ગુજરાતમાં 15 જ દિવસમાં દસ દુષ્કર્મ, મહિલાઓ માટે દેશભરમાં સૌથી સુરક્ષિત રાજ્ય હોવાના દાવા પોકળ
Gujarat Women Uncensored : ફરી એકવાર ગુજરાતમાં યુવતી પીંખાઇ ગઇ... ફરી એકવાર સામૂહિક બળાત્કારના સમાચારની સાથે ગુજરાતીઓની સવાર પડી. છેલ્લા 15 દિવસમાં ગુજરાતમાં 10 થી વધુ દુષ્કર્મની ઘટનાઓ સામે આવી છે. એક તરફ મહિલા સુરક્ષાની મોટી મોટી વાતો કરવામાં આવે છે, તો બીજી તરફ દરરોજ મહિલાઓ કે સગીરાઓ સાથે બળાત્કારના સમાચાર સામે આવ્યા છે. જેને જોતાં લાગે છે કે ગુજરાત મહિલાઓ માટે દેશભરમાં સૌથી સુરક્ષિત રાજ્ય હોવાના દાવા પોકળ સાબિત થઇ રહ્યા છે.
હાલ ગુજરાતીઓનો સૌથી મોટો તહેવાર નવરાત્રિ ચાલી રહ્યો હોવાથી બહેન-દીકરીઓ, અને મહિલાઓ ગરબે ઘૂમવા માટે મોડે સુધી બહાર હોય છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મોડે સુધી ગરબે રમવાની છૂટ આપતાં શેખી મારે છે કે તમે મોડે સુધી મનફાવે એટલા વાગ્યા સુધી ગરબે રમો, કોઇ હેરાન નહી કરે. પરંતુ રાજ્યમાં છેલ્લા 15 દિવસમાં દુષ્કર્મની ઘટનાઓ સતત સામે આવી રહી છે. વડોદરાના ભાયલીમાં સામૂહિક દુષ્કર્મની ઘટના બાદ સુરતના માંગરોળના બોરસરાં પણ ભાયલી પેટર્નમાં સામૂહિક દુષ્કર્મની ઘટના બની છે. ગૃહ રાજ્યમંત્રીના જ વિસ્તારમાંથી આ પ્રકારની ઘટના સામે આવતાં સ્વભાવિક છે જનતા સવાલ કરે.
મહિલા સુરક્ષાની વાતો ફક્ત નેતાઓના નિવેદનમાં
દીકરીઓની સુરક્ષાની મોટી મોટી વાતો વચ્ચે ગુજરાતમાં દુષ્કર્મના બનાવો વધતા રાજ્યની દીકરીઓ અને તમેના પરિવારને ભય અને અસલામતીનો અનુભવ થઈ રહ્યો છે. કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાજપ સરકારના દાવાઓ પોકળ સાબિત થયા છે. મહિલાઓની સુરક્ષાની વાતો ફક્ત રાજકારણીઓના ભાષણ અને નિવેદનો પુરતી જ સિમિત રહી ગઈ છે. ગાંધીના ગુજરાતમાં દરરોજ ગુનાનો ગ્રાફ ઉંચો જઈ રહ્યો છે.
આ પણ વાંચો: સુરતમાં સગીરા પર વડોદરાવાળી પેટર્નમાં સામૂહિક દુષ્કર્મ, 2 આરોપીની ઓળખ થઈ
ગુજરાતમાં ક્યાં છે બહેન-દીકરીઓ સુરક્ષા?
