અમદાવાદમાં ફ્લાયઓવર નીચે બનશે સ્પોર્ટ્સ એક્ટિવિટી સેન્ટર: બોક્સ ક્રિકેટ-ટેબલ ટેનિસ અને ગાર્ડનની સુવિધા
Ahmedabad News : અમદાવાદમાં આવેલાં દિનેશ ચેમ્બર ફલાય ઓવર, રાજેન્દ્રપાર્ક ફલાય ઓવર, અંજલી ફલાય ઓવરબ્રિજ સહીતના આઠ બ્રિજ નીચે આવેલાં અંડરસ્પેસ એરિયામાં રૂપિયા 37 કરોડના ખર્ચે સ્પોર્ટસ એકિટીવીટી સેન્ટર બનશે. બ્રિજ નીચે આવેલી જગ્યામાં લેન્ડ સ્કેપ વીથ ગાર્ડન, ચિલ્ડ્રન પ્લે એરીયા, બોક્સ ક્રીકેટ સહીતની ઈન્ડોર ગેમ્સનું આયોજન કરવામાં આવશે. પેલેડિયમ મોલ પાસે તથા કારગીલ જંકશન પાસે નેશનલ હાઈવે ઓથોરીટીની પરમિશન મળ્યા પછી આયોજન કરવામાં આવશે.
શહેરના ફ્લાયઓવર નીચે બનશે સ્પોર્ટ્સ એક્ટિવિટી સેન્ટર
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીની મળેલી બેઠકમાં શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા રેલવે ઓવરબ્રિજ, ફલાય ઓવરબ્રિજ સહિતના અન્ય બ્રિજ નીચે આવેલાં અંડર સ્પેસની જગ્યામાં સ્પોર્ટસ એકિટીવીટી સેન્ટર બનાવવા રૂપિયા 37.62 કરોડના ખર્ચે 29 ટકા વધુ ભાવથી કોન્ટ્રાક્ટર દેવરાજ બિલ્ડર્સને કામગીરી આપવા દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે. બ્રિજ નીચેની જગ્યામાં સિનીયર સીટીઝન પાર્ક, ગાર્ડનીંગ, બાળકો માટે રમતગમત માટેની વ્યવસ્થા સહિતની કામગીરી કરી અંડર સ્પેસ એરીયાને ડેવલપ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાનું રોડ કમિટીના ચેરમેન જયેશ પટેલે કહ્યું છે.
18 મહીનામાં સ્પોર્ટસ એકિટીવીટી સેન્ટરની કામગીરી પુરી કરવામાં આવશે. અંડર સ્પેસ એરિયામાં લેન્ડ સ્કેપ ગાર્ડન વીથ સીટીંગ એરેજમેન્ટ, ચિલ્ડ્રન પ્લે એરીયા, થીમ બેઝ ડેકોરેટીવ સ્કલ્પચર, ડેકોરેટીવ ફલોરીંગ ઉપરાંત પેઈન્ટીંગ, લાઈટીંગ, ફુડ સ્ટોલ સહીતની સુવિધા આસપાસના વિસ્તારમાં રહેતાં રહીશોને સરળતાથી મળી રહે એવું આયોજન કરાશે.
આ પણ વાંચો: અમદાવાદના 400 ટ્રાફિક સિગ્નલ AIથી જોડાશે: સરળ શબ્દોમાં સમજો કઈ રીતે ચક્કાજામથી મળશે રાહત
કયા-કયા બ્રિજ નીચે અંડર સ્પેસ ડેવલપ કરાશે
1. દિનેશ ચેમ્બર ફલાય ઓવરબ્રિજ
2. રાજેન્દ્ર પાર્ક ફલાય ઓવરબ્રિજ
3. ઘોડાસર ફલાય ઓવરબ્રિજ
4. અંજલી ફલાય ઓવરબ્રિજ
5. શાહીબાગ રેલવે ઓવરબ્રિજ
6. ગુરૂજી રેલવે ઓવરબ્રિજ
7. ગુજરાત કોલેજ ફલાય ઓવરબ્રિજ
8. પેલેડીયમ મોલ તથા કારગીલ જંકશન પાસે