Get The App

અહો આશ્ચર્યમ્: વસંત ઋતુમાં જ કેરી બજારમાં આવી ગઈ! જાણો કેટલો છે ભાવ

Updated: Feb 11th, 2025


Google NewsGoogle News
અહો આશ્ચર્યમ્: વસંત ઋતુમાં જ કેરી બજારમાં આવી ગઈ! જાણો કેટલો છે ભાવ 1 - image


Mango in Market : ફળોના રાજા 'કેરી'નો સ્વાદ માણવા માટે આમ તો ઉનાળા સુધી રાહ જોવી પડે છે. પરંતુ સામાન્ય રીતે હોળી પછી શહેરની બજારોમાં આવતી કેરી આ વર્ષે વસંત પંચમીથી જ લારીઓ પર ગોઠવાઈ જતા લોકો નવાઈ પામ્યા છે. બદામ, સુંદરી, તોતાપુરી, હાફૂસ વગેરે સહિત હાલ રોજની આશરે 500થી 1000 કિલો કેરી નરોડા ફ્રૂટ માર્કેટમાં વેચાણ માટે આવી રહી છે.

ક્લાઈમેટ ચેન્જની અસરના લીધે હવે શિયાળા પછી વસંત ઋતુ નહીં પણ સીધો ઉનાળો શરૂ થઈ જશે, તેવી હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. ત્યારે હકીકતમાં પણ આવી જ સ્થિતિ સર્જાતા તેની અસર વાયુ, જળ અને પાક પર જોવા મળી રહી છે. ગ્લોબલ વોર્મિંગના લીધે ઠંડી ઓછી અને ગરમી વધુ પડતા સામાન્ય રીતે હોળી આસપાસ આવતી કેરી આ વખતે વસંત પંચમીથી જ બજારમાં ગોઠવાઈ જતા લોકો આશ્ચર્યમાં મુકાયા છે. 

નરોડા ફ્રૂટ માર્કેટના વેપારીઓના જણાવ્યા અનુસાર, 'આ વર્ષે એકાદ મહિનો વહેલાં કેરી બજારમાં આવી ગઈ છે. હાલ, હાફૂસ, સુંદરી, બદામ, તોતાપુરી સહિત રોજની આશરે 500થી 1000 કિલો કેરી માર્કેટમાં ઠાલવાઈ રહી છે. જે કેરળથી મંગાવવામાં આવે છે. દક્ષિણ ભારતમાં અત્યારથી જ ઉનાળાની શરૂઆત થઈ ગઈ હોય કેરળમાં કેરીનો પાક તૈયાર થઈ ગયો છે. 

જ્યારે આગામી દિવસોમાં આંધ્ર પ્રદેશના વિજયવાડા, કર્ણાટકના બેંગલુરૂ, તમિલનાડુના ચેન્નઈ અને મહારાષ્ટ્રના રત્નાગિરીથી પુષ્કળ માત્રામાં કેરી આવશે. સૌરાષ્ટ્રની કેસર શિવરાત્રિ પછી આવશે, બાદ વલસાડ અને કચ્છની કેસર આવશે.  એપ્રિલ-મે મહિના દરમિયાન માર્કેટમાંથી રોજની આશરે 50 ટન કેરીનું વેચાણ થાય છે.' 

જ્યૂસ સેન્ટર અને લગ્નગાળાના લીધે કેટરિંગ સંચાલકો તરફથી કેરીની માંગ

 કેરીની ઋતુ હજી શરૂ થઈ હોય હાલ ઓછી આવકના લીધે જથ્થાબંધ ભાવ 150થી 500 રૂપિયે કિલો બોલાઈ રહ્યા છે. વધારે ભાવના લીધે છૂટક બજારમાં કેરીની માંડ દસેક ટકા ખરીદી શરૂ થઈ છે.  જો કે, દિવસે ગરમી શરૂ થઈ જતા જ્યૂસ સેન્ટર અને લગ્નગાળના લીધે કેટરિંગ સંચાલકો તરફથી અત્યારે કેરીની માંગ હોવાથી સારૂ વેચાણ થઈ રહ્યું છે.

કેરીનો પ્રકારહાફૂસ
હાફૂસ400-500
સુંદરી200-250
બદામ150-200
તોતાપુરી120-150
ગોલા100-130
(નોંધઃ કેરીના ભાવ જથ્થાબંધ બજારના છે)



Google NewsGoogle News