Get The App

બે કરોડની કિંમતનો પેરાસીટામોલ પાવડરનો જથ્થો મંગાવીને નાણાં ન આપ્યા

સુરતના બે વેપારીઓ વિરૂદ્ધ ક્રાઇમબ્રાંચમાં ફરિયાદ

આરોપીઓએ અમદાવાદ સહિત ભારતના અનેક વેપારીઓ સાથે કરોડોનો માલ બારોબાર વેચી છેતરપિંડી કર્યાનું ખુલ્યું

Updated: Oct 27th, 2024


Google NewsGoogle News
બે કરોડની કિંમતનો પેરાસીટામોલ પાવડરનો જથ્થો મંગાવીને નાણાં ન આપ્યા 1 - image

અમદાવાદ,શનિવાર

સુરતના અડાજણમાં ફાર્મા મટિરીયલ સપ્લાયર્સની કંપની ધરાવતા બે વેપારીઓ દ્વારા અમદાવાદની એક કંપનીમાંથી રૂપિયા બે કરોડની કિંમતનો પેરાસીટામોલનો પાવડર મંગાવીને નાણાં નહી ચુકવીને છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ અમદાવાદ ક્રાઇમબ્રાંચની આર્થિક ગુના નિવારણ શાખામાં નોંધવામાં આવી છે. આરોપીઓએ માત્ર અમદાવાદ જ નહી પણ ભારતના અન્ય શહેરોમાંથી ફાર્મા કંપનીમાં ઉપયોગી જવાના પાવડરનો જથ્થો મંગાવીને કરોડો રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. શીલજ કલ્હાર બંગ્લોઝમાં રહેતા નિતીનભાઇ શાહે ક્રાઇમબ્રાંચની આર્થિક ગુના નિવારણ શાખામાં નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે તેમની કંપની દ્વારા પેરાસીટામોલ પાવડરનું ઉત્પાદન કરીને અલગ અલગ કંપનીઓમાં સપ્લાય કરવામાં આવે છે.

દોઢ વર્ષ પહેલા તેમનો પરિચય વિકાસ શર્મા અને  બબલુ પાઠક નામના વ્યક્તિ સાથે થયો હતો. જે સુરતના અડાજણમાં મધુવન સર્કલ પાસે આવેલા વિવાન્તા આઇકોનમાં પ્રીઝમ અલાયન્સ નામની કંપની ધરાવતા હતા. તેમને મોટા પ્રમાણમાં પેરાસીટામોલ પાવડરની જરૂર હોવાનું કહી નિતીનભાઇને વિશ્વાસમાં  લઇને અલગ અલગ સમયે રૂપિયા બે કરોડની કિંમતનો ૪૦ ટન જેટલા પેરાસીટામોલ પાવડરનો જથ્થો મગાવ્યો હતો. જેની ચુકવણી ૯૦ દિવસમાં કરવાની હતી. જેની સામે તેમણે ચેક આપ્યા હતા. જે રિટર્ન થયા હતા. ત્યારબાદ પણ અલગ અલગ બહાના બતાવવામાં આવતા હોવાથી આ અંગે વિકાસ શર્મા અને બબલુ પાઠક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે બંને આરોપીઓએ આ મોડ્સ ઓપરેન્ડીથી અમદાવાદ તેમજ દેશના અન્ય શહેરોમાં પણ  કરોડો રૂપિયાનો મુદ્દામાલ મંગાવીને છેતરપિંડી આચરી હતી.




Google NewsGoogle News