જો કાયદો કડક છે તો પછી હૈવાનો કેમ બેખૌફ બન્યા છે? દાહોદ, વડોદરા અને હવે સુરતમાં કેમ આવી ઘટનાઓ બની રહી છે? ગણ્યા ગાંઠ્યા અને આંગળીના વેઢે ગણી શકાય એવા કેસમાં કડક પગલાં ભરાય છે. અને મહિલાઓની સુરક્ષાનો મુદ્દો બનાવી ખોબલે ખોબલે વોટ મેળવવામાં આવે છે. જો એકાદ બે ઘટનામાં ગણતરીના કલાકોમાં પોલીસ આરોપી પકડી પાડતી હોય તો દરેક ક્રાઇમ કેસને આ પ્રકારની પેટર્નથી કેમ સોલ્વ કરવામાં નથી આવતા?
ગૃહ રાજ્યમંત્રી કેમ નક્કર સિસ્ટમ ઉભી નથી કરતાં કે જેના લીધે ગણતરીના કલાકોમાં દરેક ગંભીર ગુનો ઉકેલાઈ જાય. અને ગુનેગારોને કડક કાર્યવાહીનો ડર રહે. વારંવાર કહેવામાં આવે છે કે મહિલાઓ માટે સમગ્ર દેશમાં સૌથી સુરક્ષિત રાજ્ય ગુજરાત છે. આ માત્ર ભારતીય જનતા પાર્ટીના નિર્ણાયક નેતૃત્વના કારણે શક્ય બન્યું છે. પરંતુ જ્યારે રાજ્યમાં સતત દુષ્કર્મ ઘટનાઓ વધતી જોઈને સરકારના તમામ દાવાઓ પોકળ લાગે છે. ભાજપના રાજમાં કાયદો વ્યવસ્થા જાણે પડી ભાંગી હોય તેવુ ચિત્ર ઊપસ્યું છે. છતાં સરકારના પેટનું પાણીય હલતું નથી.
મહિલાઓ માટે સમગ્ર દેશમાં સૌથી સુરક્ષિત રાજ્ય ગુજરાત છે. આ માત્ર ભારતીય જનતા પાર્ટીના નિર્ણાયક નેતૃત્વના કારણે શક્ય બન્યું છે. #મોદી_સાથે_ગુજરાત
— Praful Pansheriya (@prafulpbjp) May 1, 2024
ગૃહમંત્રી શેખી વચ્ચે દુષ્કર્મની ઘટના વધી
ગૃહમંત્રીએ આખી રાત ગરબે ઝૂમવાની વાત કરતા શેખી મારે છે કે, શું અહીં ગરબા નહીં રમીએ તો પાકિસ્તાનમાં રમવાના? ગુજરાતમાં પંદરેક દિવસમાં જ દુષ્કર્મની ઘટનાઓ બની છે. તેને લઈને આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ટોણો માર્યો કે, 'શું હવે દીકરીના ન્યાય માટે પાકિસ્તાન જવાનું?' બીજી તરફ વિધાનસભામાં વિપક્ષના નેતા અમિત ચાવડાએ 'X' પર લખ્યું કે, ભાષણ કરવામાં શૂરા ગૃહમંત્રી જો બહેન- દીકરીઓની સુરક્ષા કરી શકતા ન હોય તો રાજીનામુ આપી દેવું જોઈએ. આજે ગુજરાતમાં મહિલાઓ અસલામતી અનુભવી રહી છે.'
આ પણ વાંચો: કચ્છમાં ગરબામાંથી પરત ફરતી દલિત યુવતી પર દુષ્કર્મ, રાજ્યમાં એક અઠવાડિયામાં બળાત્કારની ત્રીજી ઘટના
ગુજરાતમાં મહિલાઓ જ અસલામત, 15 દિવસમાં દુષ્કર્મની 10 ઘટના
ઓક્ટોબર મહિનામાં સુરત, વડોદરા, રાજકોટ, ભુજ, ધાંગ્રધા, મહેસાણા, સુરન્દ્રનગર, બોરસદ સહિતના શહેરોમાં દુષ્કર્મની ઘટનાઓ સામે આવી છે. ભાયલીમાં સામૂહિક દુષ્કર્મની ઘટના પહેલા દાહોદમાં પાંચ વર્ષની માસુમ બાળકીને શાળાના નરાધમ આચાર્યએ જ હવસનો શિકાર બનાવી તેની હત્યા કરી નાંખી હતી. સુરેન્દ્રનગરમાં નશામાં ધૂત એક વ્યક્તિએ પાંચ વર્ષની માસુમ બાળકીને પીંખી નાંખી હતી. મહેસાણામાં એક સગીરા પર હોટલ પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. તો ઉત્તર ગુજરાતમાં જ એક ભૂવાએ દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનામાં ભાજપ યુવા મોરચાના મંત્રીની સંડોવણી બહાર આવી હતી.
