સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે સોલા ભાગવત પાસે કારમાંથી વિદેશી દારૂ સાથે બે યુવકોને ઝડપી લીધા
Ahmedabad Liquor Smuggling : સ્ટેટ મોનીટરીંગ સેલના સ્ટાફે ગત મધરાત્રે બાતમીને આધારે એસ.જી હાઇવે પર નીરમા યુનિવર્સિટીથી સોલા ભાગવત સુધી એક શંકાસ્પદ એસયુવી કારનો પીછો કરીને દારૂ-બિયરની 1900 જેટલી બોટલો જપ્ત કરીને બે યુવકોની ધરપકડ કરી છે. બંને આરોપીઓ રાજસ્થાનથી દારૂ લઇને સેટેલાઇટમાં એક બુટલેગરને દારૂ આપવા માટે આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું.
એસયુવી કારના ડ્રાઇવરે અગાઉ પાંચવાર અમદાવાદ અને વડોદરામાં દારૂનો જથ્થો સપ્લાય કર્યાનું કબુલ્યું
સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓને બાતમી મળી હતી કે વૈષ્ણોદેવી સર્કલ એસ.જી હાઇવે પરથી એક કાળા રંગની નંબર પ્લેટ વિનાની એક એસયુવી કારમાં દારૂનો જથ્થો સેટેલાઇટ સપ્લાય કરવાનો છે. જેના આધારે રવિવારે રાતના સમયે વોચ ગોઠવીને એક શંકાસ્પદ કારને રોકવા માટે ઇશારો કર્યો હતો. પરંતુ, કારના ચાલકે સ્પીડ વધારી હતી. જેથી પોલીસે પીછો કરીને સોલા ભાગવત પાસે કારને આંતરીને બે યુવકોને ઝડપીને કારમાંથી 1900 બોટલ દારૂ-બિયરનો જથ્થો જપ્ત કર્યો હતો. પુછપરછમાં કારચાલકનું નામ રૂપારામ જાટ (રહે.નોખડા, જિ. બીકાનેર) અને જસરાજ જાટ (રહે.નોખડા, બાડમેર) હોવાનું જાણવા મળ્યું હતું. રૂપારામે જણાવ્યું હતું કે દારૂનો જથ્થો પવનગીરી મહારાજ (રહે. બાડમેર) દ્વારા દારૂનો જથ્થો ભરાવ્યો હતો. જે સેટેલાઇટ પહોંચીને એક બુટલેગરને આપવાનો હતો. રૂપારામની વધુ પુછપરછમાં જાણવા મળ્યું હતું કે તે ડ્રાઇવીંગનો વ્યવસાય કરતો હતો. નાણાંની જરૂર હોવાથી તે પવનગીરી માટે પોતાની કારમાં દારૂનો જથ્થો ગુજરાતમાં સપ્લાય કરતો હતો. અગાઉ પાંચવાર પૈકી ત્રણવાર અમદાવાદ અને બે વાર વડોદરા દારૂનો જથ્થો સપ્લાય કરી ચુક્યો છે. આ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.