Get The App

અસહય ઉકળાટ બાદ વરસાદનું આગમન, ચાંદખેડા,વાસણામાં બે, ચાંદલોડીયા, મકતમપુરામાં એક ઈંચથી વધુ વરસાદ

મીઠાખળી, અખબારનગર અંડરપાસ વરસાદી પાણી ભરાતા બંધ કરાયા બાદ ફરીથી ચાલુ કરવામા આવ્યા

Updated: Aug 23rd, 2024


Google NewsGoogle News
અસહય ઉકળાટ બાદ વરસાદનું આગમન, ચાંદખેડા,વાસણામાં બે, ચાંદલોડીયા, મકતમપુરામાં એક ઈંચથી વધુ વરસાદ 1 - image


અમદાવાદ,ગુરુવાર,22 ઓગસ્ટ,2024

ગુરુવારે અસહય ઉકળાટ બાદ અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદનુ ધમાકેદાર આગમન થયુ હતુ.સાંજે ૭ કલાક સુધીમાં ચાંદખેડા અને વાસણામાં બે ઈંચ, ચાંદલોડીયા અને મકતમપુરામા એક ઈંચથી વધુ વરસાદ થયો હતો.મીઠાખળી અને અખબારનગર અંડરપાસ વરસાદી પાણી ભરાતા વાહનવ્યવહાર માટે થોડા સમય માટે મ્યુનિ.તંત્રે બંધ કરી ફરીથી ચાલુ કર્યા હતા.આઈ.આઈ.એમ. બ્રિજ પાસે વરસાદી પાણી ભરાતા બોટ દ્વારા લોકોને બહાર કઢાયા હોવાનો વિડીયો સોશિયલ મિડીયામા વાઈરલ કરાયો હતો.આ વિડીયો અંગે મ્યુનિ.અધિકારી કોઈ સ્પષ્ટતા કરી શકયા નહતા.શહેરમાં સરેરાશ ૧૧.૩૯ મિલીમીટર વરસાદ થતા મોસમનો કુલ ૧૮.૮૩ ઈંચ વરસાદ થયો છે.વાસણા બેરેજ ખાતે ૧૩૪ ફુટ લેવલ થતા ત્રણ દરવાજા ખોલવામા આવ્યા હતા.

શહેરમાં સવારના ૧૧.૩૦ કલાકે વાતાવરણમા પલટો આવ્યા બાદ અનેક વિસ્તારમાં વરસાદ વરસવાની શરુઆત થઈ હતી.બપોરે ૧ કલાક સુધીમાં ચાંદખેડામાં ૪૭ મિલીમીટર, વાસણામાં ૪૪ મિલીમીટર વરસાદ વરસી પડયો હતો.ઉસ્માનપુરામાં ૩૦.૫૦ મિલીમીટર, મકતમપુરામાં ૨૬, રાણીપમાં ૧૯ મિલીમીટર વરસાદ વરસી પડતા અનેક સ્થળે વરસાદી પાણી ભરાયા હતા.ચાંદલોડીયામાં ૧૯, દુધેશ્વરમાં ૧૮, પાલડીમાં ૧૭, ગોતામાં ૧૩.૫૦ મિલીમીટર જેટલો વરસાદ વરસ્યો હતો.જોધપુરમાં ૧૦,બોડકદેવ તથા દાણાપીઠ વિસ્તારમાં ૯ મિલીમીટર વરસાદ થવા પામ્યો હતો.વાસણા બેરેજ ખાતે ૧૩૪ ફુટ ઉપર લેવલ નોંધાતા અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા બેરેજના ગેટ નંબર-૩૦ને ૦.૫૦ ફુટ, ગેટ નંબર-૨૪ અને ૨૮ને  એક ફુટ ખોલવામા આવ્યા હતા.વિજયનગર ક્રોસીંગ પાસે બી.આર.ટી.એસ.ની એક બસ બ્રેકડાઉન થતા વરસાદી પાણીમાં ફસાઈ ગઈ હતી.અખબારનગર અંડરપાસ બપોરે ૩ કલાકે બંને તરફના વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકવામા આવ્યો હતો.આઈ.આઈ.એમ.બ્રિજ પાસે આવેલી બે સોસાયટીઓમાં જવાના રસ્તા ઉપર ઘૂંટણસમા પાણી ભરાયા હતા.જેના પગલે નજીકમા આવેલા કોફીબારના ગ્રાહકોને મુખ્ય રોડ સુધી લાવવા બોટનો ઉપયોગ કરવામા આવ્યો હોવાનો વિડીયો વાઈરલ કરવામાં આવ્યો હતો.

સાંજે ૭ કલાક સુધીમાં કયાં-કેટલો વરસાદ

વિસ્તાર         વરસાદ(મિ.મી.)

પાલડી         ૧૭

ઉસ્માનપુરા     ૩૧

ચાંદખેડા        ૫૭

વાસણા         ૪૭

રાણીપ         ૨૧

બોડકદેવ       ૧૩

ગોતા           ૨૪

ચાંદલોડીયા    ૨૭

મકતમપુરા     ૨૯

દુધેશ્વર         ૧૯


Google NewsGoogle News