રાજ્યના દુષ્કર્મની ઘટનાના કેટલાક ચકચારી કેસ
ધ્રાંગધ્રાના રાવળીયાવદર ગામે 05 વર્ષની બાળકી પર દુષ્કર્મનો કેસ
ધ્રાંગધ્રા તાલુકાના રાવળીયાવદર ગામમાં એક બાળકી પર 40 વર્ષના આધેડ મુકેશ ઉર્ફે મુન્ના તેજાભાઇ બારોટે દુષ્કર્મ આચર્યું હતું.ઘર પાસે રમી રહેલી એક પાંચ વર્ષની બાળકીને આરોપીએ બોલાવી રિક્ષામાં આંટો મરાવવાની લાલચ આપી દૂર નાળામાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. બાળકીએ બૂમાબૂમ કરતા પરિવારજનો સહિતના લોકો સ્થળ પર આવી પહોંચ્યા હતા અને દુષ્કર્મ આચરનાર આધેડને ઝડપી પાડી પોલીસને હવાલે કર્યો હતો. જ્યારે ભોગ બનનાર બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
બોરસદના કંચોડાપુરાના શખ્સે યુવતી સાથે દુષ્કર્મ આચર્યું
બોરસદના દહેવાણ તાબે કંચોડાપુરાના શખ્સે યુવતીને લગ્નની લાલચ આપી અનેકવાર દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે યુવતીએ વીરસદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
નર્સિંગનો અભ્યાસ કરતી યુવતી પર કૌટુંબીક ભાઈ દ્વારા દુષ્કર્મ
રાજકોટમાં રહીને નર્સિંગનો અભ્યાસ કરતી 19 વર્ષની યુવતી પર તેના કૌટુંબીક કાકાના પુત્રએ દુષ્કર્મ ગુજાર્યાની કુવાડવા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદમાં એક વખત આરોપીએ ટ્રેનના જનરલ ડબ્બાના શૌચાલયમાં બળજબરી કર્યાનો આરોપ મૂકાયો છે. જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીની અટકાયત કરી તપાસ જારી રાખી છે.
16 વર્ષના કિશોરે 13 વર્ષની બહેન પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી
સુરતના ડીંડોલી વિસ્તારમાં ભાઈ-બહેનના પવિત્ર સંબંધને લાંછનરૂપ ઘટના પ્રકાશમાં આવી હતી. મજૂરીકામ કરતા દંપતી ચાર મહિના પહેલા કામ ઉપર ગયા હતા ત્યારે તેમના 16 વર્ષના પુત્રએ તેની 13 વર્ષની બહેન પાસે સેક્સની માંગણી કરી બળજબરી કરી વાસના સંતોષી હતી. આ અંગે માતા-પિતાને કહ્યું તો જાનથી મારી નાંખવાની ધમકી આપી તરુણે બાદમાં વધુ બે વખત દુષ્કર્મ કરતા કિશોરી ગર્ભવતી બનતા અને ચાર દિવસ અગાઉ કિશોરીને પેટમાં દુખાવો થતા હોસ્પિટલ લઈ જતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવતા સગા દીકરા વિરુદ્ધ માતાએ ડીંડોલી પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે તરુણની અટકાયત કરાઈ હતી.
