નવું આશ્વાસન : પ્રદૂષણ રોકવા SOP સાબરમતીમાં ગંદુ પાણી છોડનારા ઔદ્યોગિક એકમની BU રદ થશે

Updated: Jul 9th, 2024


Google NewsGoogle News
Sabarmati River pollution


Sabarmati River  SOP to prevent pollution : સાબરમતી નદીના પ્રદૂષણને લઈ હાઈકોર્ટ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને સાબરમતી નદીને પ્રદૂષિત થતી અટકાવવા ઠપકા સાથે આદેશ કરાયા છે. હાઈકોર્ટના આદેશને પગલે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નદીને પ્રદૂષિત થતી રોકવા સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીજર અમલમાં મુકવાનો નિર્ણય કર્યો છે.

ગુજરાત પોલ્યુશન કંટ્રોલબોર્ડને જે તે એકમને કલોઝર નોટિસ આપવા જાણ કરાશે,ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવશે

નદીમાં પ્રદૂષિત કે ગંદુ પાણી છોડનારા ઔદ્યોગિક એકમની બિલ્ડિંગ યુઝ પરમીશન રદ કરવામાં આવશે. ઉપરાંત ટ્રીટ કર્યા વગર નદીમાં ગંદુ પાણી છોડનારા ઔદ્યગિક એકમને કલોઝર નોટિસ આપવા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને જાણ કરવામા આવશે. કોઈ કીસ્સામાં ઔદ્યોગિક એકમનું બાંધકામ ગેરકાયદેસર હોવાનુ ધ્યાનમા આવશે તો તે બાંધકામ મ્યુનિ.તંત્ર દ્વારા તોડી પડાશે.સાબરમતી નદીમાં પાણી છોડવાના આવેલા તમામ આઉટલેટસનું મોનિટરીંગ કરવામાં આવશે.

સાબરમતીમાં પ્રદૂષણ મુદ્દે AMC ને ફરી ફટકાર, આશ્વાસન નહીં નક્કર કામગીરી કરી દેખાડો : હાઇકોર્ટ

શહેરની સાબરમતી નદીને પ્રદૂષિત થતી અટકાવવા વર્ષ-2021માં જાહેહિતની અરજી કરવામાં આવી હતી. બાદમાં વખતોવખત સાબરમતી નદીના પ્રદૂષણની સ્થિતિમાં કોઈ સુધારો જોવા નહી મળતા હાઈકોર્ટ દ્વારા કડક ભાષામા મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રની બેદરકારીને કારણે નદીમાં બેરોકટોક પ્રદૂષિત પાણી છોડવામા આવી રહયુ હોવાની ટકોર કરી હતી.સાબરમતી નદીને પ્રદૂષિત થતી અટકાવવા મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારસને 4 જૂલાઈના રોજ સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીજર બનાવી તે મુજબ અમલ કરવા મ્યુનિસિપલ કોર્પોરેશનના સંબંધિત તમામ વિભાગના ઉપરી અધિકારીઓને સુચના આપી છે.એસ.ઓ.પી.મુજબ વિવિધ વિભાગના અધિકારીઓની એક ટાસ્કફોર્સની રચના કરવામા આવી છે.

કયા ખાતાના અધિકારીની શું જવાબદારી રહેશે તે પણ નકકી કરવામા આવ્યુ છે.ટાસ્કફોર્સના અધિકારીઓએ તેમને આપવામા આવેલા ચેકલિસ્ટ મુજબ વખતોવખત સર્વે કરી તેમના ઉપરી અધિકારીને રીપોર્ટ આપવાનો રહેશે.જે એકમો દ્વારા નિયમોનુ પાલન થતુ ના હોય અથવા લાઈસન્સ ના હોય એવા એકમો તાત્કાલિક ધોરણે સીલ કરવામાં આવશે.શહેરના વિવિધ ઔદ્યોગિક એકમ દ્વારા રાત્રિના સમયે અંધકારનો લાભ ઉઠાવી  સાબરમતી નદીમાં પ્રદૂષિત પાણી છોડતા હોય છે.જેને રોકવા પેટ્રોલિંગ સ્કવોર્ડ બનાવાશે.

