એસટીને દિવાળી ફળીઃ 16 દિવસમાં 10.56 લાખ ટિકિટ બુક, રૂ. 29 કરોડની આવક
GSRTC Diwali Revenue: ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ (એસટી) નિગમને દિવાળી ફળી છે. માત્ર 16 દિવસમાં એડવાન્સ ટિકિટ બુકિંગ પેટે એસટી નિગમને રૂપિયા 28.33 કરોડની આવક થયેલી છે. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર 9 ઑક્ટોબરથી 24 ઑક્ટોબર દરમિયાન વિવિધ ડિવિઝન, ઈ-બુકિંગ અને મોબાઇલ બુકિંગથી કુલ રૂપિયા 10.56 લાખની ટિકિટનું એડવાન્સ બુકિંગ થયું છે. જેમાં અમદાવાદ ડિવિઝનથી સૌથી વધુ 71587 એડવાન્સ ટિકિટ બુકિંગનો સમાવેશ થાય છે. છેલ્લા 16 દિવસમાં સૌથી વધુ એડવાન્સ ટિકિટ બુકિંગથી સૌથી વધુ રૂપિયા 1.97 કરોડની આવક 24 ઑક્ટોબરના રોજ થઈ છે.
દરરોજની સરેરાશ રૂપિયા 1.77 કરોડની આવક
આ સ્થિતિ જોતાં એડવાન્સ બુકિંગ પેટે એસટી નિગમને દરરોજની સરેરાશ રૂપિયા 1.77 કરોડની આવક થાય છે. દિવાળીનો તહેવાર જેમ જેમ નજીક આવે તેમ તેમ એસટીની દૈનિક આવકનો આંક રૂપિયા બે કરોડને પાર જાય તેવી સંભાવના છે. દરમિયાન ગીતા મંદિરથી 26 ઑક્ટોબરના એક્સ્ટ્રા બસની 58 ટ્રિપમાં 3269 મુસાફર નોંધાયા હતા અને તેનાથી રૂપિયા 6.58 લાખની આવક થઈ હતી.
આ પણ વાંચો: વાઘ બારસની સાથે આજથી દિવાળીના તહેવારોનો પ્રારંભ, બજારમાં ખરીદી માટે લોકોની ભીડ