અમદાવાદમાં યુપી-બિહાર જેવું ગુંડારાજ, અડધી રાતે ઉઘાડી તલવાર સાથે મચાવ્યો આતંક
Terror of Anti Social Elements In Ahmedabad: પૂર્વ અમદાવાદના ચોક્કસ વિસ્તારોમાં લુખ્ખા તત્ત્વો બેફામ બનીને અસામાજિક કૃત્યો આંચરી પોલીસને પડકાર ફોંકી રહ્યા છે. મેમ્કો પાસે જીડી સ્કૂલ રોડ પર વારંવાર દંડા અને તલવાર જેવા હથિયારો સાથે ધસી આવીને વાહનો તથા લોકોની મિલકતોમાં તોડફોડ કરતા તત્ત્વોને લીધે લોકોમાં ભયનો માહોલ પેદા થયો છે. ત્યારે આવા તત્ત્વો સામે સત્વરે કડક પગલાં લેવામાં નહીં આવે તો ભવિષ્યમાં કોઈ ગંભીર ઘટના ઘટવાની ભીતિ લોકોમાં સેવાઈ રહી છે.
લુખ્ખા તત્ત્વો બેફામ બન્યા
શહેરના સૈજપુર ટાવરથી લુબી મિલ્સ સુધીના વિસ્તારમાં કેટલાક સમયથી અસામાજિક તત્ત્વો અડધી રાત્રે આવીને આતંક મચાવી રહ્યા હોવાની વ્યાપક ફરિયાદો લોકોમાંથી ઊઠી છે. જાણે કે કાયદો-વ્યવસ્થાનું કોઈ અસ્તિત્ત્વ જ નહોય તેવી રીતે અસામાજિક તત્વો હાથમાં તલવાર અને દંડા જેવા ઘાતક હથિયારો લઈને ખૂલ્લેઆમ ફરતા હોય છે. આવા તત્ત્વો દ્વારા વારંવાર નિર્દોષ લોકોના વાહનો અને મિલકતોમાં તોડફોડ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: GST અધિકારીઓથી વેપારીઓ પરેશાન, બેન્ક ખાતા સીઝ કરી લેવાયાં, કોર્ટમાં જવાનું કહે તો ધમકાવે છે
કાયદો-વ્યવસ્થા સામે ઉઠતા ગંભીર સવાલ
અસામાજિક તત્ત્વોના ભયના લીધે સામાન્ય લોકો રાત્રે ઘરની બહાર પગ મૂકતા ડર લાગી રહ્યો છે. સમી સાંજે પણ રસ્તા પરથી પસાર થવામાં મહિલાઓ અસલામતીનો અનુભવ કરી રહી છે. આમતો કોઈ વિસ્તારમાં ચકલુપણ ફરકે તો પોલીસને તેની જાણ હોય છે, પરંતુ આ કિસ્સામાં પોલીસ તંત્ર નિર્દોષ શહેરીજનોને સલામતી આપવાના બદલે મૂકપ્રેક્ષક બનીને અસામાજિક તત્ત્વોને બળ પુરું પાડી રહ્યું છે. સભ્ય સમાજના લોકો પોતાના મકાનો વેચીને બીજા વિસ્તારમાં રહેવા જવા માંડયા છે.
યુપી, બિહારના ગુંડારાજ જેવી નિર્માણ પામી રહેલી આ સ્થિતિને અત્યારથી જ ડામી દેવા માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા કડક પગલાં લેવામાં આવે અને અસામાજિક તત્ત્વોને છાવરતા પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓ સામે પણ ખાતાકીય કાર્યવાહી થાય તેવી માગણી સ્થાનિક રહેવાસીઓ દ્વારા કરવામાં આવી છે.