એલ.જી.મેડીકલ કોલેજમાંથી સસ્પેન્ડ કરાયેલા ચાર ડોકટરને લાંબા સમય સુધી બચાવવા પ્રયાસ કરવામાં આવ્યો
સસ્પેન્ડ કરાયેલા તબીબો જશોદાનગરની ખાનગી હોસ્પિટલમાં ફ્રી સેવા આપવા જતા હોવાની ચર્ચા
અમદાવાદ,શનિવાર,25 મે,2024
અમદાવાદની મ્યુનિ.કોર્પોરેશન સંચાલિત એલ.જી.મેડીકલ
કોલેજમાંથી ચાર સિનિયર ડોકટરને કોલેજ કાઉન્સીલે ચાર જુનિયર ડોકટરનુ રેગીંગ કરવા
બદલ સસ્પેન્ડ કર્યા છે.સસ્પેન્ડ કરવામાં આવેલા ચાર સિનિયર ડોકટરને લાંબા સમય સુધી
તંત્ર તરફથી બચાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો.સસ્પેન્ડ કરાયેલા આ ચાર તબીબો
જશોદાનગર વિસ્તારની એક ખાનગી હોસ્પિટલમાં ફ્રી સેવા આપવા જતા હોવાની ચર્ચા પણ
મ્યુનિસિપલ કોર્પોરેશન વર્તુળોમાં ચાલી રહી છે.
એલ.જી.મેડીકલ કોલેજમાં રેગીંગની બનેલી ઘટના બાદ આ બાબતે
પ્રાપ્ત થતી માહિતી અનુસાર,
માસ્ટર ઓફ સર્જરી વિભાગના જે ચાર સિનિયર ડોકટરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા
છે.તે એલ.જી.હોસ્પિટલમાં જ ફરજ બજાવતા એક તબીબના કહેવાથી જશોદાનગર વિસ્તારમા આવેલી
એક ખાનગી હોસ્પિટલમાં ફ્રી સેવા આપવા જતા હોવાની ચર્ચા ચાલી રહી છે.આ કારણથી જ આ
તબીબો તેમના જુનિયર સાથે જે વર્તાવ કરતા હતા એ બાબતને આંખ આડા કાન કરવામાં આવતી
હતી.ઉપરાંત પહેલી વખત જયારે જુનિયર તબીબો દ્વારા રેગીંગને લઈ ફરિયાદ કરવામા આવી
હતી એ સમયે તેમને ચૂપ કરી દેવામા આવ્યા હતા.બાદમાં જયારે હેરાનગતિ અસહય બની એ સમયે
આ જુનિયર ડોકટરોએ તેમના વાલીઓને રેગીંગ થતુ હોવાની જાણ કરી હતી.વાલીઓએ પોતાના
સંતાનો સાથે કરવામા આવતા વ્યવહારની રજૂઆત કરતા તંત્ર પાસે કોઈ વિકલ્પ ના બચતા અંતે
સસ્પેન્શનની કાર્યવાહી કરવી પડી હતી.ઉચ્ચકક્ષાએથી ભોગ બનનારા વિદ્યાર્થીઓને
કહેવામા આવ્યુ છે કે,આ
બાબતમાં તમારે કોઈપણ જગ્યાએ ચર્ચા કરવી નહિં.જો તમે ચર્ચા કરશો તો તેને કારણે
મુશ્કેલી પડી શકે છે.જેથી આ વિદ્યાર્થીઓ હાલમાં કોલેજમાં પણ સાથે અભ્યાસ કરતા
વિદ્યાર્થીઓ સાથે વાત કરતા પણ ડરી રહયા છે.