રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારની તબિયત લથડી, યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા
Bhikhu Singh Parmar's Health Deteriorated : ગાંધીનગરથી એક મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. જેમાં રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારની તબિયત લથડી છે. સૂત્રો પાસેથી મળતા સમાચાર મુજબ ભીખુસિંહ પરમારનું અચાનક બ્લડ પ્રેશર વધી જતાં તેમને તાત્કાલિક યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. હાલ તેમની સારવાર ચાલી રહી છે.
ભીખુસિંહ પરમારની રાજકીય સફર સંઘર્ષમય રહી
ભીખુસિંહ પરમારની રાજકીય સફર સંઘર્ષમય રહી છે. ધારાસભ્ય બનવા માટે 27 વર્ષ સુધી રાહ જોવી પડી હતી. 1995માં પ્રથમવાર મોડાસા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા પણ તેની હાર થઈ હતી. આ પછી વર્ષ 2002ની વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષ તરીકે અને 2007માં બસપાની ટિકિટ પર મોડાસા બેઠક પરથી ધારાસભ્યની ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું, પણ તેમાં પણ નસીબે સાથ ન આપતા ચૂંટણી હારી ગયા હતા. ત્યારબાદ ભાજપે 2017ની ચૂંટણીમાં મોડાસા બેઠક પરથી ભીખુસિંહ પરમારને ટિકિટ આપી હતી, જો કે 1640 વોટના અંતરે હારી ગયા હતા. આ પછી ભાજપે ફરી ભીખુસિંહને જ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં મોડાસા બેઠક પરથી ટિકિટ આપી હતી. આ વખતે તેઓ જીતીને 27 વર્ષની રાજકીય સફરમાં પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા. હાલ ભીખુસિંહ પરમાર ગુજરાત સરકારમાં કેબિનેટમાં રાજ્ય કક્ષાના મંત્રી અને અન્ન નાગરિક પુરવાઠા વિભાગની જવાબદારી સંભાળી રહ્યા છે.
એસટી વિભાગમાં હેલ્પર તરીકે નોકરી કરી હતી
ભીખુસિંહ પરમારે જેટલો રાજકારણમાં સર્ઘષ કર્યો છે એટલો જ સંઘર્ષ જીવનમાં પણ કર્યો છે. ગુજરાત એસટી વિભાગમાં હેલ્પર તરીકે નોકરી કરી હતી. જેમાં તેમણે સાફ સફાઈ કરવાની કામગીરી પણ કરી હતી. ત્રણ વર્ષ સુધી નોકરી કર્યા બાદ તેમણે હેલ્પર તરીકેની નોકરી છોડી દીધી હતી. આ ઉપરાંત તેમણે આરોગ્ય વિભાગમાં પણ દવા છંટકાવ કરવા હંગામી ધોરણે કામ કર્યું હતું