બાદ ગંભીર આક્ષેપ કરવામા આવ્યા છે.વી.એસ.બોર્ડના ચેરમેન અને શહેરના મેયરને લખેલા પત્રમાં હોસ્પિટલના ટ્રસ્ટીઓએ નિવૃત્ત સુપ્રિટેન્ડન્ટ સામે પ્રોવિડન્ડ ફંડ કૌભાંડને લઈ પ્રોવિડન્ડ ફંડના નાણાં કયાં રોકાયા એ અંગે પોલીસ તપાસ શરુ કરાવવા હોસ્પિટલના ટ્રસ્ટીઓએ લેખિત માંગ કરી છે.ઉપરાંત સત્તાધારી પક્ષના હોદ્દેદારો સમગ્ર હકીકતથી વાકેફ હોવા છતાં યોગ્ય કાર્યવાહી કરવાના બદલે રાતોરાત તમામ લાભ સાથે સ્વૈચ્છિક નિવૃત્તિ અપાવવામા મદદ કરી હતી. જાણી જોઈને સાત વર્ષ સુધી કેસ લંબાવવામાં આવ્યો.પ્રોવિડન્ડ ફંડના આઠ કરોડના કૌભાંડ મામલે મ્યુનિ.કમિશનરે ચાર્જશીટ મુકવામાં મોડુ કરી દીધુ હોવાનો પણ ટ્રસ્ટીઓએ પત્રમાં આક્ષેપ કર્યા છે.

એસ.વી.પી.હોસ્પિટલના મેડીકલ સુપ્રિટેન્ડન્ટ ડોકટર સંદિપ મલ્હાને મ્યુનિસિપલ કમિશનર તથા એ.એમ.સી.મેટના ચેરમેનને ૧૨ એપ્રિલના રોજ તેમની સામેની ખાતાકીય તપાસ બંધ કરવા લેખિત રજૂઆત કરી હતી.નિવૃત્ત સુપ્રિટેન્ડન્ટ દ્વારા કરવામા આવેલી લેખિત રજૂઆત બાદ  વી.એસ.હોસ્પિટલના ટ્રસ્ટીઓ રુપા ચિનાઈ, બ્રિજેશ ચિનાઈ, જય શેઠ તથા ડોકટર નિશીથ શાહે વર્તમાન વી.એસ.બોર્ડના ચેરમેનને વર્ષ-૨૦૧૭થી સ્વતંત્ર બોર્ડના સભ્ય તરીકે વારંવાર મૌખિક તથા લેખિતમાં  આ કૌભાંડ મામલે રજૂઆત કરી હતી.અમારી સંસ્થાને થયેલા રુપિયા આઠ કરોડના આર્થિક નુકસાનમાટે તત્કાલિન સુપ્રિટેન્ડન્ટ ડોકટર મલ્હાન સિવાય કોને જવાબદાર ઠેરવવામા આવે છે તે અંગે પોલીસ તપાસ શરુ થવી જોઈએ.જે તે સમયે પી.એફ.કમિશનર દ્વારા રુપિયા આઠ કરોડનો દંડ લાદવામા આવ્યો હતો.ઉપરાંત પ્રોવિડન્ડ ફંડ રોકાણો ઉપરના નિર્ધારીત ધોરણો માટે  સુપ્રિટેન્ડન્ટને જવાબદાર ગણવામાં આવ્યા હતા.આમ છતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને વી.એસ.બોર્ડના તત્કાલિન અધ્યક્ષ તેમજ  મ્યુનિસિપલ કોર્પોરેટરો રાતોરાત તત્કાલિન સુપ્રિટેન્ડન્ટને તમામ લાભ સાથે સ્વૈચ્છિક નિવૃત્તિ અપાવવા માટે આગળવધ્યા હતા.એટલુ જ નહીં પરંતુ જાણીજોઈને સાત વર્ષ સુધી કેસ ચાલવા દીધો હતો.ટ્રસ્ટીઓ તરીકે મેડીકલ સુપ્રિટેન્ડન્ટ ડોકટર સંદીપ મલ્હાનની નિમણૂંકને કયારેય મંજુરી કે માન્યતા નહી આપી હોવાનુ પણ ટ્રસ્ટીઓએ સ્પષ્ટ કર્યુ છે.

તત્કાલિન મ્યુનિ.કમિશનર મુકેશકુમાર પાસેથી અથવા હાલના કમિશનર પાસેથી આઠ કરોડનો દંડ વસૂલ કરો

વી.એસ.હોસ્પિટલના ટ્રસ્ટીઓએ તત્કાલિન મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમાર સામે પગલા લેવા માંગણી કરી છે.ડોકટર મલ્હાનની સ્વૈચ્છિક નિવૃત્તિને તત્કાલિન મ્યુનિ.કમિશનરે મંજુરી આપી અને આગળ કોઈ કાર્યવાહી કરી નહીં.રુપિયા આઠ કરોડનો દંડ તત્કાલિન મ્યુનિસિપલ કમિશનર  પાસેથી રુપિયા આઠ કરોડનો દંડ વસૂલ કરવા હોસ્પિટલના ટ્રસ્ટીઓએ માંગ કરતા કહયુ, તેમની બેજવાબદારીના કારણે અમારી જાહેર સંસ્થાને  ભારે નાણાંકીય નુકસાન થયુ છે.


Google NewsGoogle News