સુરતીલાલા પાસે સચવાયેલા ગાંધીજીના હસ્તલિખિત પત્રો, બાર વર્ષ પહેલાં એક વ્યક્તિ પાસેથી મળ્યા હતા
Gandhi Jayanti: અહિંસાનું સૂત્ર આપનાર અને ભારત દેશના આઝાદીના લડવૈયા એવા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની બીજી ઓક્ટોબરે જન્મજયંતી ઉજવવામાં આવે છે. ત્યારે સુરતમાં રહેતાં અને જૂના ચલણી સિક્કાઓ તેમજ અન્ય વસ્તુઓના સંગ્રહનો શોખ ધરાવતા સિદ્દીકભાઈ વડગામા પાસે આજે પણ ગાંધીજીના હસ્તલિખિત પત્રો છે.
પરિવારને ઉદ્દેશીને લખેલો પત્ર
અહિંસાનો માર્ગ અપનાવીને ગાંધીજીએ દેશને આઝાદી અપાવી હતી. આ આઝાદીના લડવૈયાને આજે પણ લોકો ગાંધી જન્મ જયંતી નિમિત્તે યાદ કરે છે. સુરતના મોરાભાગળ ખાતે રહેતા સિદ્દીકભાઈ વડગામાને જૂની વસ્તુઓ ચલણી સિક્કાઓ સંગ્રહ કરવાનો શોખ છે. આ સાથે જ ગાંધીજી તેમના આદર્શ હતાં તેથી ગાંધીજીને લગતા ઘણાં બધાં પુસ્તકો, ગાંધીજીના ફોટોગ્રાફ્સ જેવી અનેક વસ્તુઓ તેઓએ સંગ્રહ કરીને રાખી છે. આ વસ્તુઓ ભેગી કરતાં ત્યારે તેમને એક વ્યક્તિ પાસેથી ગાંધીજીના હાથે લખાયેલા પત્રો મળ્યા હતાં. જેમાંથી એક પત્ર ગાંધીજીએ પોતાના પરિવારને ઉદ્દેશીને લખેલો છે.
આ પણ વાંચોઃ ગાંધીજીના આશ્રમજીવનનો અનુભવ લેવામાં નીરસતાઃ ગાંધી જીવન કાર્યક્રમ બંધ
12 વર્ષ પહેલાં મળ્યા હતાં આ પત્રો
આ પત્રોમાંનો એક ગુજરાતીમાં અને એક અંગ્રેજી અને એક હિન્દીમાં લખાયેલો છે. જે 1946માં લખાયેલા પત્રો છે. આ અંગે સિદ્દીકભાઈએ કહ્યું કે, 'હું જૂની વસ્તુઓ લેવા માટે ગુજરાત સહિત અનેક શહેરોમાં પણ ફર્યો છું, તે વખતે મને 12 વર્ષ પહેલા આ પત્રો એક ભાઈ પાસેથી મળ્યા હતાં. મને જૂની વસ્તુઓનું સારૂ જ્ઞાન છે, એટલે મને સહી પરથી ખબર પડી ગઈ કે, આ ગાંધીજીએ જ લખેલા પત્ર છે. તેથી, મેં તેને સાચવી રાખ્યા છે. કારણ કે, આ મારા માટે એક અમૂલ્ય વસ્તુ છે. આ સાથે જ દાંડીયાત્રા વખતના ફોટા અને મીઠાનો જે સત્યાગ્રહ કર્યો હતો તે ફોટોગ્રાફનું કલેક્શન પણ મારી પાસે છે.'