સ્માર્ટ મીટરનો વધુ એક વિવાદ, ના પાડવા છતાં વીજકર્મીઓ ન માન્યા, રહેવાસીએ ઝીંકી દીધો લાફો
Smart Meter Controversy : સ્માર્ટ મીટરને લઈને રાજ્યમાં વારંવાર હોબાળો થતો રહે છે. ત્યારે હાલ સુરેન્દ્રનગર જિલ્લામાં પણ સ્માર્ટ મીટરને લઈને વીજકર્મી અને સ્થાનિક વચ્ચે માથાકૂટ થયાનો વીડિયો સામે આવ્યો છે. જ્યાં રહેવાસીના ઘરે પહેલાંથી સોલાર સિસ્ટમ હોવા છતાં વીજકર્મીઓ દ્વારા પરાણે સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા હતા. વીજકર્મી સાથે વિવાદ છતાં મીટર લગાવવાના કારણે કંટાળીને સ્થાનિકે વીજકર્મીને લાફો મારી દીધો હતો.
કેમ વકર્યો વિવાદ?
સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારમાં આવેલી સંજીવની સોસાયટીમાં રહેવાસીના ઘરે વીજકર્મીઓ સ્માર્ટ મીટર લગાવવા માટે આવ્યા હતા. રહેવાસીના ઘરે પહેલાંથી સોલાર પેનલ અને એક સાદું મીટર છે. તેમ છતાં વીજકર્મીઓ દ્વારા સાદું મીટર કાઢીને તેની બદલે સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યું હતું.
આ પણ વાંચોઃ પાલનપુરની કચેરીઓ છાત્રો કરવા ગયા ભોજનની ગુણવત્તાની રજૂઆત અને પોલીસ ખવડાવી લાઠી
સોલાર હોવા છતાં સ્માર્ટ મીટર લગાવવા કેમ આવ્યા?
આ દરમિયાન રહેવાસીએ વીજકર્મીને પૂછ્યું કે, તમને ના પાડી છતાં સ્માર્ટ મીટર કેમ લગાવી રહ્યા છો? મારા ઘરે સોલાર છે તેમ છતાં સ્માર્ટ મીટર કેમ લગાવવા આવ્યા છો? ત્યારે વીજકર્મીએ જવાબ આપ્યો કે, 'રોટેશનલ વારો આવે છે, તમારો વારો આવ્યો ત્યારે તમારા ઘરે મીટર લગાવવા આવ્યા છીએ. આ સિવાય બીજી 100 જેટલી જગ્યાએ પણ મીટર લગાવ્યા ત્યાં કોઈ ફરિયાદ નથી.'
મનાઈ છતાં PGVCL ના વિજકર્મચારીઓ સ્માર્ટ મીટર નાખવા આવતા ગ્રાહકે લાફો મારી દીધો | Surendranagar#Gujarat #Surendranagar #PGVCL #SmartMeter #ElectricityEmployee #CustomerConflict #GScard #Gujaratsamachar pic.twitter.com/9Cgp08yvnP
— Gujarat Samachar (@gujratsamachar) September 25, 2024
વીજકર્મીને લાફો મારી દીધો
જ્યારે રહેવાસીએ પૂછ્યું કે, તો અમારે સોલારનું શું કરવાનું તેને ફેંકી દેવું? ત્યારે વીજકર્મીએ કોઈ સ્પષ્ટ જવાબ ન આપ્યો અને કહ્યું કે, તેને હાલ પૂરતું પેન્ડિંગ રાખવાનું. સમગ્ર વિવાદ છતાં મીટર લગાવવાની કામગીરી બંધ ન કરતાં રહેવાસીએ કંટાળીને વીજકર્મીને લાફો મારી દીધો હતો.
આ પણ વાંચોઃ સરકારી ઉ. માધ્યમિક શાળાઓમાં 1608 શિક્ષકોની ભરતી જાહેર, જાણો કેવી રીતે કરી શકાશે અરજી
PGVCL એ આપ્યો જવાબ
આ અંગે PGVCLના નાયબ ઇજનેર બાબુભાઈ પ્રજાપતિએ જણાવ્યું કે, જે લોકોના ઘરમાં સોલાર સિસ્ટમ માટે માંગણી કરવામાં આવે તેમના ત્યાં જ સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી ચાલી રહી છે. જે-તે ગ્રાહકને પૂછીને જ સ્માર્ટ મીટર લગાવવામાં આવે છે અને આ મકાનમાં પણ મહિલાને પૂછીને જ સ્માર્ટ મીટરની કામગીરી શરુ કરાઈ હતી, તેમ છતાં વ્યક્તિએ સ્ટાફ સાથે માથાકૂટ કરી.