તેજસ શાહે ટ્રાવેલ બુકીંગના નામે અગાઉ ૪૦ લાખની ઉચાપત કરી હતી
બનાવટી એર ટિકીટ અને હોટલ બુકીંગનો ૩૧ લાખની છેતરપિંડીનો મામલો
છેતરપિંડી કરતો હોવા છતાંય, તેને અનેક એજન્સીઓં બુકીંગ એજન્ટ તરીકે કામ સોંપતા હતાઃ વિદેશમાં એજન્ટો અને હોટલોમાં છેતરપિંડી આચરી
અમદાવાદ,શનિવાર
સીઆઇડી ક્રાઇમ દ્વારા બે દિવસ પહેલા તેજસ શાહ અને બે ટ્રાવેલ એજન્સીઓ વિરૂદ્ધ ૩૧ લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ હતી. જે કેસની તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે કે છેતરપિંડીના કેસનો માસ્ટર માઇન્ડ તેજસ શાહ એરલાઇન અને હોટલ બુકીંગના નામે અગાઉ પણ અનેકવાર લાખો રૂપિયાની છેતરપિંડી આચરી ચુક્યો છે. વર્ષ ૨૦૧૮માં તેણે મલેશિયા, સિંગાપોર જેવા દેશોના ટુર પેકેજ નામે ૪૦ લાખ જેટલી રકમની ઉચાપત કરી હતી. જેમાં તેણે એક ટ્રાવેલ કંપનીને જ ચુનો લગાવ્યો હતો. આ ઉપરાતં, તેણે વિદેશમાં અનેક એજન્ટો અને હોટલોના બનાવટી બુકીંગ ડોક્યુમેન્ટ તૈયાર કરીને છેતરપિંડી કરી હતી. સીઆઇડી ક્રાઇમના અમદાવાદ યુનિટમાં ચાર દિવસ પહેલા તેજસ શાહ (રહે. શીતાશું એપાર્ટમેન્ટ, દર્પણ ચાર રસ્તા, નવરંગપુરા) ,યોગેશ શર્મા (રહે. પ્રાર્થના પર્લ એપાર્ટમેન્ટ, ગોતા) તેમજ બે ટ્રાવેલ એજન્સીઓ વિરૂદ્ધ ૩૧ લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં પોલીસ અધિકારીઓને જાણવા મળ્યું હતું કે તેજસ શાહ તેના કૌભાંડને આચરવા માટે મોટી હોટલો અને એર ટિકિટ બુકીંગ એજન્ટો સાથે સીધી સાંઠગાઠ ધરાવતો હતો. જેમાં તેમને ત્યાં બુકીંગના નામે ક્લાઇન્ટ વાત કરીને બટિકીટ અને હોટલ બુકીંગની બનાવટી કોપી મોકલતો હતો. સીઆઇડી ક્રાઇમને તેજસ શાહ સાથે સંડોવાયેલા અન્ય કેટલાંક નામોની વિગતો પણ મળી છે. તેજસ શાહની મોડસ ઓપરેન્ડી એવી હતી કે તે ગ્રાહકો પાસેથી લાખો રૂપિયા લીધા બાદ બુંકીગ કરી આપતો હતો.
ત્યારબાદ અલગ અલગ કારણ આપીને ટિકીટ કેન્સલ કરાવી દેતો હતો. આ દરમિયાન ગ્રાહકને તે બુકીગની બનાવટી રીસીપ્ટ મોકલતો હતો.આ મોડસ ઓપરેન્ડીથી તેણે અનેક લોકોને ટારગેટ કર્યા હતા. જે અંગે સીઆઇડી ક્રાઇમને અનેક વિગતો મળી રહી છે. જેથી આ કેસમાં આગામી દિવસોમાં મોટી હોટલોના મેનેજર અને અન્ય બુકીંગ એજન્ટો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.
સૌથી ચોંકાવનારી બાબત એ છે કે વર્ષ ૨૦૧૮માં તેના વિરૂદ્ધ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં રૂપિયા ૪૦ લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ હતી. જેમાં તેણે બ્લીચ ટુરિઝમ નામની કંપનીમાં બુંકીંગ એજન્ટ તરીકે કામ કરીને એર ટિકીટ, ,સિંગાપુર અને મલેશિયાના તેમજ યુરોપની પેકેજના નામે અનેક ગ્રાહકો પાસેથી ૪૦ લાખ જેટલી માતબર રકમ લઇને કંપનીમાં જમા કરાવી નહોતી. ત્યારબાદ તાજેતરમાં નોંધાયેલી ફરિયાદ મુજબ બ્લીચ ટુરિીઝમ કંપનીના પણ બુકીંગ આપીને ૩૧ લાખની છેતરપિંડી આચરી હતી. જેમાં બ્લીચ ટુરીઝમ કંપનીના સંચાલકો સામે ગુનો નોંધાયો છે. સુત્રોના જણાવ્યા મુજબ તાજેતરમાં નોંધાયેલી ફરિયાદ બાદ તેજસ શાહ વિરૂદ્ધ અન્ય ગુના પણ નોંધાઇ શકે છે.