ગુજરાતમાં હાલ દિવસની બે સિગારેટ પીવા જેટલું પ્રદૂષણ, સુરતની હવા સૌથી પ્રદૂષિત
Air Quality Index Gujarat: શિયાળાની સાથે જ દિલ્હીની હવા ઝેરી બનવા લાગી છે અને એર ક્વોલિટી ઇન્ડેક્સ સતત 400ને પાર થઈ ગયો છે. ગુજરાતમાં પણ ધીરે-ધીરે પ્રદૂષણનું પ્રમાણ વધવા લાગ્યું છે. 19 નવેમ્બરના સુરતમાં સૌથી વઘુ 263નો એર ક્વોલિટી ઇન્ડેક્સ નોંધાયો હતો. ગુજરાતીઓ હાલ દિવસમાં બે સિગારેટ પીવે તેટલું પ્રદૂષણનું પ્રમાણ છે.
ગુજરાતમાંથી 263ના એર ક્વોલિટી ઇન્ડેક્સ સાથે સુરતની હવા સૌથી પ્રદૂષિત
વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના માપદંડ કરતાં પણ દિલ્હીમાં પ્રદૂષણનું પ્રમાણ 60 ગણું વધારે છે. દિલ્હીમાં હાલ પ્રદૂષણનું પ્રમાણ દિવસમાં 49 સિગારેટ પીવા સમાન છે. જેના ઉપરથી જ દિલ્હીમાં પ્રદૂષણની ચિંતાજનક સ્થિતિનો તાગ મેળવી શકાય છે. અન્ય રાજ્યોમાંથી હરિયાણામાં 29, બિહારમાં 10, ઉત્તર પ્રદેશમાં 9.50, ઓડિશા-બંગાળ-રાજસ્થાનમાં 7.5, સિગારેટ પીવા જેટલું પ્રદૂષણ છે.
આ પણ વાંચો : ગુજરાતના 12 શહેરમાં 20 ડિગ્રીથી નીચું તાપમાન, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
ગુજરાતમાંથી મંગળવારની સ્થિતિએ સુરતમાં 263ના એર ક્વોલિટી ઇન્ડેક્સ સાથે સૌથી વઘુ પ્રદૂષિત હવા હતી. તજજ્ઞોના મતે 201-300 વચ્ચે એર ક્વોલિટી ઇન્ડેક્સ હોય તો તેને ખરાબની શ્રેણીમાં મૂકવામાં આવે છે. જેમાં લાંબો સમય રહેવાથી શ્વાસ લેવામાં સમસ્યા સર્જાઈ શકે છે. એર ક્વોલિટી ઇન્ડેક્સ 400ને પાર જાય તો તંદુરસ્ત વ્યક્તિને પણ અસર કરે છે. તબીબોના મતે શ્વાસની સમસ્યા હોય તેમના માટે હાલ માસ્ક પહેરીની બહાર નીકળવું હિતાવહ છે.
કેટલો એર ક્વોલિટી ઇન્ડેક્સ જોખમી...
એક્યુઆઇ | સ્થિતિ |
0-50 | સારી |
51-100 | સંતોષકારક |
101-200 | મઘ્યમ |
201-300 | ખરાબ |
301-400 | ખૂબ જ ખરાબ |
401-500 | ચિંતાજનક |
ગુજરાતમાં 24 કલાકમાં પ્રદૂષણનું ક્યાં -કેટલું સ્તર
શહેર/વિસ્તાર | પ્રદૂષણ |
સુરત | 263 |
અંકલેશ્વર | 182 |
અમદાવાદ | 182 |
વટવા | 118 |
ગાંધીનગર | 113 |
(* 19 નવેમ્બરની સ્થિતિએ.) |