For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સુરતમાં હાઈવોલ્ટેજ ડ્રામાનો આવ્યો અંત : મુકેશ દલાલની જીતને કોંગ્રેસે ગણાવી 'મેચ ફિક્સિંગ', જાણો આખો ઘટનાક્રમ

Updated: Apr 22nd, 2024

સુરતમાં હાઈવોલ્ટેજ ડ્રામાનો આવ્યો અંત : મુકેશ દલાલની જીતને કોંગ્રેસે ગણાવી 'મેચ ફિક્સિંગ', જાણો આખો ઘટનાક્રમ

Lok Sabha Elections 2024 : ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન થાય તે પહેલા જ ભાજપના એક ઉમેદવારની જીત થઈ છે અને કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. ગઈકાલે સુરત લોકસભા બેઠક પરના ઉમેદવાર નિલેશ કુંભાણી અને તેમના ડમી ઉમેદવાર સુરેશ પડસાળાનું ફોર્મ રદ કરાયું હતું. ત્યારબાદ આજે અપક્ષ અને અન્ય પક્ષના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ વિજેતા થયા છે. આમ, ઈતિહાસમાં પહેલીવાર સુરત લોકસભા બેઠક પર ચૂંટણી નહીં કરવામાં આવે. તો ગુજરાતમાં હવે 25 બેઠકો પર જ ચૂંટણી યોજાશે. ત્યારે જાણો આ બેઠક પર થયેલા હાઈવોલ્ટેજ ડ્રામાની તમામ માહિતી...

સુરત બેઠક પર 11 ઉમેદવારોએ ભર્યા હતા ફોર્મ

સુરત બેઠક પર ભાજપના મુકેશ દલાલ, કોંગ્રેસના નિલેશ કુંભાણી, બસપાના પ્યારેલાલ ભારતી, સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીથી અબ્દુલ હામિદ ખાન, ગ્લોબલ રિપબ્લિક પાર્ટીથી જયેશ મેવાડા, લોગ પાર્ટીથી સોહેલ ખાનને ઉમેદવારી નોંધાવી હતી. આ સિવાય અજીત સિંહ ઉમટ, કિશોર ડાયાણી, બારૈયા રમેશભાઈ અને ભરત પ્રજાપતિ અપક્ષમાંથી ચૂંટણી મેદાનમાં હતા. આ સિવાય કોંગ્રેસના ડમી ઉમેદવાર સુરેશ પડસાળાએ પણ ઉમેદવારી કરી હતી, પરંતુ નિલેશ કુંભાણીની સાથે સુરેશ પડસાળાનું પણ ફોર્મ રદ કરી દેવાયું હતું.

સુરત બેઠક પર થયેલા હાઈવોલ્ટેજ ડ્રામાનો ઘટનાક્રમ

19 એપ્રિલ ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો.

- સુરત બેઠક પર ભાજપના મુકેશ દલાલ, કોંગ્રેસના નિલેશ કુંભાણી સહિત કુલ 11 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા

20 એપ્રિલે ચૂંટણી વિભાગ દ્વારા ઉમેદવારી પત્રની ચકાસણી કરાઈ

- ભાજપના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીએ નિલેશ કુંભાણીના ટેકેદારોની સહીને લઈને વાંધો ઉઠાવ્યો કે 'ટેકેદારોની સહી ખોટી છે.' 

- ત્યારબાદ નિલેશ કુંભાણીના ટેકેદારોએ ચૂંટણી સમક્ષ હાજર થઈને પોતાની સહી ખોટી હોવાનું સોગંદનામું કર્યું.

- આ સોંગદનામું કર્યા બાદ તમામ ટેકેદારો સંપર્ક વિહોણા થઈ ગયા.

- ચૂંટણી અધિકારીએ નિલેશ કુંભાણીને ફોર્મ રદ કરવું કે નહીં તે અંગે શો-કોઝ નોટિસ પાઠવી.

