અમદાવાદમાં અગનવર્ષા, આજે તાપમાન 41 ડિગ્રીને પાર જઈ શકે, યલો એલર્ટ જાહેર
Ahmedabad News: હજુ માર્ચ મહિનો પૂરો થવામાં છે ત્યાંજ અમદાવાદમાં આગ વરસાવતી ગરમીનો પ્રારંભ થઈ ગયો છે. ગુરુવારે અમદાવાદ 40 ડિગ્રી ગરમીમાં શેકાયું હતું. અમદાવાદમાં આજે તાપામન 41 ડિગ્રીને પાર જઈ શકે છે જ્યારે 30 માર્ચથી બે એપ્રિલ દરમિયાન પારો 40 ડિગ્રીની આસપાસ જ રહેવાની આગાહી છે.
મહત્તમ તાપમાન સામાન્ય કરતાં બે ડિગ્રી જેટલું વધી ગયું
અમદાવાદમાં ગરુવારે જેમ વધવા લાગ્યો તેમ તાપમાનનો પારો પણ ઊંચે જવા લાગ્યો હતો. બપોરના સમય દરમિયાન ચામડી દઝાડે તેવી કાળઝાળ ગરમી અનુભવાઈ હતી. ગુરુવારે 40 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાન સામાન્ય કરતાં બે ડિગ્રી જેટલું વધી ગયું હતું. હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદનું તાપમાન શુક્રવારે 41, શનિવારે 40 જ્યારે રવિવારથી મંગળવારના 39 ડિગ્રીની આસપાસ રહેશે.
આ જિલ્લામાં પણ યલો એલર્ટ જાહેર
ગત રાત્રિએ અમદાવાદનું સરેરાશ લઘુતમ તાપમાન 26.2 ડિગ્રી સાથે સામાન્ય કરતાં 4.3 ડિગ્રી વધારે નોંધાયું હતું. હવામાન વિભાગમાં વર્ષ 2020 સુધીના જ જે આંકડાં દર્શાવાયા છે તેના અનુસાર 2011થી 2020 દરમિયાન અમદાવાદનું મહત્તમ તાપમાન 42ને પાર થયું હોય તેવું એકમાત્ર વાર 2017માં બન્યું હતું. ગરુવારે 10 શહેરમાં મહત્તમ તાપમાનનો પારો 38 ડિગ્રીને પાર થયો હતો. જેમાં અમરેલીમાં 40.8 ડિગ્રી સાથે સૌથી વધુ ગરમી નોંધાઇ હતી. અન્યત્ર જ્યાં વધારે ગરમી નોંધાઈ તેમાં રાજકોટ, વડોદરા, ગાંધીનગર, ભુજ, છોટા ઉદેપુર, ડીસાનો સમાવેશ થાય છે. આજે બનાસકાંઠા, આણંદમાં પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવી છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે, 'બનાસકાંઠા, ગાંધીનગર, આણંદમાં રાત્રિના પણ હૂંફાળું વાતાવરણ રહ્યું હતું. રાજ્યમાં આગામી પાંચ દિવસ સરેરાશ મહત્તમ તાપમાનમાં વધારે ફેરફાર થવાની સંભાવના નહિવત્ છે.' અમદાવાદમાં ગરમીએ જાણે માથું ઉચકયું હોય પારો ઊંચો જ રહે છે. એના કારણે બપોરના ગાળામાં જાહેર રસ્તાઓ જાણે કરફયુના અમલ હેઠળ હોય એવી સ્થિતિ સર્જાય છે.