Get The App

ઇન્સ્ટાગ્રામ પર ગેમીંગ એપ્લીકેશનના નામે છેતરપિંડી આચરતી ગેંગ ઝડપાઇ

સીઆઇડી ક્રાઇમના સાયબર સેલ દ્વારા કાર્યવાહી

પાલનપુરથી આરોપીઓ દેશવ્યાપી કૌભાંડ ચલાવતા હતા ઃ ૧૭ જેટલા બેંક એકાઉન્ટમાં બે કરોડ ઉપરાંતના આર્થિક વ્યવહાર મળી આવ્યા

Updated: Apr 28th, 2025

GS TEAM


Google News
Google News
ઇન્સ્ટાગ્રામ પર ગેમીંગ એપ્લીકેશનના નામે છેતરપિંડી આચરતી ગેંગ ઝડપાઇ 1 - image

અમદાવાદ,સોમવાર

સીઆઇડી ક્રાઇમના સ્ટેટ સાયબર સેલના અધિકારીઓ પાલનપુરમાં દરોડો પાડીને ઇન્સ્ટાગ્રામ  પર ગેમીંગ એપ્લીકેશનના નામે કોઇન અપાવવાની લીંક મોકલીને કરોડોની છેતરપિંડી આચરવામાં આવતા દેશવ્યાપી કૌભાંડનો પર્દાફાશ કરીને  બનાસકાંઠામાં રહેતા સાત આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે તપાસ કરતા આરોપીઓના ૧૭ જેટલા બેંક એકાઉન્ટમાંથી  બે કરોડના આર્થિક વ્યવહાર થયાની વિગતો મળી છે. જેના આધારે સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.

 સીઆઇડી ક્રાઇમના સ્ટેટ સાયબર સેલના અધિકારીઓને બાતમી મળી હતી કે ગુજરાતમાં સક્રિય કેટલાંક મોબાઇલ નંબરથી મોટાપાયે છેતરપિંડી કરવામાં આવી રહી છે. જે અંગે દેશના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી અરજીની તપાસ કરતા પાલનપુરની બનાસકાંઠા મર્કન્ટાઇલ કૉ. બેંકનો એકાઉન્ટ નંબર મળી આવ્યો હતો. જેના આધારે પોલીસે અલગ અલગ ટીમ બનાવીને તપાસ કરતા ચોંકાવનારી માહિતી મળી હતી કે પાલનપુરથી કેટલાંક લોકો ઇન્સ્ટાગ્રામ પર ગેમીંગ એપ્લીકેશની આઇડી બનાવીને તેમાં રમવા માટે  કોઇન અપાવતા હતા. બાદમાં કોઇન અંગે બેંકની એન્ટ્રી થઇ હોવાથી કોઇન લેનાર વ્યક્તિ ખોટા કેસમાં ફસાઇ જશે તેમ કહીને સેટલમેન્ટના નામે લાખો રૂપિયા પડાવતા હતા. પોલીસે  આ અંગે પાલનપુરમાં આવેલા નિધી બંગ્લોઝમાં દરોડો પાડીને   શૈલેષ ચૌધરી, સેંધાભાઇ ચૌધરી, જીતેન્દ્ર ચૌધરી, સુરેશ ચૌધરી, રાહુલ ચૌધરી, નરસિંહ ચૌધરી નામના આરોપીઓને ઝડપી લીધા હતા. પોલીસે સ્થળ પરથી ૧૩ મોબાઇલ ફોન, ૧૪ બેંકોની પાસબુક, ચેક બુક, ડેબીટ-ક્રેડિટ કાર્ડ અને રોકડ મળી આવી હતી. આ અગે સીઆઇડી ક્રાઇમના એસપી ધર્મેન્દ્ર શર્માએ જણાવ્યું કે પોલીસને આરોપીઓના ૧૭ જેટલા બેંક એકાઉન્ટમાંથી બે કરોડ ઉપરાંતના આર્થિક વ્યવહારની વિગતો મળી છે. તેમજ આ ગેંગ વિરૂદ્ધ વિવિધ રાજ્યોના પોલીસ સ્ટેશનમાં અરજી કરાઇ ચુકી છે. ત્યારે આ કેસની તપાસમાં અનેક ચોંકાવનારી વિગતો સામે આવવાની શક્યતા છે.

Tags :