ધો. 10-12 બોર્ડની પરીક્ષા 2025: લેઇટ ફી સાથે ઓનલાઇન ફોર્મ ભરવાની મુદત વધારાઈ
STD.10-12 Board Exam 2025 : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ 10-12ના વિદ્યાર્થીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. ધોરણ 10 અને 12 વિજ્ઞાન પ્રવાહની ફેબ્રુઆરી- 2025ની બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ છે. પહેલા 22 ડિસેમ્બર સુધી પરીક્ષાનું આવેદનપત્ર લેઇટ ફી સાથે ઓનલાઇન ભરવાની અંતિમ તારીખ હતી. જ્યારે હવે ધોરણ 10 માટે બે દિવસ અને ધોરણ 12 માટે એક દિવસ લંબાવાયો છે.
ધોરણ 10ના ફોર્મ માટે બે દિવસ વધારાયા
રાજ્યના ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને શિક્ષણ વિભાગે પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ લંબાવી છે, ત્યારે ધોરણ 10ના વિદ્યાર્થીઓ 24 ડિસેમ્બર સુધીમાં બોર્ડની પરીક્ષાનું ફોર્મ લેઇટ ફી સાથે ઓનલાઇન ભરી શકશે. જેમાં જે-તે શાળાના પ્રિન્સિપાલે એપ્રુવલ આપવાનું બાકી હોય તો તાત્કાલિક આપવાનું રહેશે. આ સાથે આગામી 26 ડિસેમ્બર રાત્રીના 12 વાગ્યા સુધીમાં આવેદનપત્રમાં જરૂરી જણાતા સુધારા-વધારા કરી શકાશે. જ્યારે 30 ડિસેમ્બર સુધીમાં બાકી રહેતી ફી ભરી શકાશે.
આ પણ વાંચો: આગામી 27-28 તારીખે વરસાદની આગાહી, જાણો ગુજરાતના કયા જિલ્લામાં પડી શકે છે માવઠું
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના ફોર્મ માટે એક દિવસ વધારાયો
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવા માટે એક દિવસનો સમય વધારવામાં આવ્યો છે. જેમાં 23 ડિસેમ્બર સુધીમાં લેઇટ ફી સાથે ઓનલાઇન આવેદનપત્ર કરી શકાશે. આ સાથે 24 ડિસેમ્બર રાતના 12 વાગ્યા સુધીમાં આવેદનપત્રમાં સુધારા-વધારા અને પ્રિન્સિપાલે એપ્રુવલ આપવાનું રહેશે. જ્યારે 26 ડિસેમ્બર સુધીમાં બાકી રહેતી ફી ભરી શકાશે.