Get The App

મેઘાણીનગરમાં અસામાજીક તત્વોનો આતંક : મફતનો ચા-નાસ્તો આપવાની ના પાડતા માથાભારે શખ્સોએ કરી ટી સ્ટોલમાં તોડફોડ

Updated: Feb 14th, 2025

GS TEAM


Google News
Google News
મેઘાણીનગરમાં અસામાજીક તત્વોનો આતંક : મફતનો ચા-નાસ્તો આપવાની ના પાડતા માથાભારે શખ્સોએ કરી ટી સ્ટોલમાં તોડફોડ 1 - image


Ahmedabad Crime : અમદાવાદ શહેરના મેઘાણીનગરમાં અસામાજીક તત્વોના આતંકને કાબુમાં લેવામાં સ્થાનિક પોલીસ નિષ્ફળ ગઇ હોવાનો ગંભીર આરોપ મેઘાણીનગર પોલીસ પર લગાવવામાં આવ્યો છે. મેઘાણીનગર પોલીસ સ્ટેશનથી નજીકમાં આવેલા બસ સ્ટેશન પાસે ટી સ્ટોલ ચલાવતા યુવકે માથાભારે વ્યક્તિઓને મફતમાં ચા નાસ્તો આપવાની ના પાડતા તેની તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પણ ફરીથી ટી સ્ટોલના વેપારી પર હુમલો કરીને તોડફોડ કરવામાં આવી હતી. આ બંને ઘટનામાં નોંધાયેલી ફરિયાદમાં સમાધાન કરવાની ધમકી આપવામાં આવી હતી. આ મામલે સ્થાનિક પોલીસને અનેક રજૂઆત કરી હોવા છતાંય, કોઇ  કાર્યવાહી કરવામાં ન આવતા છેવટે ડીસીપી ઝોન-૪ને રજૂઆત કરવામાં આવી છે.

ચા-નાસ્તો કરીને નાણાં નહી આપતા વેપારીએ નાણાં માંગતા માથાભારે તત્વોએ ટી સ્ટોલમાં તોડફોડ કરી હતીઃ જુના કેસમાં સમાધાન કરવા માટે માથાભારે તત્વો સક્રિય થયા

શહેરના મેઘાણીનગરમાં આવેલા ગોર્વધન ફ્લેટમાં રહેતા મહેશ કલાલ મેઘાણીનગર છેલ્લાં બસ સ્ટેશન પાસે રાજસ્થાન ટી સ્ટોલના નામે વ્યવસાય કરે છે.  ગત 19મી ડિસેમ્બરના રોજ રાતના સાડા આઠ વાગે રાવણ અને ભેડા નામના બે માથાભારે વ્યક્તિઓએ આવીને કોલ્ડ ડ્રીક્સ અને સિગારેટની માંગણી કરી હતી. જે લીધા બાદ મહેશભાઇને પૈસા આપ્યા નહોતા. જેથી મહેશભાઇએ વાંધો ઉઠાવતા બંનેએ ટી સ્ટોલની બહાર તોડફોડ કરી હતી. આ દરમિયાન અન્ય કેટલાંક માથાભારે લોકો પણ આવ્યા હતા અને તમામ લોકોએ તોડફોડ કરીને ધમકી આપી હતી. આ અંગે મેઘાણીનગર પોલીસે ગુનો નોંધીને આરોપીઓની ધરપકડ કરીને કાર્યવાહી કરી હતી. પરંતુ, જામીન મળતા છુટી ગયા હતા અને ધમકી આપી હતી.

ત્યારબાદ ફરીથી ૨૫ ડિસેમ્બરે કાલુ ઉર્ફે રાવણે મહેશભાઇના ટી સ્ટોલ પર જઇને મફતમાં સિગારેટ માંગીને ધમકી આપી હતી કે જો ધંધો કરવો હોય મફતમાં ચીજ વસ્તુઓ આપવી પડશે. જે અંગે પણ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં મહેશભાઇએ ફરિયાદ નોંધાવી હતી. જો કે આટલું થવા છંતાય, માથાભારે લોકોનો ત્રાસ સતત જોવા મળ્યો હતો. છેલ્લે ગત ૭મી ફેબુ્રઆરીના રોજ રાવણ ઉર્ફે કાલુ પટણી અને તેનો ભાઇ શ્રવણ પટણી આવ્યા હતા. તેમણે અગાઉના કેસમાં સમાધાન કરી લેવા માટે મહેશભાઇ પર દબાણ કરીને ધમકી આપી હતી. જો કે મહેશભાઇએ સમાધાન કરવાની ના કહેતા તેમના સ્ટોલ પર ફરીથી તોડફોડ કરીને આતંક ફેલાવવામાં આવ્યો હતો. આમ, મેઘાણીનગર પોલીસ દ્વારા આકરી કાર્યવાહી કરવામાં ન આવતા માથાભારે તત્વો દ્વારા આપવામાં આવતા ત્રાસથી મહેશભાઇનો સમગ્ર પરિવાર ડરી ગયો છે અને છેવટે ડીસીપી ઝોન-૪ને રજૂઆત કરીને માથાભારે તત્વો સામે કાર્યવાહી કરવા રજૂઆત કરી છે.


Tags :