અડધી રાત્રે પતરુ તોડીને આવી મુસીબત, સુરતના ઉધનામાં બનેલી આશ્ચર્યજનક ઘટનામાં ત્રણ લોકો ઘાયલ
Surat Udhana Incident : સુરતના ઉધનામાં એક પરિવાર પર અચાનક આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ. પરિવાર ઘરમાં સુતો હતો ત્યારે સિમેન્ટનું પતરુ તોડીને એક ગાય તેમના પર ખાબકી. શહેરના ઉધનામાં આશાપુરી બ્રિજ પાસેના સિમેન્ટના પતરાવાળા એક મકાનમાં આ ઘટના બની હતી. જેમાં બે બાળક સહિત ત્રણ ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાની જાણ પાડોશીને થતા ઈજાગ્રસ્તને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યા હતા.
પતરુ તોડીને આવી મુસીબત
સિમેન્ટના પતરાવાળી આ આરોડીમાં રહેતો મૂળ બિહારનો યુવક મજૂરી કરીને પરિવારનું ગુજરાત ચલાવે છે. ગઈ કાલે શુક્રવારની રાત્રે 2 વાગ્યે યુવક તેની પત્ની અને ત્રણ બાળકો સાથે ઘરમાં સૂઈ રહ્યા હતા, ત્યારે અચાનક એક ગાય પતરુ તોડીને તેમના પર પડી હતી. અચાનક બનેલી ઘટનાથી પરિવાર ડઘાઈ ગયો અને બાળકો રડવા લાગ્યા હતા. ગાય ઘરના પાછળના ભાગેથી પતરા પર ચઢી હોવાની માહિતી મળી છે.
આ પણ વાંચો : નવરાત્રી પહેલા ગુજરાતમાં ફરી થશે વાતાવરણ પલટો: આ વિસ્તારોમાં ચાર દિવસ વરસાદની આગાહી
બે બાળકો પણ થયા ઈજાગ્રસ્ત
ઘટનાને લઈને અવાજ થતા પાડોશી જાગી ગયા હતા અને પછી 108માં જાણ કરીને ઈજાગ્રસ્ત યુવક સહિત તેના બે બાળકોને તાત્કાલિક હોસ્પિટલ ખેસડવામાં આવ્યાં હતા. આશ્ચર્ય પમાડે તેવી આ ઘટનામાં યુવકના પગે ફેક્ચર થયું છે. જ્યારે બાળકોને સામાન્ય ઈજા પહોંચી છે.