- નિલેશ કુંભાણી અને તેના વકીલ ચૂંટણી અધિકારી સમક્ષ હાજર થયા.

- કોંગ્રેસે જવાબ માટે વધુ એક દિવસનો સમય માંગ્યો.

21 એપ્રિલના રોજ ચૂંટણી અધિકારીએ સુનાવણી કરી

- નીલેશ કુંભાણીએ ચૂંટણી અધિકારી સમક્ષ વાંધા અરજી કરી ટેકેદારોની ઉલટ તપાસ કરવા માગણી કરી.

- સુનાવણી દરમિયાન દલીલ કરતા ભાજપના મુકેશ દલાલે 2002નો સુપ્રીમનો ચુકાદો રજૂ કર્યો.

- 2002ના શાલિગ્રામ શ્રીવાસ્તવ વિરુદ્ધ નરેશસિંગ પટેલના કેસમાં ચુકાદો આપતા સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, રિટર્નિંગ ઓફિસરને કોઈપણ વાંધા અરજીમાં ક્રોસ એક્ઝામિનેશન કરવાના પાવર નથી. આ સત્તા કોર્ટ પાસે છે.

- નીલેશ કુંભાણીના કેસમાં પણ રિટર્નિંગ ઓફિસરે પ્રાઇમરી પૂછપરછ કરી હતી અને કુંભાણીને એક દિવસનો સમય આપ્યો હતો.

- સુનાવણીમાં ચારેય ટેકેદારો હાજર ન થતા સુરત જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારીએ નિલેશ કુંભાણીનું ફોર્મ રદ.

- આ સાથે નિલેશ કુંભાણીના ડમી ઉમેદવાર સુરેશ પડસાળા ફોર્મ પણ રદ કરાયું.

22 એપ્રિલ ઉમેદવારી પરત ખેંચવાનો છેલ્લો દિવસ

- આજે બપોરે 2 વાગ્યા સુધીમાં અપક્ષ સહિતના પક્ષોના 8 ઉમેદવારો પૈકી 7 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યું.

- બાદમાં બસપાના ઉમેદવાર પ્યારેલાલ ભારતી ગાયબ થઈ ગયા.

- બસપા પ્રમુખ સતિષ સોનવણેએ પ્યારેલાલને પોલીસ પ્રોટેક્શન આપવા માટે ચૂંટણી પંચ અને પોલીસ કમિશનરને પત્ર લખ્યો.

- અચાનક કલેક્ટર કચેરીએ પ્યારેલાલ ભારતી હાજર થયા અને ફોર્મ પરત ખેંચી લીધું.

- સુરત બેઠક પર ભાજપ સિવાયના તમામ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા, એકનું રદ થયું.

- સુરત લોકસભા બેઠક પર ભાજપની જીત થઈ, ઉમેદવાર મુકેશ દલાલને બિનહરીફ જાહેર કરાયા.

- ચૂંટણી પંચ દ્વારા મુકેશ દલાલને વિજેતા જાહેર કરાયા અને સાંસદનું સર્ટિફિકેટ આપ્યું.

- કોંગ્રેસ દ્વારા હાઈકોર્ટ અને ન્યાય ન મળે તો સુપ્રીમ કોર્ટમાં જવાની કરાઈ તૈયારી.

ભાજપે પાર પાડ્યું 'ઓપરેશન સુરત'

બે દિવસથી સુરતમાં હાઈવોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો હતો. ભાજપ-કોંગ્રેસના રાજકીય વિવાદમાં રવિવારે કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું હતું. ત્યારબાદ અપક્ષ અને અન્ય પાર્ટીના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા હતા. ત્યારે સુરતમાં ભાજપ તરફી માહોલ છતા ભાજપે સુરતમાં ઓપરેશન કરવું પડ્યું હતું. જો ભાજપ સામેના તમામ ઉમેદવાર ચૂંટણી લડે તો તેઓ 20 હજાર આસપાસ મત મેળવી શકે તેમ હતા. તો વિપક્ષ દ્વારા ભાજપ પર વિવિધ હથકંડા અપનાવીને જીત મેળવ્યાનો આરોપ લગાવાય રહ્યો છે. સામ, દામ, દંડની નીતિથી ભાજપે સુરતની બેઠક પર કબજો કર્યો હોવાના પણ આક્ષેપ કર્યા છે.