મીરજાપરમાં હવસખોર દુકાનદારે 13 વર્ષની સગીરાને પીંખી નાખી
ભુજ નજીકના મીરજાપર ગામે છપરીવાસમાં દુકાનદારે 13 વર્ષની સગીરાને હવસ સંતોષવા ફોસલાવી પોતાના ઘરમાં લઇ જઇને હેવાનીયતથી દુષ્કર્મ ગુજારતાં ચકચાર મચી જવા પામી હતી. દુષ્કૃત્ય કરનારા નરાધમ સામે પોક્સો દુષ્કર્મનો ગુનો નોંધીવામાં આવ્યો છે.
અમદાવાદની પાવરટ્રેક કંપનીના ચેરમેને મહિલાને ડિરેક્ટર બનાવવાની લાલચ આપી આચર્યું દુષ્કર્મ
અમદાવાદમાં એસ.જી. હાઇવે પર આવેલી પાવરટ્રેક ગૃપ ઓફ કંપનીઝની કોર્પોરેટ ઓફિસમાં બોલાવી વડોદરાની સુશિક્ષિત મહિલાને કંપનીમાં ડિરેક્ટર બનાવવા અને લગ્ન કરવાની લાલચ આપી કંપનીના ચેરમેને નવેમ્બર 2023થી મે-2024 દરમિયાન દુષ્કર્મ ગુજાર્યું હોવાની ફરિયાદના પગલે પોલીસે તપાસ હાથ ધરી છે.
ગુજરાતમાં બળાત્કારના કેસ
2023માં 2,209 બળાત્કાર
2022માં 2,239 બળાત્કાર
2021માં 2,076 બળાત્કાર
ભારતમાં દરરોજ 86 જેટલા નોંધાય છે બળાત્કારના કેસ
16 ડિસેમ્બર 2012ની રાત્રે દિલ્હીના રસ્તા પર ચાલુ બસમાં યુવતી સાથે ગેંગરેપ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન નરાધમોએ તમામ હદ વટાવી દીધી હતી. બાદમાં તે યુવતીનું મોત નીપજ્યુ હતું. આ નિર્ભયાકાંડે દેશને હચમચાવી દીધો હતો. લોકોમાં ભારે આક્રોશનો અગ્નિ ભભૂક્યો હતો. ત્યારબાદ એવો જ રોષ તાજેતરમાં કોલકાતાની આરજી કર હોસ્પિટલમાં ટ્રેઈની ડોક્ટર સાથે રેપ અને હત્યા બાદ જોવા મળ્યો હતો. દેશભરમાં મહિલાઓની સુરક્ષાની વાત આવે ત્યારે નેશનલ ક્રાઇમ રેકૉર્ડ બ્યૂરો (એનસીઆરબી) ના આંકડા મુજબ વર્ષ 2022માં ભારતમાં દરરોજ 86 જેટલા બળાત્કારના કેસ પોલીસ ચોપડે નોંધાય છે.
વર્ષ 2022 ના ડેટા અનુસાર રાજસ્થાન મહિલાઓ માટે સૌથી અસુરક્ષિત રાજ્ય છે, આ દરમિયાન ગુજરાત મહિલાઓ માટે સૌથી સુરક્ષિત રાજ્ય તરીકે ગણાતું હતું. જેનો ગર્વ દરેક ગુજરાતીને હતો. પરંતુ છેલ્લા 2 વર્ષમાં જે પ્રમાણે મહિલાઓ પર અત્યાચાર, બળાત્કાર, સામૂહિક દુષ્કર્મના કેસ સામે આવી રહ્યા છે તેને જોતા ગર્વથી માથું ઉંચકીને ફરતા ગુજરાતીઓનું શીશ શરમથી ઝૂકી ગયું છે.
રેપના કેટલા કેસમાં સજા?
