યોગ ડે વાલીઓ માટે બન્યો બોજ ડે, વિદ્યાર્થીઓને ફરજિયાત ટી શર્ટ-જોગર્સ અને યોગા મેટ મોકલવા માટે સૂચના

Updated: Jun 20th, 2024


Google NewsGoogle News
Yoga Day 2024


International Yoga Day 2024: આવતીકાલે આતંરરાષ્ટ્રીય યોગ દિવસની વૈશ્વિક સ્તરે ઉજવણી માટે શહેરની વિવિધ ખાનગી શાળાના સંચાલકોએ વિચિત્ર ફરમાન જાહેર કર્યું  છે. જેમાં વિદ્યાર્થીઓને  શાળામાં ફરજિયાતપણે સફેદ ટી શર્ટ , કાળા રંગનું જોગર્સ અને યોગ કરવા માટેની મેટ લાવવા માટે ફરમાન જાહેર કરાયું છે. સાથેસાથે વાલીઓને એમ પણ કહેવામાં આવ્યું છે કે નક્કી કરાયેલા કોડ પ્રમાણે જ વિદ્યાર્થીને મોકલવા. જેનો ગેરલાભ લઇને વેપારીઓએ રીતસરની લૂંટ ચલાવી હતી. જેમાં જોગર્સ , ટી શર્ટ અને યોગ મેટ સાથેનો સેટ વાલીઓને  દોઢ હજાર રૂપિયા સુધીમાં ખરીદવો પડી રહ્યો છે. આમ, ફરજિયાત યોગ ડેની ઉજવણીના નામે શાળાઓના સંચાલકોએ રીતસરની દાદાગીરી  કરી હતી. જેના કારણે વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

વેપારીઓએ ટી-શર્ટ જોગર્સ સાથેની યોગ કીટના દોઢ હજાર રૂપિયા સુધી વસૂલ્યાઃ શાળાના સંચાલકો સામે વાલીઓમાં રોષ

૨૧મી જુનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ ડેની ઉજવણી કરવા માટે શહેરની તમામ ખાનગી શાળાઓને વિશેષ આયોજન કરવા માટે શિક્ષણ વિભાગે સુચના આપી હતી. જેના કારણે વાલીઓને આર્થિક બોજાનો ભોગ બનવાનો વારો આવ્યો હતો. અમદાવાદની મોટાભાગની ખાનગી શાળાઓે દ્વારા બુધવારે સાંજથી વાલીઓને મેસેજ કરીને જાણ કરવામાં આવી હતી કે યોગ દિવસની ઉજવણી કરવાની હોવાથી વિદ્યાર્થીઓને ટી શર્ટ, જોગર્સ અને યોગ મેટ સાથે જ આવતીકાલે (શુક્રવારે) શાળામાં ફરજિયાત મોકલવા.  

વાલીઓને 1500 રૂપિયાનો ફટકો

આ સાથે જ કેટલીક શાળાઓ દ્વારા એવી સૂચના આપવામાં આવી હતી કે જો કે નક્કી ડ્રેસ કોડ સાથે વિદ્યાર્થીઓ નહી આવે તો તેમને પ્રવેશ આપવામાં દેવામાં નહી આવે. આમ, શાળાઓના ફરમાનને કારણે વાલીઓને આર્થિક બોજો સહન કરવાનો વારો  આવ્યો હતો. સાથેસાથે વેપારીઓ દ્વારા પણ વાલીઓ પાસેથી ટી શર્ટ, જોગર્સના  ૬૦૦ રૃપિયાથી એક રૃપિયા વસૂલ્યા હતા. જ્યારે યોગ મેટનો ભાવ વેપારીઓ 700 થી 800 રૂપિયા સુઘી કરી દીધો હતો. આમ, યોગ ડેની ઉજવણીનો વાલીઓને  રૂપિયા 1500  ખર્ચ થયો હતો.

શહેરના વાસણા વિસ્તારમાં આવેલી એક શાળાના વાલીએ આ બાબતે શાળાના સંચાલકો સાથે વાત કરીને વિદ્યાર્થીને નિયમિત ડ્રેસમાં મોકલવાનું કહેતા તેમને શાળાના સંચાલકોએ સ્પષ્ટ જણાવી દીધું હતું કે જો નક્કી ડ્રેસ કોડ અને યોગ મેટ વિના બાળક આવશે તો તેને પ્રવેશ આપવામાં નહી આવે. આ પ્રકારની સ્થિતિ અમદાવાદની મોટાભાગની ખાનગી શાળાઓમાં જોવા મળી હતી.  

આ અંગે શાળા સંચાલક સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે અમને શિક્ષણ વિભાગની સ્પષ્ટ સુચના છે કે યોગ દિવસની ઉજવણી ભવ્ય રીતે થવી જોઇએ. જેથી અમે કોઇ બાંધછોડ કરવા માંગતા નથી. કારણ કે અમારા દ્વારા યોગ દિવસની ઉજવણીનો રિપોર્ટ સરકારને આપવાનો છે. જેથી શાળાના સંચાલકોને મનમાનીનો ભોગ વાલીઓએ બનવાનો વારો આવ્યો છે.  જેના કારણે હજારો વાલીઓ પર આર્થિક બોજો આવ્યો છે.


Google NewsGoogle News