'દિવાળીના દિવસે બોડી લઈને નહીં આવવાનું...' સુરત સ્મશાન ગૃહનો વિવાદ વકરતાં મેનેજરે માંગી માફી
Surat News: સુરતમાં દિવાળીના દિવસે સ્મશાનમાં મૃતદેહને અગ્નિદાહ આપવાની બાબતે વિવાદ સામે આવ્યો હતો. જેમાં સુરતના અશ્વિની કુમાર સ્મશાનના એક કર્મચારીએ મૃતદેહને અગ્નિદાહ આપવાની ના પાડી દીધી હતી. કર્મચારીનું કહેવું હતું કે, દિવાળીના દિવસે મહેમાનો આવે ત્યારે તમે બોડી લઈને આવી ગયાં. જેનો સ્થાનિક દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. હાલ આ વિવાદને લઈને મેનેજરે માફી માંગી છે.
શું હતી સમગ્ર ઘટના?
દિવાળીના દિવસે સુરતમાં એક મહિલાનું મૃત્યુ થઈ ગયું હતું. જેથી, પરિવારજનો મહિલાના મૃતદેહને સ્મશાનગૃહમાં અગ્નિદાહ માટે પહોંચ્યા હતાં. જ્યાં પરિવારજનોને એક કલાક સુધી રાહ જોવી પડી હતી. તેમ છતાં અગ્નિદાહ માટેની કોઈ વ્યવસ્થા ન થતાં પરિવારે ત્યાં હાજર કર્મચારી સાથે વાત કરી તો કર્મચારીએ તોછડાઈભર્યું વર્તન કર્યું હતું. કર્મચારીએ પરિવારના સભ્યને કહ્યું કે, આજે દિવાળીનો દિવસ છે કોઈ માણસ જ નથી. દિવાળીના દિવસે ઉતાવળ નહીં કરવાની. બપોરના લોકો લાઇનમાં ઉભા છે, એ લોકો સાથે જ તમને પણ આવવાનું મન થાય તો હું શું કરૂં? દિવાળીના બીજા દિવસે અવાય ને.
આ પણ વાંચોઃ અપહરણ કર્યું, ઓળખ છુપાવવા વાળ કાપ્યા, ચાર દિવસે રાજકોટથી મળી સુરેન્દ્રનગરની બાળકી
જ્યારે પરિવારના સભ્યએ દલિલ કરી કે, યમરાજ થોડી અમને કહીને આવ્યા. જીવ જ્યારે ગયો ત્યારે અમે વિધિ કરીને આવીએ. ત્યારે કર્મચારીએ કહ્યું કે, યમરાજ સાથે મારે શું લેવાદેવા? દિવાળીના દિવસે બધા મહેમાનોના આવવાનો સમય હોય ત્યારે તમે આવો છો અને થોડા આઘા-પાછા પણ નથી થતાં. આખી માથાકૂટ બાદ પણ પરિવારજનોએ મૃતદેહ સાથે બીજો કલાકથી વધુ સમય રાહ જોવી પડી હતી. ત્યારબાદ તેમના અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યાં.
મેજેનરે માગી માફી
સમગ્ર વિવાદનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયા બાદ હવે મેનેજરની પ્રતિક્રિયા સામે આવી છે. મેનેજરે સમગ્ર વિવાદને લઈને માફી માંગી છે. મેનેજરે કહ્યું કે, જે પણ બનાવ બન્યો તે દુઃખદ હતો. આ યોગ્ય નહતું અને બીજી વખત આવું નહીં થાય. કાકાની ઉંમર 75 વર્ષ થઈ ગઈ છે. જે પણ દુઃખદ ઘટના બની તે બદલ અમે માફી માંગીએ છીએ અને હવે આ વિવાદને અહીં પતાવી દઈએ, બીજી વખત આવું નહીં બને. કર્મચારી કાકાની ઉંમર થઈ ગઈ છે અને મજબૂરીમાં કામ કરે છે. આ સિવાય શિફ્ટ બદલાઈ રહી હતી, ત્યારે કાકા થોડા વધારે કામમાં હતાં અને વ્યક્તિ વારંવાર સવાલ કરતાં કર્મચારી ગુસ્સે થયાં હતાં. તેમ છતાં ફરી આવી ઘટના નહીં બને તેવી બાંહેધરી આપીએ છીએ.
આ પણ વાંચોઃ દુર્ઘટનાની દિવાળી: ગુજરાતમાં 24 કલાકમાં આગ લાગવાની અનેક ઘટના, ફાયર વિભાગમાં દોડધામ
મેયરની પ્રતિક્રિયા સામે આવી
આ વિશે મેયર દક્ષેશ માવાણીએ કહ્યું કે, અમે તપાસ કરાવી છે અને આ પ્રાઇવેટ ટ્રસ્ટનું સ્મશાન ગૃહ છે. મેં ટ્રસ્ટી સાથે વાત કરી છે અને આવી ઘટના બીજીવાર ન બને તે વિશે કાળજી રાખવા માટે સૂચના આપવામાં આવી છે.
ધારાસભ્ય કુમાર કાનાણીએ વ્યક્ત કર્યું દુઃખ
ધારાસભ્ય કુમાર કાનાણી કહ્યું કે, અમને આ વાત જાણવા મળી તે ખૂબ જ દુઃખદ ઘટના છે. ત્યાં સ્ટાફની વ્યવસ્થા કરવી જોઈએ અને નારાયણ ટ્રસ્ટે આ વિશે જવાબદારી લેવી જોઈએ. ઉંમર થઈ ગઈ હોય તો પણ જવાબ વ્યવસ્થિત મળવો જોઈએ. અને જો મોટી ઉંમરના વ્યવસ્થા ન થતી હોય તો નાની ઉંમરના સ્ટાફને રાખવા જોઈએ.