એનસીઆરબીના આંકડા અનુસાર રેપના કેસમાં સજા મળવાનો દર 27 થી 28 ટકા છે. એટલે કે રેપના 100 માંથી 27 કેસમાં જ આરોપી દોષિત સાબિત થઈ શકે છે. બાકી મામલામાં આરોપીઓને મુક્ત કરી દેવામાં આવે છે.
રિપોર્ટ જણાવે છે કે 2022ના અંત સુધી સમગ્ર દેશની કોર્ટમાં રેપના લગભગ બે લાખ કેસ પડતર હતાં. 2022માં તેમાંથી સાડા અઢાર હજાર કેસોમાં જ ટ્રાયલ પૂરી થઈ. જે કેસમાં ટ્રાયલ પૂરી થઈ. તેમાંથી લગભગ 5 હજાર કેસોમાં જ દોષિતને સજા આપવામાં આવી. જ્યારે 12 હજારથી વધુ કેસોમાં આરોપીને મુક્ત કરી દેવાયા.
એટલું જ નહીં રેપના મામલે ફાંસીની સજાની જોગવાઈ હોવા છતાં 24 વર્ષમાં પાંચ દુષ્કર્મીઓને જ ફાંસીની સજા મળી છે. 2004માં ધનંજય ચેટર્જીને 1990ના રેપ કેસમાં ફાંસી આપવામાં આવી હતી. જ્યારે માર્ચ 2020માં નિર્ભયાના ચાર દોષિતો- મુકેશ, વિનય, પવન અને અક્ષયને તિહાડ જેલમાં ફાંસી આપવામાં આવી હતી.
રેપને લઈને કાયદો શું છે?
ભારતીય દંડ સંહિતાની કલમ 65માં જોગવાઈ છે કે જો કોઈ વ્યક્તિ 12 વર્ષથી નાની ઉંમરની બાળકીની સાથે દુષ્કર્મનો દોષિત સાબિત થાય છે તો તેને 20 વર્ષની જેલથી લઈને આજીવન કેદની સજા થઈ શકે છે. તેમાં પણ આજીવન કેદની સજા ત્યાં સુધી રહેશે જ્યાં સુધી દોષિત જીવિત રહેશે. આવા મામલે દોષિત સાબિત થવા પર મોતની સજાની જોગવાઈ પણ છે. આ સિવાય દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે.
ગેંગરેપના મામલામાં દોષિત સાબિત થવા પર 20 વર્ષથી લઈને આજીવન કેદ અને દંડની સજાની જોગવાઈ છે. બીએનએસની કલમ 70(2) હેઠળ, સગીરાની સાથે ગેંગરેપના દોષિત સાબિત થવા પર આજીવન કેદની સજા તો થશે જ સાથે જ મોતની સજા પણ થઈ શકે છે. આવા મામલે દંડની પણ જોગવાઈ છે.
બીએનએસની કલમ 66 હેઠળ જો રેપના મામલામાં મહિનાનું મોત થઈ જાય છે કે પછી તે કોમા જેવી સ્થિતિમાં પહોંચી જાય છે તો દોષિતને 20 વર્ષની સજા થશે. આ સજાને વધારીને આજીવન કેદ કે પછી મોતની સજામાં પણ બદલી શકાય છે.
આ સિવાય સગીરોની સાથે થતાં યૌન શોષણને રોકવા માટે 2012માં પોક્સો એક્ટ લાગુ કરવામાં આવ્યો હતો. કાયદામાં પહેલા મોતની સજા નહોતી પરંતુ 2019માં તેમાં સુધારો કરીને મોતની સજાની પણ જોગવાઈ કરી દેવાઈ. આ કાયદા હેઠળ આજીવન કેદની સજા મળે છે તો દોષિતને આખું જીવન જેલમાં જ પસાર કરવા પડશે. તેનો અર્થ એ થયો કે દોષિત જેલથી જીવિત બહાર આવી શકતો નથી.