ટાસ્કફોર્સ ઉપરાંત પેટ્રોલિંગ સ્કવોડ તૈયાર કરવામાં આવશે

અમદાવાદના ઔદ્યોગિક એકમો દ્વારા સાબરમતી નદીમાં છોડવામાં આવતા પ્રદૂષિત પાણીને રોકવા મ્યુનિસિપલ તંત્ર દ્વારા ટાસ્કફોર્સ ઉપરાંત વિવિધ વોર્ડ વિસ્તારમાં સઘન તપાસ માટે પેટ્રોલિંગ સ્કવોર્ડ તૈયાર કરવામાં આવશે.આ ઉપરાંત નકકી કરવામા આવેલા મહત્વના મુદ્દા આ મુજબ છે.

1. નદીમાં પ્રદૂષિત પાણી છોડતા ઔદ્યોગિક એકમના નામ મ્યુનિ.કોર્પોરેશનની વેબસાઈટ ઉપરાંત સોશિયલ મિડીયામા જાહેર કરવામા આવશે. 

2. ટાસ્કફોર્સમાં ડેપ્યુટી સીટી ઈજનેર ઉપરાંત ટાઉન પ્લાનિંગ વિભાગ, સેન્ટ્રલ લેબોરેટરી, પર્યાવરણ એન્જિનિયર,પોલ્યુશન કંટ્રોલ બોર્ડ તથા પોલીસના અધિકારીની નિમણૂંક કરવામા આવશે. 

3. તમામ ઔદ્યોગિક એકમમાં ફેકટરી લાયસન્સ ઉપરાંત બિલ્ડિંગ યુઝ પરમીશન, હેલ્થ લાઈસન્સ, ખાનગી બોર, ઔદ્યોગિક પાણીનો કેવી રીતે નિકાલ કરવામા આવે છે તથા કેટલા પેરામીટરનુ પાલન કરવામા આવે છે વગેરે વિગત સર્વે કરી મેળવવામા આવશે. 

4. મ્યુનિ.એક નવુ પોર્ટલ બનાવશે.જેમાં શહેરીજનો ફેકટરી કે અન્ય એકમ દ્વારા ગંદુ પાણી છોડાતુ હોય તો તેના ફોટા અને માહિતી ઈ-મેઈલથી પોર્ટલ ઉપર મુકી શકશે. 

5. ગેરકાયદેસર રીતે ગટરલાઈનમાં ગંદુ પાણી છોડવામા આવે છે.તેના રુટ મેપ ચેક કરી કાર્યવાહી કરાશે. ૬.નદીને પ્રદૂષિત કરનારા ઔદ્યોગિક એકમોના પાણી,ગટરના જોડાણ કાપી નંખાશે.

દક્ષિણ-ઉત્તર અને પૂર્વઝોનમાં સર્વે શરુ કરાયો

ગત ગુરુવારે નદીમાં છોડવામા આવતા પ્રદૂષિત પાણીને લઈ નવી એસ.ઓ.પી.જાહેર કરવામા આવ્યા બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના દક્ષિણ, ઉત્તર તથા પૂર્વ ઝોનના વિવિધ વોર્ડ વિસ્તારમાં આવેલા ફેકટરીઓ સહિતના અન્ય ઔદ્યોગિક એકમો અંગે તપાસ શરુ કરી છે. આ ઉપરાંત મધ્યઝોન સહિતના અન્ય ઝોનમાં પણ તપાસ કરવામા આવશે.મ્યુનિ.ના વોટર રીસોર્સ મેનેજમેન્ટના એડીશનલ સિટી ઈજનેર વિજય પટેલે કહયુ,વેસ્ટર્ન ટ્રંક મેઈનમા પણ આ પ્રકારે પ્રદૂષિત પાણી છોડવામા આવતુ હોવાનુ માલૂમ પડશે તો કનેકશન કાપવાથી લઈ કલોઝર સુધીની કાર્યવાહી જે તે એકમ સામે કરવામાં આવશે. 


Google NewsGoogle News