અમદાવાદમાં ખાનગી બસોના પ્રવેશ પર પ્રતિબંધ યથાવત્, સુપ્રીમે પ્રતિબંધ હટાવી લેવાની અરજી ફગાવી
Private Buses Entry Banned In Ahmedabad: અમદાવાદ શહેરમાં ખાનગી બસોની એન્ટ્રી અંગેની બસ સંચાલકોની અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. અગાઉ ગુજરાત હાઇકોર્ટે પણ શહેરમાં સવારે 8 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી ખાનગી બસો પ્રવેશને મંજૂરી આપવાની અરજી ફગાવી હતી. જે હુકમને ખાનગી બસ સંચાલકોએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.
ધંધા રોજગારના અધિકારની માગી હતી દાદ
ધંધા રોજગારના અધિકાર અને RTOના નિયમોને ટાંકીને ખાનગી ટ્રાવેલ એજન્સીઓએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. વર્ષ 2004માં 18 જેટલા રૂટ પર 24 કલાક ખાનગી બસની અવર-જવરની મંજૂરી આપવામાં આવી હતી. આ રૂટ પર મંજૂરી યથાવત્ રાખવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.
આ પણ વાંચો: ઓસ્કાર 2025માં ભારતીય ફિલ્મ 'લાપતા લેડીઝ'ની એન્ટ્રી, ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ કરી પુષ્ટી
અગાઉ ગુજરાત હાઇકોર્ટે તેના ચુકાદામાં નોંધ્યું હતું કે, 'શું છેલ્લા 18 વર્ષમાં પરિસ્થિતિ બદલાઈ છે? છેલ્લા બે દાયકામાં વાહનો વધ્યા છે, ટ્રાફિક મેનેજમેન્ટ મુશ્કેલ બન્યું છે અને અકસ્માતો વધ્યા છે. કોઈ નક્કર ડેટા વગર પોલીસ દ્વારા લગાવવામાં આવેલા પ્રતિબંધોને કેવી રીતે અયોગ્ય ગણાવી શકાય. જેઓ ખાનગી બસ સુવિધાનો ઉપયોગ કરવા ઇચ્છે છે તેમના માટે વ્યવસ્થા કરવા માટે ઓપરેટરો જવાબદાર છે.'