ગુજરાતમાં વિધાનસભાની ચાર બેઠકની પેટા ચૂંટણી લોકસભા સાથે જ યોજાવાની શક્યતા, રાજકીય પક્ષોની કવાયત શરૂ
આ ચાર વિધાનસભા બેઠકોમાં બે 'ઇવીએમ' હશે
અમદાવાદ, ચોથી માર્ચ 2024, સોમવાર
લોકસભાની ચૂંટણી માર્ચના બીજા સપ્તાહમાં જાહેર થઇ શકે છે. આ જોતાં ભાજપ હાઇકમાન્ડે ઉમેદવારોની ઘોષણા શરૂ કરી દીધી છે. એવુ જાણવા મળ્યુ છે કે, લોકસભાની ચૂંટણીની સાથે રાજ્યમાં ખાલી પડેલી ચાર બેઠકો પર પેટાચૂંટણી યોજાશે. આ જોતાં ભાજપ-કોંગ્રેસે ઉમેદવારોની પસંદગીને લઇને કવાયત તેજ કરી છે.
ખંભાત, વિજાપુર, વિસાવદર, વાઘોડિયાની પેટા ચૂંટણી યોજાશે, ઉમેદવારો મુદ્દે કવાયત શરૂ
ખંભાત બેઠક પર કોંગ્રેસને અલવિદા કહીને ચિરાગ પટેલે કેસરિયા કર્યા છે. આ જોતાં આ બેઠક ખાલી પડી છે. કોગ્રેસના અન્ય એક ધારાસભ્ય સી.જે.ચાવડાએ પણ વિજાપુર બેઠક પર ધારાસભ્યપદે રાજીનામુ ધર્યુ છે. વિસાવદર બેઠક પર આપના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ પક્ષપલટો કરીને કેસરિયો ખેસ ધારણ કર્યો છે પરિણામે આ બેઠક ખાલી પડી છે. વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પણ અપક્ષ ધારાસભ્ય તરીકે રાજીનામુ આપીને ભાજપમાં પ્રવેશ કર્યો છે.આમ, આ ચારેય બેઠકો પર પેટાચૂંટણી યોજાનાર છે. એમાં ય વળી જો બીજી યાદીમાં એકાદ ધારાસભ્યને લોકસભાની ચૂંટણી માટે ટિકિટ મળે તો વધુ એકાદ બે બેઠક પર પેટાચૂંટણી યોજાઇ શકે છે. તેનુ કારણ એછેકે, ભાજપના ધારાસભ્ય જેઠા ભરવાડ, ઉપદંડક કૌશિક વેકરિયા, પૂર્વ મંત્રી-ધારાસભ્ય જીતુ ચૌધરી, પૂર્વ મંત્રી રમણ પાટકર, ધારાસભ્ય ગણપત વસાવાએ ટિકિટ માગી છે.
હવે આ ચારેય બેઠકો પર કોણ ઉમેદવાર હશે તે અંગે અટકળો જામી છે પણ મોટાભાગે પક્ષપલટુઓને ભાજપ પેટાચૂંટણીમાં મેદાને ઉતારી શકે છે. એવું જાણવા મળ્યું છે કે, લોકસભાની ચૂંટણી વખતે જ ખંભાત, વિજાપુર, વિસાવદર અને વાઘોડિયા બેઠકો પર પેટાચૂંટણી યોજાઇ શકે છે. આ જોતાં આ ચારેય વિધાનસભા મત વિસ્તારમાં બે ઈવીએમ હશે. આ બેઠકો પર મતદારો લોકસભા ઉપરાંત વિધાનસભાના ઉમેદવાર એમ બે ઉમેદવારને મત આપશે. લોકસભાના ઉમેદવારોની બીજી યાદી જાહેર થયાં બાદ આ બેઠકોના ઉમેદવારોની જાહેર કરાય તેવી સંભાવના છે.