સુરતમાં કોંગ્રેસ 73 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર ચૂંટણી લડી શકશે નહીં

સુરત લોકસભાની ચૂંટણીના 73 વર્ષના વર્ષના ઈતિહાસમાં આ વર્ષે 18મી વખત યોજાનારી ચૂંટણી મતદારો, રાજકીય પક્ષો માટે હંમેશા એટલા માટે યાદ રહેશે કેમ કે 73 વર્ષમાં મુખ્ય પક્ષ કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ ચૂંટણી અધિકારીએ રદ કર્યું છે. આ દિવસ કોગ્રેસ માટે કાળો દિવસ ગણાશે તેવો કાર્યકરોમાં ગણગણાટ થઈ રહ્યો છે. વર્ષ 1951થી ચૂંટણી યોજાઈ રહી છે અને 2019 સુધી 17 વખત ચૂંટણી યોજાઈ તેમાં કોગ્રેસના ઉમેદવારો ચૂંટણી લડ્યા હતા. પરંતુ 1951 પછી પ્રથમ વખત એવુ બનશે કે કોંગ્રેસનો ઉમેદવાર ચૂંટણી લડી શકશે નહીં.

ચારેય ટેકેદારોએ એક જ જગ્યાએ કરાવ્યું સોગંદનામું : કોંગ્રેસના વકીલ

નિલેશ કુંભાણીના ફોર્મ અંગે કોંગ્રેસના વકીલ બાબુ માંગુકિયાએ કહ્યું હતું કે, 'અમારા સોગંદનામાને કોઈએ તપાસ્યું જ નથી તો લોકોને ખબર કઈ રીતે પડી કે આ અમારા ટેકેદાર છે?  ધારો કે અમારા ચાર ટેકેદારો છે એને ખબર પડે તો ચારેયનો સ્ટેમ્પ પેપર એક જ જગ્યાએ એક જ સિરિયલ નંબરમાં એક જ વ્યક્તિ કરી દે છે. એક જ નોટરી સમક્ષ ચારેય ચાર સોગંદનામાં થયાં છે. એક જ પ્રિન્ટર ઉપર આ ચારેય ચાર એક પ્રકારના લખાણમાં નામ ચેન્જ સિવાયના તમામ કમ્પ્યુટર કોપી છે. આ બતાવે છે કે આ એક સ્પોન્સર્ડ ગેમ છે, કાવતરું છે. ચારેય ટેકેદારોએ એક જ નોટરી પાસે સોગંદનામું કરાવ્યું હતું.' જણાવી દઈએ કે, નોટરી કરનારા વકીલ ભાજપના નેતા પણ છે, તેવું ચર્ચાઈ રહ્યું છે. 

