કલોલમાં ખેલાયો ખૂની ખેલ: દીકરીના મોતની શંકા રાખી સસરાએ જમાઇનું ઢીમ ઢાળ્યુ
Kalol Crime News: કલોલમાં રહેતા બિલ્ડર રૂપાજી હીરાજી પ્રજાપતિએ તેના ફાર્મ હાઉસમાં તેના જમાઈ અને ભાઈને બોલાવ્યા હતા અને બંનેને દગાથી ઢોર માર મારવામાં આવ્યો હતો. દીકરીના મોત અંગે શંકા રાખીને બંને ભાઈઓ ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં જમાઈનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું અને તેના ભાઈને ગંભીર ઇજાઓ પહોંચી હોવાથી સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. બનાવ અંગે પોલીસે રૂપાજી હીરાજી પ્રજાપતિ અને તેના સાગરીતો સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
જાણો શું છે સમગ્ર મામલો
કલોલ શહેર પોલીસ મથકમાં હત્યાના બનાવ અંગે મૃતકના પિતા મોહન પ્રજાપતિએ રુપાજી પ્રજાપતિ સામે ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે. તેના દીકરા ભાવેશના લગ્ન રૂપાજીની દીકરી ઊર્મિલા સાથે થયા હતા અને બંને ઓસ્ટ્રેલિયામાં રહેતા હતા, ત્યારે ઓસ્ટ્રેલિયામાં રૂપાજીની દીકરીનું મોત નીપજ્યું હતું. ઓસ્ટ્રેલિયા મોકલવા માટે રૂપાજીએ તેમના દીકરા ભાવેશ અને ભાવેશના ભાઈ સતીશના નામે અમુક મિલકત વિકસાવેલી હતી. આ દરમિયાન ઓસ્ટ્રેલિયામાં રૂપાજીની દીકરી ઊર્મિલાનો મૃત્યુ થયું હતું.
આ પણ વાંચો: NEET સ્ટુડન્ટ્સ માટે ગૂડ ન્યૂઝ, ગુજરાતમાં 7 નવી મેડિકલ કોલેજ શરૂ થશે, 10 શરતોનું કરવું પડશે પાલન
રૂપાજી ઓસ્ટ્રેલિયા ગયા હતા અને અંતિમ ક્રિયા કરી હતી અને ત્યારબાદ ભાવેશ અને રૂપાજી બંને એક સાથે ભારતમાં આવી ગયા હતા. આ મિલકત રૂપાજીના નામે કરી આપવા માટે રૂપાજી ઘણાં ફોન કરતા હતા. જેથી મોહનભાઈ અને તેમના બંને દીકરા રૂપાજીની હિમાલયા હાઇટ્સ ખાતે આવેલ તેમની ઓફિસે ગયા હતા. જ્યાં રુપાજી અને જીમી બંને જણા આવ્યા હતા અને રૂપાજી બંને દીકરાઓને બેન્કમાં સહી કરવાનું કહીને લઈ ગયા હતા. એ પછીથી તેઓ તેના ફાર્મ હાઉસમાં લઈ ગયા હતા અને બંનેને ઢોર માર મારવામાં આવ્યો હતો.
'મેં મારી દીકરીની મોતનો બદલો લઈ લીધો'
અગાઉથી હાજર માણસોએ ભાવેશ અને સતીશ ઉપર લાકડીઓને ધોકા વડે હુમલો કર્યો હતો અને બંનેને હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં સતિષે સમગ્ર ઘટના તેના પિતાને જણાવી હતી. તેણે પિતાને જણાવ્યું હતું કે,રૂપાજીએ દગાથી આપણને અહીં બોલાવ્યા હતા. તેઓએ માર મારવા અંગેનું કારણ પૂછતા રૂપાજીએ કહેલ કે મારી દીકરી ઉર્મિલા ઓસ્ટ્રેલિયામાં મરી ગઇ નથી. પરંતુ તેને ભાવેશે મારી નાખેલ છે તેમ કહી અદાવત રાખી આ બંને જણા ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. તેમણે તેમના માણસ મનીષને કહ્યું હતું કે, 'તું ભાવેશને પકડી રાખ અને સુમા તું એને ધોકા માર તેવું કહી તેનો વીડિયો કોલ તેમની પત્નીને બતાવ્યો હતો અને આજે બરાબર બે મહિને મેં મારી દીકરીની મોતનો બદલો લઈ લીધો છે.
આ બંને ભાઈઓને બે કલાક સુધી માર મારવામાં આવતા ભાવેશ બેભાન થઈ ગયો હતો અને સતીશને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી તેમને પીકઅપ ડાલામાં નાખીને રૂપાજીના જ માણસો કલોલમાં આવેલા ખાનગી હોસ્પિટલમાં મૂકીને ફરાર થઈ ગયા હતા. તેમના પરિવારજનોને બનાવ અંગે જાણ થતા તેઓ હોસ્પિટલમાં પહોંચી ગયા હતા અને વધુ સારવાર અર્થે બંને દીકરાઓને કલોલની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ભાવેશનું ગંભીર ઇજાઓના પગલે મોત નીપજ્યું હતું તેમ જ સતીશને પણ શરીર પર ગંભીર ઇજાઓ પહોંચી હોવાથી તેને સારવાર માટે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા.
પરિવારજનોએ પેનલ ડોક્ટર દ્વારા પીએમ કરવાની માગણી કરતા પોલીસે લાશને પીએમ અર્થે અમદાવાદ ખસેડી હતી. બનાવ અંગે મોહનની ફરિયાદના આધારે પોતાના દીકરાની હત્યા કરનાર રૂપાજી હીરાજી પ્રજાપતિ, જીમી, સુમો, મનીષ, પીન્ટુ, જનક અને જીગો આ તમામ માણસો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.