VIDEO: 'કાર્યકર સુવર્ણ મહોત્સવ'માં હરિભક્તોએ પહેરેલા LED બેન્ડથી આખું સ્ટેડિયમ ઝળહળી ઉઠ્યું
Karyakar Suvarna Mahotsav at Ahmedabad : આજે (7 ડિસેમ્બર, 2024) અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) દ્વારા 'કાર્યકર સુવર્ણ મહોત્સવ'નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એક લાખ હરિભક્તો ઉમટી પડ્યા હતા. મહંત સ્વામીએ મહોત્સવના શુભારંભ પ્રસંગે રથમાં બેસીને ભવ્ય પધરામણી કરી હતી. સંધ્યાકાળે કાર્યક્રમમાં આખું સ્ટેડિયમ રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું. લેસર-લાઇટિંગ શો, સંગીત અને નૃત્યના અદભુત કાર્યક્રમ જોઈને હાજર સૌ કોઈ અભિભૂત થયા હતા.
હાજર સૌ કાર્યકરોને અપાયા હતા ખાસ બેન્ડ
કાર્યક્રમની શરૂઆત પહેલા જ લોકોની ખુરશીઓ પર ખાસ બેન્ડ મૂકવામાં આવ્યા હતા. તમામ હરિભક્તોએ આ બેન્ડ હાથમાં પહેર્યા, બાદમાં એક પ્રસ્તુતિ દરમિયાન આખું સ્ટેડિયમ રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું. આટલું જ નહીં હરિભક્તોએ પહેરેલા બેન્ડમાં પણ વિવિધ પ્રકારની લાઇટ થઈ.
આ સ્પેશિયલ LED બેન્ડની ખાસિયત એ છે કે એકસાથે એક લાખ બેન્ડ સિક્રોનાઈઝ કરવામાં આવ્યા હતા. બેન્ડનું પ્રોગ્રામિંગ દુબઈમાં કરવામાં આવ્યું જેથી વિવિધ થીમ અને મ્યુઝિક પ્રમાણે બેન્ડ જગમગે. સ્ટેડિયમમાં મધુર સંગીત સાથે હરિભક્તોના હાથમાં બેન્ડમાં રોશની થવાના કારણે અદ્ભૂત નજારો સર્જાયો હતો.