'આદેશનું ઉલ્લંઘન કર્યુ હશે તો જેલભેગા કરીશું..', સોમનાથમાં બુલડોઝરની કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટનું મોટું નિવેદન
Gir Somnath Demolition Case: સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથમાં મેગા ડિમોલિશનની કામગીરીનો મુદ્દો સુપ્રિમ કોર્ટ સુધી પહોંચ્યો છે. આ બુલડોઝરની કાર્યવાહીને લઈને દાખલ કરવામાં આવેલી અવમાનની અરજી પર સુપ્રીમ કોર્ટે મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. કોર્ટે કહ્યું કે, 'જો અમારા આદેશનું ઉલ્લંઘન કરશો તો દોષિત અધિકારીઓને જેલભેગા કરીશું.' કોર્ટે યથાસ્થિતિ જાળવવાની અરજીકર્તાની માંગને ફગાવી દીધી છે. આ ઉપરાંત કોર્ટે દરગાહ સહિત અનેક ગેરકાયદે બાંધકામો અને દબાણો પર બુલડોઝ ફેરવવાની કાર્યવાહી અંગે ગુજરાત સરકાર પાસેથી જવાબ માંગ્યો છે. હવે આ કેસમાં આગામી સુનાવણી 16મી ઑક્ટોબરે હાથ ધરાશે.
અવમાનની અરજી શા માટે દાખલ કરવામાં આવી?
સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન ગુજરાત સરકાર તરફથી સોલિસિટર જનરલ (SG) તુષાર મહેતાએ કહ્યું કે, 'આ કેસ વર્ષ 2003થી ચાલી રહ્યો છે.' મુસ્લિમ સમાજ તરફથી સમસ્ત પટણી મુસ્લિમ જમાત દ્વારા સુપ્રીમ કોર્ટમાં અવમાનની અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજીમાં ગીર સોમનાથના કલેક્ટર અને અન્ય અધિકારીઓ સામે અવમાનની કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. અરજીમાં દરગાહ માંગરોળ શાહ બાબા, ઈદગાહ, પ્રભાસ પાટણ, વેરાવળ, ગીર સોમનાથ સ્થિત અન્ય ઘણા બાંધકામોને કથિત ગેરકાયદે ગણાવી તોડી પાડવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.'
આ પણ વાંચો: 'ચલક ચલાણી બંધ કરી પડતર માંગણી પૂરી કરો', સુરત મનપાના કર્મચારીઓની તંત્રને ચિમકી
આ પણ વાંચો: સોમનાથમાં મેગા ડિમોલિશન મુદ્દે ગુજરાત હાઇકોર્ટે શું કહ્યું હતું?
અરજદારના વરિષ્ઠ વકીલ સંજય હેગડેએ ગુજરાત સરકારના અધિકારીઓ પર આરોપ લગાવ્યો હતો કે, '28મી સપ્ટેમ્બરે પ્રભાસ પાટણમાં કોઈપણ પૂર્વ સૂચના અથવા સુનાવણીની તક આપ્યા વિના અનેક મહત્ત્વપૂર્ણ મુસ્લિમ ધાર્મિક સ્થળોને ગેરકાયદે રીતે તોડી પાડ્યા હતા.'