અમદાવાદમાં નશેડી કારચાલકોનો આતંક, બે યુવકોના જીવ લેનાર કાર ડ્રાઇવર સામે માનવવધનો ગુનો દાખલ
Ahmeadbad Traffice Police : અમદાવાદ શહેરના માર્ગો હવે સામાન્ય જનતા માટે સુરક્ષિત રહ્યા નથી. મોત સતત માથે મંડરાતું રહે છે. શહેરના માર્ગો પર ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ અને હિટ એન્ડ રનના કેસ સતત સામે આવી રહ્યા છે. રીપલ પંચાલે સર્જેલા અકસ્માતને લોકો હજુ ભૂલ્યા નથી ત્યાં તો અમદાવાદના નરોડા-દહેગામ રોડ પર એક શખ્સે નશાની હાલતમાં પૂરપાટ ઝડપે બેફામ કાર હંકારી બે યુવકોનો ભોગ લીધો છે.
અકસ્માત સર્જ્યા બાદ લોકોનું ટોળું ભેગું થઇ ગયું હતું અને પીધેલી હાલતમાં ડ્રાઇવિંગ કરી રહેલા કારચાલકને મેથીપાક ચખાડ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ દોડી આવી હતી. જોકે આ પ્રકારની ઘટનાઓ હવે શહેરમાં સામાન્ય બની જતાં કથળતા જતા કાયદા અને વ્યવસ્થાને સામે સવાલો ઉઠી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રવિવારે મોડી રાત્રે નરોડા-દહેગામ રોડ પર એક્ટિવા પર બે યુવકો જઇ રહ્યા હતા. આ દરમિયાન પીધેલી હાલતમાં કાર ચલાવી રહેલા ગોપાલ પટેલ નામના શખ્સે પૂરપાટ ઝડપે કાર ડિવાઇડર ચઢાવી દેતાં કાર ડિવાઇડર કૂદી રોંગ સાઇડમાં જતી રહી હતી. આ દરમિયાન સામેથી આવી રહેલા અમિત રાઠોડ અને વિશાલ રાઠોડની એક્ટિવાને કારની ટક્કર વાગતાં બંને યુવકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા.
આ પણ વાંચો: અમદાવાદના રિંગ રોડ પરની હોટલો-કેફે બન્યા નશેડીઓના અડ્ડા, અહીં પોલીસ લેશે એક્શન?
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર કાર ચાલક ગોપાલ પટેલ નામનો શખ્સ નશામાં ટલ્લી હતો અને લથડીયા ખાતો હતો. અકસ્માત સર્જ્યા બાદ સ્થાનિક લોકોને કાર ચાલકને પકડી પાડી મેથીપાક પણ ચખાડ્યો હતો. આ અકસ્માતના સીસીટીવી પણ સામે આવ્યા છે, જે હચમચાવી દે એવા છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
કારચાલક વિરૂદ્ધ માનવવધનો ગુનો દાખલ
અમદાવાદ ગ્રામ્ય ડીસીપીએ જણાવ્યું હતું કે કારચાલક ગોપાલ પટેલ ભાટ ગામથી પીધેલી હાલતમાં કાર લઇને નીકળ્યો હતો અને નરોડા તરફ જઇ રહ્યો હતો. આ દરમિયાન રીક્ષાને ઓવરટેક કરવા જતાં કાર ડિવાઇડર ચઢીને સામેની તરફના રોડ ચડી ગઇ હતી. તે જ સમયે એક્ટિવા પર આવી રહેલા બે યુવકોને કારની ટક્કર વાગતાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. હાલમાં આરોપીની ધરપકડ કરી તેના વિરૂદ્ધ માનવવધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ફોર્ચ્યુનર કાર ચાલક કારને પુરઝડપે હંકારીને પોલીસને દુર સુધી ઘસેડી ગયો
શહેરના તપોવન સર્કલ પાસે ગત રાત્રીએ ચાંદખેડા પોલીસનો સ્ટાફ વાહનચેકિંગમાં હતો ત્યારે એક કાળા રંગની ફોર્ચ્યુનર કારને રોકવા જતા કારચાલકે કારને પોલીસ પર ચઢાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. આ સમયે બે પોલીસ કર્મચારીએ કારનો દરવાજો પકડી રાખતા કારચાલક બંનેને અગોરા મોલ સુધી ઘસેડી ગયો હતો અને બાદમાં નીચે પટકાવીને ફરાર થઇ ગયો હતો. ચાંદખેડા પોલીસે આ અંગે કારચાલક અને તેની સાથે રહેલી મહિલાની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
લોકો ભલે કમોતે મરે, સરકારને કોઇ જ વાંઘો નથી
અમદાવાદમાં માલેતુજાર નબીરાઓ મધરાતે દારૂ પીને છાકટા બની જાય છે અને હિટ એન્ડ રનને અંજામ આપે છે. હમણાં જ બોપલના એક નબીરાને લોકોએ ફટકાર્યો પણ પોલીસે કાયદો-વ્યવસ્થાના નામે તેને રક્ષણ આપી સવારે કોર્ટમાં રજૂ કર્યો અને ક્ષણવારમાં જામીન પર છૂટી પણ ગયો. ભાજપના સંસ્કારી નેતાઓને આવી ઘટનાઓ સામાન્ય લાગે છે. અત્યાર સુધી એમ લાગતું હતું કે દારૂ બનાવવા, વેચવા અને પીવા માટે સેટીંગ ચાલે છે પરંતુ ઓવરડોઝમાં ડ્રાઇવિંગ કરીને અકસ્માત સર્જે તો પણ તેને છોડાવવાના સેટીંગ ચાલે છે. પરંપરા અને સંસ્કારની વાતો વચ્ચે વાસ્તવિકતા એવી છે કે ગુજરાત નશામાં ઝૂમી રહ્યું છે. લોકો કમોતે મરે તો સરકારને કોઇ વાંઘો નથી. 2024ના છ મહિનામાં જ દારૂ પીને વાહન ચલાવવાના 14775 કિસ્સા નોંધાયા છે, જ્યારે 2020 થી 2023 દરમ્યાન હિટ એન્ડ રનના 4860 કેસોમાં 3449નાં મોત થયાં છે અને 2720ને ઇજાઓ થઇ છે.