સુરતની સચિન GIDCમાં કેમિકલ ફેક્ટરીમાં આગ, સ્ટોરેજ ટેન્કમાં થયો હતો વિસ્ફોટ, 24 કર્મચારી દાઝ્યાં
કેમિકલ બનાવતી કંપની એથર ઈન્ડસ્ટ્રીઝમાં ભયંકર આગ લાગી ગઈ હતી
આ ઘટનામાં લગભગ 24 જેટલાં કર્મચારીઓ દાઝી ગયાની માહિતી મળી રહી છે
સુરતના સચિન GIDC વિસ્તારમાં આવેલી કેમિકલ બનાવતી એથર ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીમાં મોડી રાત્રે 2 વાગ્યે ભયંકર આગ લાગી ગઈ હતી. સ્ટોરેજ ટેન્કમાં લિકેઝ બાદ આગ લાગતાં જ બ્લાસ્ટ થયો હતો. જેથી આસપાસમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં 10થી વધુ ફાયરબ્રિગેડની ગાડીઓએ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવા પ્રયાસ આદર્યા હતાં. જેમાં 7 કલાકના અંતે આગ પર કાબુ મેળવાયો હતો. આગ પર કાબુ મેળવાયા બાદ પણ બે ગાડીઓ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.
24 કામદારો દાઝયા
પ્રાપ્ત વિગતો મુજબ વહેલી સવારના 2 વાગ્યાની આસપાસ સચિનની એથર ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીમાં ભીષણ આગ લાગી હતી. જેના પગલે 7 કલાકથી સતત પાણીનો મારો કરાયા બાદ આગને કાબુમાં લેવામાં આવી હતી. આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઇ હોવાનું સામે આવ્યું નથી. નાની મોટી રીતે દાઝેલા 24 કામદારો પૈકી 3ની હાલત ગંભીર હોવાથી તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જેનું નામ ચિતરંજન અર્જુન યાદવ (ઉ.વ.19) છે.જ્યારે અન્યને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
મોડી રાતે 2 વાગ્યે બની ઘટના
ફાયર ઓફિસર ઓમપ્રકાશ મિશ્રાએ જણાવ્યું હતું કે, ઘટના લગભગ મોડી રાતે 2 વાગ્યાની હોવાનું કહી શકાય છે. કોલ મળતા જ માન દરવાજા, મજુરા, ભેસ્તાન સહિતના ઘણા વિસ્તારની ફાયર ફાઇટર ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. આગ બેકાબુ બની ભડ ભડ બહાર નીકળી રહી હતી. કેમિકલ કંપનીને કારણે આગ ઉગ્ર બની રહી હતી. જેથી પાણીનો મારો સતત ચલાવતા ચલાવતા ફાયર ફાઇટરોએ કંપનીની અંદર પ્રવેશ કર્યો હતો. તેમજ તમામ મજૂરોને બહાર કાઢવામાં સફળ રહ્યા હતા. આગ લગભગ 500 મીટરના વિસ્તારમાં પસરી ગઈ હતી. કેમિકલ ટેન્કમાં બ્લાસ્ટ થયા બાદ આગ લાગી હોવાનું સામે આવ્યું હતું. જોરદાર ધડાકા બાદ કામદારોમાં ભાગદોડ મચી ગઇ હતી. ઘટના સુરત શહેરની બહાર બની હોવાથી પ્રથમ સચિન GIDC ફાયર સ્ટેશનને કોલ મળ્યો હતો. જોકે આગ કાબુમાં ન આવતા મેજર કોલ બન્યો હતો જેના પગલે સુરત ફાયરની મદદ માગવામાં આવી હતી.
7 કલાક સુધી ભીષણ આગ પર પાણીનો મારો ચાલ્યા બાદ આગ કાબૂમાં આવી
લગભગ 7 કલાક સુધી ભીષણ આગ પર પાણીનો મારો ચલાવતા આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી. તપાસમાં કેટલાક કારીગરો દાઝી ગયા હોવાનું પણ સામે આવ્યું હતું. એક કારીગરને સારવાર માટે સિવિલ ખસેડાયો હતો. જેનું નામ ચિતરંજન યાદવ હોવાનું જાણવા મળ્યું છે. આખરે 7 કલાકની જહેમત આગ કાબુમાં આવી અને હવે કુલિંગ કામ શરૂ કરાયું છે. હાલ પરિસ્થિતિ કંટ્રોલમાં આવી ગઈ હોવાનું કહી શકાય છે.ફાયર સેફટીના અભાવને કારણે આગ ઉગ્ર બની હોવાનું અને 500 મીટરના એરિયામાં પસરી હોવાનું કહી શકાય છે.
આગ લાગવાનું કારણ શું?
પ્રાથમિક તપાસમાં સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલી એથર ઈન્ડસ્ટ્રીઝ કંપનીમાં આવેલા કેમિકલ પ્લાન્ટના સ્ટોરેજ ટેન્કમાં પ્રચંડ વિસ્ફોટ થવાને કારણે આગ ફાટી નીકળી હોવાની જાણકારી અપાઇ છે.