કોંગ્રેસે ગણાવી મેચ ફિક્સિંગ

કોંગ્રેસ નેતા જયરામ રમેશે આને મેચ ફિક્સિંગ ગણાવી છે. તેમણે 'X' પર લખ્યું કે, લોકશાહી ખતરામાં છે. તમે ઘટનાક્રમ સમજો. સુરત જિલ્લા ચૂંટણી અધિકારીએ સુરત લોકસભા માટે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીની ઉમેદવારી ત્રણ ટેકેદારોની સહીમાં વિસંગતતાઓને લઈને રદ કરી દીધી. સમાન આધાર પર અધિકારીઓએ સુરતથી કોંગ્રેસના ડમી ઉમેદવાર સુરેશ પડસાળાની ઉમેદવારી રદ કરી દીધી. કોંગ્રેસ પાર્ટી ઉમેદવાર વગરની થઈ ગઈ. ભાજપ ઉમેદવાર મુકેશ દલાલ સિવાયના તમામ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી. 7 મે 2024ના રોજ મતદાનના લગભગ 2 અઠવાડિયા પહેલા 22 એપ્રિલ 2024ના રોજ સુરત લોકસભા બેઠકથી ભાજપ ઉમેદવારને બિનહરીફ વિજેતા જાહેર કરી દેવાયો. MSME માલિકો અને ધંધાર્થીઓના સંકટ અને ગુસ્સાએ ભાજપે એટલી ખરાબ રીતે ડરાવી દીધું છે કે સુરત લોકસભાને મેચ ફિક્સ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેને તેઓ 1984ની લોકસભા ચૂંટણી બાદથી સતત જીતતા આવ્યા છે. આપણી ચૂંટણી, આપણી લોકશાહી, બાબાસાહેબ આંબેડકરનું બંધારણ - તમામ ખતરામાં છે. આ આપણા જીવનની સૌથી મહત્ત્વપૂર્ણ ચૂંટણી છે.

આ બંધારણ ખતમ કરવા તરફનું વધુ એક પગલું છે : રાહુલ ગાંધી

તો સુરતમાં ભાજપની બિનહરીફ જીત થવા અંગે રાહુલ ગાંધીએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે 'X' પર લખ્યું કે, 'તાનાશાહની અસલી 'સૂરત' ફરી એકવાર દેશની સામે છે. જનતા પાસેથી પોતાના નેતા ચૂંટવાનો અધિકારી છીનવી લેવો બાબા સાહેબ આંબેડકરનું બંધારણ ખતમ કરવા તરફ વધારેલું વધુ એક પગલું છે. હું ફરી એકવાર કહી રહ્યો છું કે, આ માત્ર સરકાર બનાવવાની ચૂંટણી નથી, આ દેશને બચાવવા માટેની ચૂંટણી છે, બંધારણની રક્ષાની ચૂંટણી છે.'

ભાજપ પારદર્શક ચૂંટણીથી ભાગી રહ્યું છે : કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી

સુરતની ઘટના પર કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે કહ્યું કે, 'ચૂંટણી પંચ મૌન ધારણ કરીને આંખ આડા કાન કરી રહ્યા છે તે દુઃખની બાબત છે. ચૂંટણી પંચના નિયમ પ્રમાણે ચૂંટણી પંચના સ્થાનિક ઓફિસરે ફોર્મ માટે ઉમેદવારને 24 કલાકનો સમય આપવો જોઈએ. પરંતુ અમારા ઉમેદવારોને માત્ર બે કલાકનો સમય આપ્યો હતો. ચૂંટણી પંચના કાયદા જોગવાઈ મુજબ, ઓછામાં ઓછો 24 કલાકનો સમય આપવો જોઈએ. જેને લઈને તાત્કાલિક અમારે ચૂંટણી પંચમાં જવું પડ્યું. ચૂંટણી પંચના અધિકારીઓ અમારી વાત સાંભળવા તૈયાર ન હતા. છેલ્લે સુધી ફોર્મ રદ કરવા માટે તમામ કારનામા થયા હતા પરંતુ ભાવનગરમાં સફળતા ન મળી. ભાજપે 14 જેટલા ફોર્મમાં જુદા જુદા વાંધા અરજી આપી હતી. ભાજપ પારદર્શક ચૂંટણીથી ભાગી રહ્યું છે. એવા સંજોગોમાં ભાજપે સીધી રીતે ચૂંટણી ન થાય તે માટે હથકંડા અપનાવ્યા. સુરતમાં અપક્ષના ઉમેદવારો પાસે ફોર્મ પરત ખેંચાવી લીધા. શક્તિસિંહે પણ સ્પષ્ટ કહ્યું છે કે ગુજરાત હાઈકોર્ટ અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટ સુધી અમે લડવાના છીએ. થોડો વિલંબ થશે પણ ન્યાય જરૂર મળશે અને સત્ય સામે આવશે.'

Gujarat